- દિલ્હીમાં પ્રદૂષણને કારણે શ્વાસ લેવો મુશ્કેલ
- હવા ઝેરી બની, અનેક વિસ્તારમાં વોટર ફાયરિંગ
- તંત્ર તરફથી કોઈ પરિણામલક્ષી કામગીરી નહી
દિવાળીનું સેલિબ્રેશન પૂર્ણ થયા બાદ દિલ્હીની આબોહવા દિલ્હીવાસીઓ સામે મોટું જોખમ ઊભું કરી રહી છે. દિવસે દિવસે વધી રહેલા પ્રદૂષણને કારણે શ્વાસ કેમ લેવો એ એક પ્રશ્ન બની રહ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણને કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. પ્રદૂષણને કારણે સમગ્ર NCR વિસ્તારની હવા ઝેરી બની ગઈ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. લોકોને ઉધરસ સહિતની વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજું દિલ્હીમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવારે વાતાવરણ ઠંડું અનુભવાયું છે. દિલ્હીના હાઈવે પર વાહનોની સંખ્યા ઘટી ગઈ હતી.
પરિણામલક્ષી કોઈ કામગીરી નહીં
દિલ્હી સરકાર પ્રદૂષણને કાબૂમાં લેવા માટે સતત બેઠકો અને આયોજન કરી રહી છે પરંતુ તેમ છતાં તેના પરિણામો જમીન પર દેખાતા નથી. બુધવારે રાજધાની દિલ્હીના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષણને કારણે હાલત ખરાબ જોવા મળી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર આ વિસ્તારમાં AQIની સ્થિતિ વિશે વાત કરીએ તો ગુરુવારે સવારે આનંદ વિહારમાં AQI 430, RK પુરમમાં 417, પંજાબીબાગમાં 423 અને જહાંગીરપુરીમાં 428 હતો. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું છે કે, ફટાકડાને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણના સ્તરમાં અચાનક વધારો થયો છે.
પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે
રાયે એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હી સરકાર ખતરનાક પ્રદૂષણ સ્તરો ધરાવતા વિસ્તારોમાં વધારાના પાણીના છંટકાવ અને એન્ટી સ્મોગ ગનનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. તેમણે તમામ રાજ્યોને પરાળી સળગાવવાની ઘટનાઓને ઘટાડવા માટે સહકાર આપવા વિનંતી કરી છે. શ્રમ પ્રધાન રાજ કુમાર આનંદે જોન્તી બોર્ડર પર જમીનની સ્થિતિની સમીક્ષા કરી હતી અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના પગલાંના અમલીકરણની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે અમે ડીએમ અંકિતા આનંદને સરહદ પહેલા રાહત શિબિર બનાવવાની વિનંતી કરી છે. તે પછી પણ જો કોઈ વાહન અહીં આવશે તો તેને પરત મોકલી દેવામાં આવશે. કાલે અહી છંટકાવ માટે વાહનો મોકલીશું.