- જેહાદ માટે લોકોને તૈયાર કરવા સાહિત્યનું વિતરણ કરતા હતા
- આઇએસઆઇએસનું સાહિત્ય, મોબાઇલ ફોન્સ જપ્ત
- રાજ્ય અને દેશમાં મોટા પગલાં લેવા લોકોને તૈયાર કરી રહ્યા હતા
ઉત્તરપ્રદેશ એન્ટિ ટેરરિઝમ સ્કવોડે દાવો કર્યો છે કે આઇએસઆઇએસના અલીગઢ મોડયૂલ સાથે સંકળાયેલી ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ એટીએસે એક યાદીમાં જણાવ્યું હતું કે શુક્રવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતેથી 29 વર્ષના બીટેકના વિદ્યાર્થી રકિબ ઇમામ અંસારીની ધરપકડ કરવામાં આવી હતી.
તે પછી એટીએસે શનિવારે સંભલ ખાતેથી નાવેદ સિદ્દીકી (23), મોહમ્મદ નોમાન(27) અને મોહમ્મદ નઝિમ(23) ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પ્રતિબંધિત આઇએસઆઇએસ સંગઠનનું સાહિત્ય, મોબાઇલ ફોન્સ જપ્ત થયા હતા.
આરોપીઓને પ્રતિબંધિત આઇએસઆઇએસના અલીગઢ મોડયૂલ સાથે સંબંધ હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. આ સંગઠન ચૂંટાયેલી સરકારોને ઉખાડી ફેંકીને શરિયાની સ્થાપના માટે જેહાદ કરે છે. આરોપીઓ આઇએસઆઇએસ સંબંધિત સાહિત્યનું વિતરણ કરતા હતા અને સમાન વિચારસરણીવાળા લોકોને સંગઠન સાથે જોડતા હતા. ઓનલાઈન પ્લેટફોર્મ પર તેઓ ત્રાસવાદી જેહાદ માટે લોકોને માનસિક રીતે તૈયાર કરતા હતા.
રાજ્ય અને દેશમાં મોટા પગલાં લેવા લોકોને તૈયાર કરી રહ્યા હતા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની બેઠક દરમિયાન ચારેય લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તે લોકો નવા લોકોને સંગઠનમાં સામેલ કરવાની કામગીરી કરી રહ્યા હતા.