ગંગા નદીના કિનારે એક સંતનો આશ્રમ હતો. જેમાં ત્રણ શિષ્યો શિક્ષા મેળવી રહ્યા હતા. સંત સમયાંતરે ત્રણે શિષ્યોની પરીક્ષા લેતા રહેતા હતા. એક દિવસ પરીક્ષાના ભાગરૂપે તેમણે શિષ્યોને એક મંદિર બનાવવાનું કહ્યું. ત્રણે શિષ્યો ગુરુની આજ્ઞાથી મંદિર બનાવવાના કામમાં લાગી ગયા. મંદિર બનાવવાનું કામ પૂરું કરવામાં ઘણા મહિના વીતી ગયા. જ્યારે મંદિર સંપૂર્ણ બનીને તૈયાર થઈ ગયું ત્યારે સંતે ત્રણે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને પહેલા શિષ્યને પૂછ્યું, `જ્યારે મંદિર બની રહ્યું હતું ત્યારે તને કેવો અનુભવ થઈ રહ્યો હતો?’ શિષ્યએ ઉત્તર આપ્યો, `ગુરુદેવ! મારે આખો દિવસ કામ કરવું પડતું હતું. મને એવું લાગતું હતું કે મારામાં અને ગધેડામાં કોઈ ફરક રહ્યો નથી. મંદિરના નિર્માણનું કામ કરતાં કરતાં હું તો ખૂબ જ હેરાન-પરેશાન થઈ ગયો હતો.’
સંતે બીજા શિષ્યને પણ આ જ પ્રશ્ન પૂછ્યો. તો તેણે કહ્યું, `ગુરુદેવ! હું પણ આખો દિવસ કામ કરતો હતો. મંદિરના નિર્માણકાર્ય દરમિયાન મારા મનમાં તો એક જ વિચાર આવી રહ્યો હતો કે જેમ બને તેમ જલદી મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થાય, જેથી ઈશ્વર પ્રસન્ન થઈ જાય અને અમારું કલ્યાણ થઈ જાય.’
સંતે ત્રીજા શિષ્યને પણ આ જ સવાલ પૂછ્યો ત્યારે તેણે ભાવભર્યા હૃદયે કહ્યું, `ગુરુદેવ! હું તો માત્ર પ્રભુની સેવા કરી રહ્યો હતો. નિર્માણકાર્ય દરમિયાન હું દરરોજ પ્રભુને ધન્યવાદ આપતો હતો, કારણ કે તેમણે મારી મહેનતમાંથી કેટલાક અંશનો સ્વીકાર કર્યો. હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું.’ આ સાંભળીને સંત તે શિષ્યને ભેટી પડ્યા. પછી તેમણે ત્રણે શિષ્યોને સમજાવતાં કહ્યું કે, `તમે ત્રણે મંદિરના નિર્માણનું કાર્ય કરતા હતા, પરંતુ ત્રણેની કામ કરવાની રીતમાં ખૂબ જ મોટું અંતર હતું. એક ગધેડાની જેમ કામ કરતો હતો, બીજો સ્વયંના કલ્યાણ માટે અને ત્રીજો સમર્પિતભાવથી કામ કરી રહ્યો હતો. ભાવનું અંતર તમારાં કામની ગુણવત્તામાં પણ જોઈ શકાય છે. શું કરવામાં આવી રહ્યું છે તે મહત્ત્વનું નથી, તેને કેવી ભાવનાથી કરવામાં આવી રહ્યું છે તે મહત્ત્વપૂર્ણ છે.