- દિલ્હીના ઝેરી પ્રદૂષણથી કોંગ્રેસના ટોચના નેતાઓ ત્રાહિમામ
- સોનિયા ગાંધીને ડોક્ટરોએ આપી દિલ્હીના પ્રદૂષણથી બચવાની સલાહ
- મંગળવારે પણ દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 375 નોંધાયો
કોંગ્રેસના નેતાઓ સોનિયા અને રાહુલ ગાંધી મંગળવારે અચાનક જયપુર આવી પહોંચ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે દિલ્હીમાં વધતાં પ્રદૂષણને કારણે ડોકટરોની સલાહ પર સોનિયા ગાંધી જયપુર આવ્યા છે.
હોસ્પિટલમાં લાંબો સમય વિતાવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી મંગળવારે હોસ્પિટલમાંથી રજા મળતાં જ અચાનક રાહુલ ગાંધી સાથે જયપુર પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધી થોડા દિવસ જયપુરમાં રોકાશે. વાસ્તવમાં ડોક્ટરે તેમને દિલ્હીના પ્રદૂષણથી દૂર રહેવાની સલાહ આપી છે. સોનિયા ગાંધીને શ્વાસની તકલીફ છે અને દિલ્હીમાં પ્રદૂષણને કારણે ડોક્ટરોએ તેમને અહીંથી દૂર રહેવાની સલાહ આપી છે. તેઓ જયપુરમાં લક્ઝરી હોટલ રાજવિલાસમાં રોકાશે. હજુ કેટલા દિવસ રોકાણ થશે તે નક્કી નથી. મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમને મળવા પહોંચ્યા છે.
દિલ્હીમાં હવાની ગુણવત્તા સુધરે ત્યાં સુધી સોનિયા ગાંધી અસ્થાયી રૂપે જયપુર શિફ્ટ થઈ રહ્યા છે. ડૉક્ટરોએ તેમને અસ્થાયી રૂપે એવી જગ્યાએ જવાની સલાહ આપી છે જ્યાં હવાની ગુણવત્તા સારી હોય. સોનિયા ગાંધીને તાવના લક્ષણો દેખાતા સપ્ટેમ્બરમાં દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી પણ પોતાની માતા સાથે જયપુરમાં રોકાશે. તેઓ 15 નવેમ્બરે છત્તીસગઢમાં અને અહીંથી 16, 19, 21 અને 22 નવેમ્બરે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરશે.
માહિતી અનુસાર, મંગળવારે પણ દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 375 હતો, જે ‘ગંભીર’ શ્રેણીમાં છે, જ્યારે જયપુરનો AQI 72 હતો, જે ‘મધ્યમ’ શ્રેણીમાં છે.