- બંગાળની ખાડીમાં આવ્યું વાવાઝોડું
- આઠ રાજ્યોને અસર થવાની શક્યતા
- રાજ્યોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા
બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા શુક્રવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક બુલેટિન જારી કરીને જણાવ્યું છે કે ચક્રવાતી તોફાન ‘મિધિલી’ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને પશ્ચિમ બંગાળના સુંદરવનમાંથી પસાર થવાની સંભાવના છે અને આજે રાત્રે અથવા શનિવારે સવારે બાંગ્લાદેશના ખેપુપારા અને મોંગલા સાથે ટકરાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તેની સ્પીડ 60 થી 80 કિમી પ્રતિ કલાકની રહેશે.
આઠ રાજ્યોમાં અસર જોવા મળશે
IMDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘મિધિલી’ની અસર ભારતના આઠ રાજ્યો પશ્ચિમ બંગાળ, મણિપુર, ઓડિશા, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, આસામ અને ત્રિપુરામાં જોવા મળશે. અધિકારીઓએ આ રાજ્યોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડું મિધિલી સવારે 5:30 વાગ્યે ઉત્તર પશ્ચિમ બોર્ડર પર ઓડિસા પારાદીપથી 190 કિલોમીટર પૂર્વ અને પશ્ચિમ બંગાળના દીધાથી 200 કિલોમીટર અને ખેપુપારાથી 220 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત છે. IMDએ જણાવ્યું કે, મિધિલી વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધતા મોડી રાત્રે અથવા 18 નવેમ્બર સવારે બાંગ્લાદેશના ખેપુપારા દરિયાકિનારે સ્પર્શ કરશે.
માલદીવે નામ આપ્યું છે ‘મિધિલી’
IMDએ બુલેટિનમાં જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 5.30 વાગ્યે, ડીપ ડિપ્રેશન પારાદીપ (ઓડિશા)થી લગભગ 190 કિમી પૂર્વમાં, દિઘાના 200 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ખેપડાથી 220 કિમી દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત હતું. . IMD અનુસાર, આ તોફાનને માલદીવ દ્વારા ‘મિધિલી’ નામ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ચક્રવાતથી પ્રભાવિત દેશો એક પછી એક ક્રમમાં ચક્રવાતના નામ આપે છે.
સૌથી વધુ અસર બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં થશે
IMD અધિકારીઓએ કહ્યું છે કે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં મિધિલીની સૌથી વધુ અસર પડશે. તેમાં પૂર્વ મેદિનીપુર, કોલકાતા, હાવડા, નાદિયા, પૂર્વ બર્દવાન, ઉત્તર અને દક્ષિણ 24 પરગણાનો સમાવેશ થાય છે, જ્યાં 20 થી 110 મીમી વરસાદ પડી શકે છે. તમને જણાવી દઈએ કે આ સિઝનમાં બીજી વખત ડીપ પ્રેશર એરિયા સર્જાયો છે. અગાઉનું ચક્રવાત હમુન પણ બાંગ્લાદેશના તટ તરફ આગળ વધ્યું હતું.
બંગાળ: વાવાઝોડાને પહોંચી વળવા તમામ પગલાં લેવા સૂચના
પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવાલય વતી કહેવામાં આવ્યું છે કે રાજ્યના ત્રણ તટીય વિસ્તારોમાં ચક્રવાતને લઈને આગોતરી ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત, મિધિલી સાથે વ્યવહાર કરવા માટે તમામ પગલાં લેવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ સાથે 16 થી 18 નવેમ્બર દરમિયાન માછીમારોને દરિયામાં માછીમારી કરવા અને જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ઓડિશામાં પણ સિસ્ટમ એલર્ટ મોડ પર છે
મિધિલી ઓડિશા પર કોઈ મોટી અસર કરશે નહીં, કારણ કે તે રાજ્યના દરિયાકાંઠે 150 કિમી ઉપરથી પસાર થશે. ત્યારે ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) એ ચક્રવાતને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા માંગતા નથી, તેથી સિસ્ટમને એલર્ટ પર રાખવામાં આવી છે. ભારતીય હિંદ મહાસાગરમાં વાવાઝોડાનું નામ 13 દેશ વારફરતી રાખે છે. જેમાં ભારત, સાઉદી અરબ, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, થાઈલેન્ડ, શ્રીલંકા, ઈરાન, કતાર, UAE અને યમન સામેલ છે. આ વખતે માલદીવનો વારો હતો. તમામ દેશોએ મળીને 25 વર્ષ સુધી વાવાઝોડાના નામની યાદી પહેલાથી તૈયાર કરી છે.