- ભગવાન રામની આ મંગલમય કથા મારા ને તમારા જેવા વિષયી જીવોને રોજ નવો સંદેશ આપે છે
રામકથા ત્રણ વસ્તુ કરે છે. એક, રામકથા આખા સમાજને, આખા વિશ્વને સંદેશ આપે છે. રામકથા દ્વારા કોઈ ને કોઈ મેસેજ જાય છે. આ એની એ જ કથા, પણ છતાં એ જ કથા મને ને તમને ગમે છે; મને તો રોજ નવી લાગે છે, કારણ કે રામકથા રોજ નવો સંદેશ લઈને આવે છે. રામકથાનો એક શુદ્ધ સંકલ્પ છે કે ત્રણ વસ્તુ જગત સુધી પહોંચે. કેવલ ગુજરાત-ભારતમાં જ નહીં, પૃથ્વી પર જ નહીં પણ `સકલ લોક જગપાવની ગંગા’ આ કથા છે, એટલે સમસ્ત બ્રહ્માંડમાં જ્યાં સુધી પહોંચે ત્યાં રામકથા કોઈ ને કોઈ એક નવો સંદેશ લઈને મારી ને તમારી પાસે આવે છે. આવું નિવેદન બહુ જ જવાબદારીપૂર્વક કરી રહ્યો છું. બીજું, રામકથા એક નવો ઉપદેશ લઈને આવે છે; યદ્યપિ ઉપદેશ મારું ક્ષેત્ર નથી, હું ઉપદેશ આપવાને મારી જાતને યોગ્ય માનતો નથી. હું સંદેશ સુધી છું, પણ રામકથા તો ઉપદેશ પણ આપે છે. અને રામકથાને જ્યારે લાગે છે ત્યારે મને ને તમને એ આદેશ પણ આપે છે.
રામકથા જગતને સંદેશ, ઉપદેશ અને આદેશ આપે છે. આ ત્રણેય વસ્તુ રામકથા કરે છે. અને જગતને દેશ-કાળ અનુસાર પાવન સંદેશની જરૂર છે. જગતને દેશ-કાળ અનુસાર પવિત્ર ઉપદેશની જરૂર છે અને આ જગતને ક્યારેક બુદ્ધપુરુષોના આદેશની પણ જરૂર છે. જગતની અંદર જીવના ત્રણ પ્રકારો છે. `રામચરિત માનસ’ના આધારે કહું તો જીવ ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. કોઈ ચાર પ્રકાર પણ ગણે, પાંચ ગણે, પણ આપણે ત્રણની વાત કરીએ. આપણે બધા જ જીવો છીએ. એમાં મોટા ભાગના જીવો વિષયી હોય છે, પણ એમાંથી થોડાક ઉપર ઊઠેલા જીવો જેને `રામચરિત માનસ’ `સાધક’ કહે છે, એ સાધક જીવો છે અને એમાંથી પાછા થોડાક વધારે ઉર્ધ્વગમન કર્યું હોય એવા જીવોને રામકથા સિદ્ધ કહે છે. મારી વ્યક્તિગત ધારણા શું છે એ આખું જગત જાણે છે કે હું સિદ્ધ થવામાં માનતો નથી; અને ત્યાં પહોંચવામાં મારી રુચિ પણ નહીં. આપણે શુદ્ધ રહીએ એ મને વધારે અનુકૂળ પડે. તો રામકથા, જો મારો ને તમારો શુદ્ધ સંકલ્પ હોય તો શું ન કરે? પણ આપણે જાણીએ છીએ. આપણે વિષયી છીએ. આપણા સંકલ્પો એટલા બધા પવિત્ર નથી હોતા અને નાનકડો એવો પણ સંકલ્પ સહેજ બદલે તો બરકતમાં ફેર પડવા માંડે.
