- દિવાળી વેકેશનમાં લોકોની ભીડ
- રજાના દિવસોમાં રાણકીવાવ જોવા આવ્યા લોકો
- શિલ્પ સ્થાપત્ય જોઈને લોકો થયા સરપ્રાઈઝ
દિવાળી વેકેશન હોય એટલે હરવા ફરવા માટે લોકો વિવિધ સ્થળની મુલાકાત કરતા હોય છે જો કે આ દિવાળી વેકેશનમાં પાટણની વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ સહેલાણીઓ માટે અનેરું આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે લોકો પરિવાર સાથે દિવાળી વેકેશનની મજા માણવા પાટણની રાણીની વાવની અચૂક મુલાકાત લેતા હોય છે.
ઈતિહાસના અતીત પર નજર કરીએ તો ,પાટણની રાણકી વાવ ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ સ્મારક છે, આમાં પ્રવેશ માટે ટિકિટ લેવી પડતી હોય છે વરસે દહાડે લગભગ ત્રણ લાખ કરતાં વધારે મુલાકાતીઓ આ વાવની મુલાકાત લેતા હોય છે, પાટણ જિલ્લાના મુખ્યમથક પાટણ શહેરની ઉત્તર પશ્વિમે બે કિલોમીટર દૂર સરસ્વતી નદીના કિનારે આ વાવ આવેલી છે. ગુજરાતમાં પથ્થરની જે સુંદર અને અલંકૃત વાવો જળવાઈ રહી છે તેમાંની એક આ વાવ ભીમદેવ પહેલા (ઇ.સ. 1022-1064)ની પત્ની રાણી ઉદયમતીએ બંધાવી હોવાનો ઉલ્લેખ પ્રબંધ ચિંતામણિમાં આવે છે. આ વાવ 65 મીટર લાંબી અને 20 મીટર પહોળી છે. કૂવાનો ભાગ 28 મીટર ઊંડો છે. મૂળમાં આ વાવ સાત મજલાની હતી જેનો પ્રથમ મજલો તૂટી પડ્યો છે. શિલ્પશાસ્ત્રના ગ્રંથો મુજબ આ ‘નંદા’ પ્રકારની વાવ ગણી શકાય. આ વાવ જાણે કે પથ્થરોમાં કંડારાયેલી કવિતા છે અને એની વિપુલ શિલ્પ સમૃદ્ધિમાં શૈવ, વૈષ્ણવ તેમજ શક્તિ સંપ્રદાયને લગતા અનેક શિલ્પો જોવા મળે છે. વાવના કૂવાની દિવાલોમાં દેવી દેવતાઓના શિલ્પો તથા શેષશાયી વિષ્ણુનું ઉત્કૃષ્ટ શિલ્પ બેનમૂન છે દિવાળી વેકેશનને લઈ હાલ સમગ્ર દેશ અને દુનિયાભરમાંથી સહેલાણીઓ રાણીની વાવની મુલાકાતે આવી રહ્યા છે પાટણ વર્લ્ડ હેરિટેજ રાણીવાવ ખાતે રોજે રોજ 7000 હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે.
ઉત્તર ગુજરાતના આ પ્રાચીન ઐતિહાસિક સ્થળને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાયું છે સરસ્વતી નદીના કિનારે આવેલી આ વાવ ગુજરાતના સોલંકી યુગની ભેટ છે. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી, તેનો પુત્ર ભીમદેવ પહેલો, ભીમદેવ પહેલાનો પુત્ર કર્ણદેવ અને કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહ, જેમના સમયમાં સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરી ભીમદેવ પહેલાએ મોઢેરામાં સૂર્યમંદિર બંધાવ્યું જ્યારે તેની રાણી ઉદયમતીએ જે વાવ બંધાવી તે રાણીની વાવ અથવા રાણકી વાવ તરીકે જાણીતી થઈ હતી રાણકી વાવનું બાંધકામ ઇ.સ. 1022 થી 1062-63 સુધી ચાલ્યું. કાળક્રમે સરસ્વતી નદીના પૂરના પ્રકોપે આ વાવ દટાઇ ગઈ હતી. ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા 1968માં પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં આ રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કઢાઈ. ગુજરાતની બધી જ વાવમાં રાણકી વાવ શિરમોર સમી છે અને એટલે જ એને યુનેસ્કો તરફથી પુરાતત્વ વારસા તરીકેનું સ્થાન મળ્યું છે. દિવાળી વેકેશનને લઈ સહેલાણીઓ પોતાના પરિવારો સાથે રાણીની વાવની મજા માણવા મોટી સંખ્યામાં મુલાકાત લઇ રહ્યા છે અને પોતાના મોબાઈલમાં રાણીની વાવને કંડારી રહ્યા છે તો રાણીની વાવ નિહાળવા આવીને મુલાકાતીઓ પોતાના મોબાઈલમાં 100ની ચલણી નોટમાં કંડારેલ નોટ સાથે પણ સેલ્ફી લેવાનું ચૂકતા નથી.
પાટણની રાણીની વાવનો રૂપિયા 100ની નવી ચલણી નોટમાં સમાવેશ વર્ષ 2018 માં કરવામાં આવ્યો છે ત્યારથી રાણીની વાવનું મહત્વ ઘણું વધી જવા પામ્યું છે જોકે આ બાબતે પણ પાટણ વાસીઓ આજે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. આજે પાટણની ઓળખ રાણીની વાવ એ દેશ અને વિદેશમાં પાટણને સન્માન અપાવી રહી છે સમગ્ર વિશ્વમાં રાણીની વાવની ઓળખ તેના કિંમતી શિલ્પી સ્થાપત્યોના કારણે હતી આજે સહેલાણીઓ પાટણની રાણીની વાવ નિહાળી અને રોમાંચ માણી રહ્યા છે. પાટણનું નામ આવે અને રાણીની વાવ યાદ ના આવે એવું ક્યારેય ન બને. પથ્થર પર કંડારાયેલા શિલ્પી સ્થાપત્ય આજે પણ અડીખમ ઉભા છે સહેલાણીઓ પણ મન મૂકીને શિલ્પ સ્થાપત્ય સાથે પોતાનું મન હળવું કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.


