- પ્રોજેક્ટ સાગર હેઠળ INS શારદા મડાગાસ્કરમાં
- અંતસિરાના બંદર પર પાર્ક કરાશે INS શારદા
- 17 નવેમ્બરે પહોંચ્યુ હતુ મેડાગાસ્કર
પ્રોજેક્ટ સાગર હેઠળ ભારતીય નૌસેનાના જહાજ INS શારદાને ચાર દિવસની મુલાકાતે મડાગાસ્કરના અંતસિરાના બંદર પર પાર્ક કરવામાં આવશે. INS શારદા 17 નવેમ્બરના રોજ મેડાગાસ્કર પહોંચ્યુ હતું . આ મુલાકાત તેની ઓપરેશનલ તૈનાતીનો એક ભાગ છે. INS શારદાની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ મુલાકાત પીએમ મોદીના વિઝન સાગર (Security And Growth for All in the Region) હેઠળ થઈ રહી છે.
શું છે સાગર યોજના ?
સાગર પરિયોજના 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતને વ્યૂહાત્મક રીતે મજબૂત કરવાનો છે. SAGAR યોજના હેઠળ, ભારત હિંદ મહાસાગરમાં તેના ભાગીદાર દેશો સાથે આર્થિક અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવી રહ્યું છે. ઉપરાંત, હિંદ મહાસાગર ક્ષેત્રને વધુ સમાવિષ્ટ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોરોના મહામારી દરમિયાન પણ ભારતે સાગર યોજના હેઠળ હિંદ મહાસાગરના દેશોને મદદ કરી હતી. આ અંતર્ગત ભારતે માલદીવ, મોરેશિયસ, મડાગાસ્કર, કોમોરોસ અને સેશેલ્સને મદદ પહોંચાડી હતી.
હિંદ મહાસાગર ક્ષેત્રે સંબંધો મજબૂત
મહત્વનું છે કે હિંદ મહાસાગર પર ભારતનું વર્ચસ્વ રહ્યું છે, પરંતુ હવે ચીન હિંદ મહાસાગરમાં પણ પોતાના પગ જમાવવાની કોશિશ કરી રહ્યું છે અને આ અંતર્ગત ચીન હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાના ઠેકાણા બનાવી રહ્યું છે. આ જ કારણ છે કે SAGAR સહિત અન્ય ઘણી યોજનાઓ દ્વારા ભારત હિંદ મહાસાગર ક્ષેત્રના દેશો સાથે તેના સંબંધોને વધુ ગાઢ બનાવી રહ્યું છે.