પાંડવો દ્રૌપદીની સાથે ભગવાન કૃષ્ણનાં દર્શન માટે નીકળે છે. રસ્તામાં એમને થયું કે ઈશ્વરના દરવાજે જઈએ તો ખાલી હાથે ન જવાય. આવી આપણે ત્યાં એક ધારણા છે. દેવસ્થાનમાં, કોઈ વરિષ્ઠને ત્યાં, ગુરુદ્વારે માણસ ખાલી હાથે નથી જતો. એટલું જ નહીં, આપણે ત્યાં તો સ્મૃતિકારોએ ત્યાં સુધી કહ્યું કે, જેના ઘરમાં નાનું બાળક હોય એના ઘરે તમે જાવ તો ખાલી હાથે ન જવું. પાંડવોએ વિચાર કર્યો કે ખાલી હાથે ન જવાય. એમાં જે રસ્તે એ નીકળે છે, રસ્તામાં એક આંબો આવે છે અને એ આંબા ઉપર એક કેરી લટકે છે. મોસમ ન હતી કેરીની પણ કમોસમી આંબો હશે. પાંડવોને થયું કે ભગવાન પાસે જઈએ છીએ તો આ કેરી આપણે લેતા જઈએ અને કેરી પાંડવોએ તોડી. કોઈ એક ભાઈએ કેરી તોડી પણ છયે એમાં સંમત છે. કેરી લઈને હરખાતા પાંડવો દ્રૌપદી સાથે ભગવાન કૃષ્ણની પાસે જઈને કેરીનું ફળ મૂકીને પ્રણામ કરે છે અને કદાચ પહેલી વાર ભગવાન કૃષ્ણ બહુ ગુસ્સે થયા. પાંડવો ધ્રૂજે છે, આશ્ચર્ય પામે છે! ભગવાને કહ્યું, `પહેલાં એ બતાવો કે કેરી લાવ્યા ક્યાંથી?’ આંબા ઉપર હતી તો તોડી લીધી. `કૃષ્ણનો બીજો પ્રશ્ન, `આંબો તમારો હતો?’, `ના.’ એના માલિકને તમે પૂછ્યું’તું?’, `ના.’, `તમારે એના માલિકને પૂછવું જોઈએ.’ પણ મહારાજ, અમારે ક્યાં ખાવી હતી? અમારે તો તમને ધરવી હતી. ત્યારે ભગવાન કૃષ્ણ બહુ જ સરસ બોલ્યા, `મેં તમને ક્યાં કીધું છે કે તમે ચોરીને મને ધરો.’
કો’કના આંબામાંથી ફળ તોડીતોડીને મને ધરો એવું કૃષ્ણ કહેતા જ નથી, પણ ખબર નથી. આપણે ક્યાંથી શીખ્યા છીએ! `માનસ’ કંઈક આવો સંદેશો લઈને આપણી પાસે આવે છે. પાંડવો કહે છે કે, `હા મહારાજ, અમે પૂછ્યું ન હતું, પણ અમને પ્રાયશ્ચિત્ત બતાવો.’ ભગવાને કહ્યું કે, `આનું પ્રાયશ્ચિત્ત એક જ છે. તમે છયે એક વર્ષ સુધી ગાયને જવ ખવડાવો અને ગાય પોતાના મળ દ્વારા એ જવને બહાર કાઢે ત્યારે એના એ પવિત્ર છાણમાંથી જવને પાછાં વીણો. પછી ગૌમૂત્રમાં એની ખીચડી બનાવો અને છયે જણાં એક વર્ષ સુધી ખાવ.’ છયે વિચાર કરે છે. પ્રાર્થના કરે છે કે, `ઠાકુરજી, આમાં કોઈ વિકલ્પ ખરો?’ ભગવાને કહ્યું, `એક જ વિકલ્પ છે. આ કેરી જે આંબાની ડાળખીમાંથી તોડી છે ત્યાં તમે પાછી ચોંટાડી દો.’ પાંડવોને થયું કે આ કરવા જેવું છે. આવ્યા આંબા પાસે. કેરી નીચે જમીન પર મૂકી. ધર્મરાજે પોતાનું સત્ય અજમાવતા હાથમાં પાણી લઈ કહ્યું, `હું મારી જિંદગીમાં અસત્ય ન બોલ્યો હોઉં તો કેરી જે ડાળખીથી તૂટી ત્યાં ચોંટી જાવ.’ અને કેરી ઊપડી! તર્ક-બર્ક નહીં કરતાં! જળ ચડાવ્યું. કેરી એક હાથ ઊંચી ગઈ અને હવામાં એમ ને એમ રહી ગઈ! ધર્મને થયું કે આમ કેમ થયું? પછી એને થયું કે મારોય સંકલ્પ તો બગડ્યો હતો. એક વખત કર્મ મૂકતું નથી!
