- ઉત્તરકાશી ટનલમાં રેસક્યુ ઓપરેશન યથાવત
- પાંચમા દિવસે પણ રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે
- શ્રમિકોને બહાર કાઢવા ખાસ મશીન મંગાવાયુ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવા માટે આજે પાંચમાં દિવસે પણ બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.ઉત્તરકાશીની ટનલમાં કામદારો 100 કલાકથી વધુ સમયથી ફસાયેલા છે. તમને જણાવી દઈએ કે 12 નવેમ્બર, રવિવારે સિલ્ક્યારા ટનલ પ્રોજેક્ટ તૂટી પડતાં 40 કામદારો ટનલમાં ફસાઈ ગયા હતા.
ખાસ મશીન મંગાવવામાં આવ્યું
શ્રમિકોને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હેવી ઓગર મશીન મંગાવવામાં આવ્યું છે. જે સાઇટ પર પહોંચી જતા તેની પૂજા કરવામાં આવી છે. આ મશીન એવુ મશીન છે કે જેનાથી ડ્રિલિંગની કામગીરી સરળ થશે. આ મશીન દ્વારા કામગીરી શરૂ કરતા ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની આશા વધી ગઈ છે. હવે વધુ બચાવ કામગીરીમાં આ મશીનની મદદ લેવામાં આવશે. આ મશીનથી રેસ્ક્યુ ટીમ માટે ડ્રિલિંગ કરવામાં સરળતા રહેશે. આ મશીનની મદદથી 900 એમએમના પાઈપોને એક બાજુથી બીજી તરફ ડ્રિલિંગ કરીને પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે.
શ્રમિકોને અપાઇ રહ્યો છે દવાઓ-ખોરાક
ઉલ્લેખનીય છે કે ફસાયેલા મજૂરોને ખોરાક અને દવાઓનો જરૂરી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. બચાવ ટુકડીઓ કામદારો સાથે નિયમિત સંવાદ કરી રહી છે. જેથી તેઓ જુસ્સો અકબંધ રહે અને આશા જીવંત રહે.
થાઇલેન્ડના નિષ્ણાંતોની લેવાઇ મદદ
ભૂસ્ખલન અને ટેકનિકલ સમસ્યાઓના કારણે બચાવ કાર્યમાં અવરોધ આવી રહ્યા હતા. જે બાદ હવે ત્રણ વિશેષ ભારતીય વાયુસેના વિમાનો ઉત્તરાખંડમાં ત્રણ દિવસથી વધુ સમયથી ટનલમાં અટવાયેલા 40 મજૂરો આશાનુ કિરણ બનીને આવ્યા છે. હવે આ બચાવ અભિયાનમાં થાઈલેન્ડ અને નોર્વેના નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે, જેમણે વર્ષ 2018માં ગુફામાં ફસાયેલા બાળકોને બચાવવામાં મદદ કરી હતી. તમને જણાવી દઈએ કે આ ઘટના રવિવારે સવારે ઉત્તરકાશીના ચાર ધામ રોડ પર બની હતી અને 4 દિવસ પછી પણ આ મજૂરોને સુરંગમાંથી બહાર કાઢી શકાયા નથી.
નોર્વેજીયન જીઓટેક્નિકલ સંસ્થા પાસેથી લેવાઇ મદદ
દિલ્હીથી એક વિશેષ મશીન લાવવામાં આવ્યું છે જે એક કલાકમાં 4થી 5 મીટરની અંદર કાટમાળમાં ઘુસી શકે છે. જો બધુ બરાબર રહ્યુ તો 10થી 12 કલાકમાં ફસાયેલા કામદારો સુધી પહોંચવામાં મદદગાર થશે. બચાવકાર્યમાં સામેલ ટીમોએ એક થાઈ કંપનીનો સંપર્ક કર્યો છે કે જેણે 2018 માં ઉત્તર થાઈલેન્ડના ચિયાંગ રાય પ્રાંતમાં ગુફા પ્રણાલી થામ લુઆંગ નાંગ નોનમાં ફસાયેલી જુનિયર એસોસિએશન ફૂટબોલ ટીમને બચાવવામાં મદદ કરી હતી. તે બચાવ પ્રયાસમાં એક અઠવાડિયા કરતાં વધુ સમય લાગ્યો અને તેમાં 10,000 થી વધુ લોકો સામેલ થયા અને અધિકારીઓએ જણાવ્યું કે, કંપનીની કુશળતા અમૂલ્ય હશે. ટનલની અંદર કેવી રીતે કામગીરી કરવી તે અંગેના સૂચનો માટે નોર્વેજીયન જીઓટેકનિકલ સંસ્થા પાસેથી પણ મદદ લેવામાં આવી રહી છે. ભારતીય રેલ્વે અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ જેમ કે રેલ વિકાસ નિગમ લિમિટેડ, રેલ ઈન્ડિયા ટેકનિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસ (આરઆઈટીઈએસ) અને ઈન્ડિયન રેલ્વે કન્સ્ટ્રક્શન ઈન્ટરનેશનલ લિમિટેડના નિષ્ણાતો પાસેથી પણ આવા સૂચનો લેવામાં આવી રહ્યા છે.