- સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ-પંજાબના રાજ્યપાલો સામે ફરિયાદ
- ફરિયાદોને સુપ્રીમ કોર્ટે ગણાવ્યા “ગંભીર ચિંતાનો વિષય”
- તમિલનાડુ વિધાનસભા અધ્યક્ષે બોલાવ્યું વિશેષ સત્ર
તમિલનાડુ અને પંજાબની રાજ્ય સરકારોએ રાજ્યપાલોની બિનજરૂરી અને અર્થહીન દખલગીરી સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે તમિલનાડુ અને પંજાબના રાજ્યપાલો સામે કડક વલણ અપનાવ્યું હતું. હવે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ ગુરુવારે વિધાનસભામાં પેન્ડિંગ 10 બિલ પરત કર્યા છે. આમાં અગાઉની AIADMK સરકાર દ્વારા પસાર કરાયેલા 2 બિલનો પણ સમાવેશ થાય છે.
રાજ્યના કાયદા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવામાં રાજ્યપાલ રવિ દ્વારા બિનજરૂરી વિલંબ કરવામાં આવ્યો હતો. તમિલનાડુ ઉપરાંત પંજાબ સરકાર દ્વારા પણ આવા મામલા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. આ બંને રાજ્યોની ફરિયાદો પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે ફરિયાદોને “ગંભીર ચિંતાનો વિષય” ગણાવી હતી.
બિલ પરત કરાયાના થોડા કલાકો બાદ, તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષ એમ અપ્પાવુએ શનિવારે 18 નવેમ્બરના રોજ એક દિવસનું વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સત્તાધારી પક્ષ ડીએમકે આ તમામ બિલોને રાજ્યપાલની મંજૂરી માટે સીધા રાજભવન મોકલશે. જે બાદ રાજ્યપાલ માટે આ તમામ બિલ પર સહી કરવી ફરજિયાત બની જશે. રાજ્યપાલના હસ્તાક્ષર થતાં જ આ બિલો કાયદો બની જશે.
અગાઉ, તમિલનાડુની ડીએમકે સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે ભાજપ સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલ આરએન રવિ જાણી જોઈને આ બિલોને મંજૂરી આપવામાં વિલંબ કરી રહ્યા છે. રાજ્ય સરકારે રાજ્યપાલ પર ચૂંટાયેલા વહીવટને નબળો પાડીને રાજ્યના વિકાસમાં અડચણ ઊભી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
રાજ્યપાલ પાસે પેન્ડિંગ 10 બિલોમાં રાજ્ય સંચાલિત યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂકના મામલે રાજ્યપાલની સત્તાને પ્રતિબંધિત કરતું બિલ પણ સામેલ છે. બીજું બિલ AIADMKના ભૂતપૂર્વ પ્રધાનો પર કેસ ચલાવવાની પરવાનગી મેળવવા સાથે પણ સંબંધિત છે.
અગાઉ, નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) મુક્તિ બિલને લાંબા સમય સુધી પેન્ડિંગ રાખ્યા બાદ રાજ્યપાલ દ્વારા પરત કરવામાં આવ્યું હતું. બાદમાં આ બિલ ફરીથી વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને ભારતના રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાજ્યપાલ દ્વારા ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતા બિલ પર સમાન વલણ અપનાવવામાં આવ્યું હતું. સ્પીકરે કહ્યું, “બિલને રોકવું એ ના કહેવાની નમ્ર રીત છે…”