અર્જુનને કહ્યું કે હવે તું તારું સત્ય અજમાવ. અર્જુને સત્ય અજમાવ્યું તો કેરી એક હાથ વધારે ઊંચી ગઈ. એનેય ખ્યાલ આવી ગયો. નકુલને કહ્યું. એણેય અજમાવ્યું. કેરી ચાર હાથ ઊંચે ગઈ. હવે ડાળી એક હાથ અને ચાર આંગળ બાકી. ભીમસેન પોતાનું સત્ય અજમાવે છે. કેરી ડાળીને હવે માત્ર ચાર આંગળ બાકી છે. દ્રૌપદી બાકી છે. દ્રૌપદીએ સત્ય અજમાવ્યું છે. અને સાહેબ, કેરી મૂળ જગ્યાએ ચોંટી ગઈ! આપણા દેશની માતૃશક્તિની આ તાકાત છે. પાંડવો અને આ છયે રાજીરાજી થાય ત્યાં તો કેરી એની મેળાએ તૂટીને નીચે આવી! દ્રૌપદીના ચહેરા પર મ્લાનભાવ આવ્યો. એને પણ પોતાનો ખ્યાલ આવી ગયો. કેરી દડતી દડતી આંબો હતો એ જમીનની બહાર નીકળી ગઈ. એટલે પાંડવોએ નક્કી કર્યું કે, હવે આપણે તોડી નથી અને જેની માલિકી છે એની જમીનમાં કેરી નથી, એને લેવામાં વાંધો નહીં. એની એ કેરી લઈને પાછા આવ્યા કૃષ્ણ પાસે.
મૂળ આમાં સંદેશ છે. સંકલ્પની થોડીક અશુદ્ધિ માણસની ઊંચાઈને કેટલી પરાસ્ત કરે છે! આપણા સંકલ્પનું કોઈ ઠેકાણું નથી. સંતનો સંકલ્પ ભલે `સ્વ’ હોય, પરંતુ તુલસી કહે, કીર્તિ-સંપત્તિ-કવિતા સૌનું હિત કરતી હોવી જોઈએ. `આ કવિતા હું મારા સુખ માટે લખું છું.’ એમ કહેનાર માણસ જ એમ કહે છે કે કવિતા સર્વના સુખનું કારણ બનવી જોઈએ. એટલે સ્વપણું સર્વનું બને છે.
તો ભગવાન રામની આ મંગલમય કથા મારા ને તમારા જેવા વિષયી જીવોને રોજ નવો સંદેશ આપે છે. જરા પણ અતિશયોક્તિ વગર બોલી રહ્યો છું કે, રોજ નવો સંદેશ આપે છે. વિષયી જીવને સંદેશ આપે છે અને સાધક જીવને ઉપદેશ આપે છે. કોઈ સિદ્ધપુરુષ હોય એને આ કથા આદેશ આપે છે; જાગ્રત માણસોને આદેશ આપે છે. આમ, રામકથાએ ત્રણેય શબ્દો આપ્યા છે. તો આ કથા સંદેશ, ઉપદેશ અને આદેશ આપે છે. `ગીતા’ પણ આમ જ કહે છે, અર્જુનને-વિષયી જીવોને સંદેશ આપે છે, સાધકોને ઉપદેશ આપે છે અને સિદ્ધોને સીધો આદેશ આપે છે કે, `સર્વધર્માન્ પરિત્યજ્ય.’ તો કેટલા બધા મહાપુરુષો ગાતા રહ્યા છે આ રામકથા, છતાં એ આપણને રોજ નવી લાગે છે.