જ્યારે આપણા ઘરે અથવા મંદિરમાં જઈને દેવી-દેવતાઓની પૂજા-અર્ચના કરીએ છીએ ત્યારે વિશિષ્ટ પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન કરતાં સાધનોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે, આરતી કરતી વખતે ઘંટ વગાડવો, શંખ વગાડવો વગેરે. આપણે જ્યારે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે પણ પ્રાર્થના કરતા પહેલાં ઘંટ વગાડીએ છીએ. ઘંટસહિત કેટલાંક વાદ્યોમાંથી વિશિષ્ટ ધ્વનિ નીકળે છે, તેથી આવાં વાદ્યોને ખૂબ જ મહત્ત્વનાં માનવામાં આવે છે.
મંદિરનો ઘંટ
જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે જે નાદ હતો, ઘંટના ધ્વનિને તે જ નાદનું પ્રતીક માનવામાં આવે છે. આ જ નાદ ઓમકારના ઉચ્ચારણથી પણ જાગ્રત થાય છે. જે જગ્યાએ નિયમિત રીતે ઘંટ વગાડવામાં આવે છે ત્યાંનું વાતાવરણ હંમેશાં શુદ્ધ અને પવિત્ર બની રહે છે. તેનાથી નકારાત્મક શક્તિઓ ઘટે છે. નકારાત્મક્તા ઘટવાને કારણે સમૃદ્ધિનાં દ્વાર ખૂલે છે. પ્રાત:કાળે અને સંધ્યાકાળે મંદિરોમાં અને ઘરોમાં ઘંટ વગાડવામાં આવે છે. ઘંટને કાળનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પ્રલયકાળ આવશે ત્યારે પણ આ પ્રકારનો નાદ એટલે કે ધ્વનિ પેદા થશે.
શંખ
શંખને નાદબ્રહ્મ અને દિવ્ય મંત્રની સંજ્ઞા આપવામાં આવી છે. શંખ સમુદ્રમંથન સમયે પ્રાપ્ત થયેલાં ચૌદ અણમોલ રત્નોમાંનો એક છે. લક્ષ્મીજીની સાથે ઉત્પન્ન થવાને કારણે તેને લક્ષ્મીજીનો ભાઈ પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે જે ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીજીનો પણ વાસ હોય છે.
શંખના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે. તે છે વામવર્તી, દક્ષિણાવર્તી તથા ગણેશ શંખ. આ ત્રણ પ્રકારના શંખના પણ ગોમુખી શંખ, પાંચજન્ય શંખ, વિષ્ણુ, શંખ, અન્નપૂર્ણા શંખ, મોતી શંખ, હીરા શંખ એમ અનેક પ્રકાર છે.
શંખ સૂર્ય તથા ચંદ્રસમાન દેવસ્વરૂપ છે, જેના મધ્યમાં વરુણ, પૃષ્ઠમાં બ્રહ્મ તથા અગ્ર ભાગમાં ગંગાજી અને સરસ્વતી નદીઓનો વાસ છે. તીર્થાટનથી જે લાભ મળે છે, તે જ લાભ શંખનાં દર્શન અને પૂજનથી મળે છે.
વાંસળી
શ્રીકૃષ્ણને ઢોલ, મૃદંગ, ઝાંઝ, મંજીરા, ઢોલ-નગારાં, પખવાજ અને એકતારા કરતાં પણ અતિપ્રિય વાંસમાંથી બનેલી વાંસળી છે. તેને વાંસળી, વેણુ, મોરલી, વંશી અને વંશિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. વાંસળીમાંથી નીકળનારા સ્વર મન-મગજને શાંતિ પ્રદાન કરે છે. જે ઘરમાં વાંસળી હોય છે ત્યાંના લોકોનો પરસ્પર તાલમેલ જળવાઈ રહે છે, સાથે ઘરની સુખ-સમૃદ્ધિમાં પણ વધારો થાય છે.
વીણા
વીણા એક એવું વાદ્ય યંત્ર છે જેનો પ્રયોગ શાસ્ત્રીય સંગીતમાં કરવામાં આવે છે. જે રીતે માતા દુર્ગાના હાથમાં તલવાર, લક્ષ્મીજીના હાથમાં કમળનું ફૂલ હોય છે તે જ રીતે માતા સરસ્વતીના હાથમાં વીણા હોય છે. વીણા શાંતિ, જ્ઞાન અને સંગીતનું પ્રતીક છે. સરસ્વતી અને નારદજીનું વીણાવાદન તો જગપ્રસિદ્ધ છે.
વીણાના મુખ્ય બે પ્રકાર છે. રુદ્રવીણા અને વિચિત્ર વીણા, વીણા મુખ્યત્વે ચાર તારની હોય છે, જોકે, શરૂઆતમાં તે એક જ તારની હતી. વીણામાંથી નીકળેલો ધ્વનિ મનને પ્રફુલ્લિત કરે છે. વીણાના સૂર સાંભળવાથી મન અને શરીરના તમામ રોગ મટી શકે છે. વીણાથી જ સિતાર, બેન્જો અને આધુનિક એવા ગિટારનો આવિષ્કાર થયો છે.