યોગનો અર્થ છે તે જે તમને વધુ ઉત્કૃષ્ટ પ્રકૃતિમાં લઈ જાય છે. જ્યારે તમે યોગ શબ્દનો ઉપયોગ કરો છો, તો તે એક વ્યાપક શબ્દ છે. તે કોઈ ચોક્કસ અભ્યાસને નથી દર્શાવતો. તમે કંઈ પણ કરી શકો છો અને જો તમે તેનો ઉપયોગ પોતાના વિકાસની પ્રક્રિયા તરીકે કરી રહ્યા હો તો તે યોગ છે. આસનનો અર્થ છે એક શારીરિક મુદ્રા. શરીર અસંખ્ય આસનોમાં આવી શકે છે. આમાંથી ચોક્કસ આસનો જે તમને તમારી ઉત્કૃષ્ટ પ્રકૃતિ તરફ પહોંચાડે છે, તેમને યોગાસન તરીકે ઓળખવામાં આવે છે.
જો રોજિંદા જીવનમાં પોતાના પર ધ્યાન આપ્યું હોય તો તમે જોયું હશે કે વિવિધ પ્રકારની માનસિક ને ભાવનાત્મક અવસ્થામાં, તમારું શરીર વિવિધ પ્રકારની મુદ્રાઓમાં આવે છે. જો તમે ગુસ્સામાં હોવ તો તમે એક રીતે બેસો છો. જો તમે શાંત હો તો તમે અલગ રીતે બેસો છો. દરેક જાગરૂકતાના સ્તર અથવા માનસિક અને ભાવનાત્મક અવસ્થા જેમાંથી તમે પસાર થાઓ છો, તેમાં તમારું શરીર કુદરતી રીતે અમુક મુદ્રાઓમાં આવે છે. આનાથી ઉલટો પ્રયોગ એ આસનનું વિજ્ઞાન છે. જો તમે જાગરૂક રીતે તમારા શરીરને અમુક મુદ્રાઓમાં લાવો છો, તો તમે તમારી ચેતનાને પણ ઉન્નત કરી શકો છો.
સૂર્યનમસ્કાર એક ક્રમમાં કરાતાં ચોવીસ યોગાસનોનું મિશ્રણ છે. તેને સૂર્યનમસ્કાર કહેવાનાં ઘણાં કારણો છે. એક વસ્તુ છે તેનો ઊર્જાને લગતો ભાગ. સૂર્યનમસ્કાર નાડીઓને ખોલે છે અને તમારી અંદરના સૂર્યને સક્રિય કરે છે, જેથી તમે બહુ જીવંત અને સક્રિય બની જાઓ છો. જો તમે ધીરેધીરે સૂર્યનમસ્કારની સંખ્યાને સો સુધી પહોંચાડો, તો તમે એક એથ્લિટ જેવા બની જશો. બીજું પાસું એ છે કે, તે સવારમાં કરાતી એક પ્રકારની પૂજા છે, જેનાથી તમે પોતાની જાતને પોષણ આપતા સૂર્યને અર્પણ કરો છો. તમારી પાસે આ શરીર ફક્ત સૂર્યના કારણે છે. ભારતીય સંસ્કૃતિમાં, પૂજા ફક્ત કોઈ અભિનય કરવા કે મંત્ર જપવા વિશે નથી રહી. તે આખા શરીરને પૂજનીય બનાવવા વિશે છે. જો તમે સૂર્યનમસ્કાર સરખી રીતે કરો છો, તો તમારા શરીરમાં બધું જ સરખી રીતે ખેંચાય છે અને તેની કસરત થાય છે. જો તમે પૂરતા સૂર્યનમસ્કાર કરો છો, તો તમે સતત ઉન્માદમાં હશો અને તમારા સૂવાના કલાકો નાટકીય ઢબે ઘટી જશે. અમુક અઠવાડિયાંના અભ્યાસ પછી તમારી ઉત્પાદક્તા અને કાર્યક્ષમતા પણ વધી જશે.
તે તેના પોતાનામાં જ એક સંપૂર્ણ કસરત પણ છે. તેને કોઈ સાધનની જરૂર નથી. તે એક વરદાન છે, કેમ કે જ્યારે તમે પ્રવાસ કરી રહ્યા હો ત્યારે પણ તમે તમારો અભ્યાસ ચાલુ રાખી શકો છો. જો તે એક ચોક્કસ જાગરૂકતા સાથે કરવામાં આવે તો સૂર્યનમસ્કાર એક વ્યક્તિ માટે ચમત્કાર કરી શકે છે. આ ધ્યાનમાં જવા માટેનો એક સૌથી સરળ માર્ગ પણ છે.
જો તમે યોગાસન કરો છો, તો તેના ઘણાં ઉપચારાત્મક ફાયદા છે. તે અલગ છે, પણ આ એક ઉપચાર તરીકે વાપરવા માટે નથી. એક ઉપચારનો અર્થ છે કે જો તમારે કોઈ સમસ્યા છે, તો તમે ડૉક્ટર પાસે જાઓ છો અને તે તમને દવા આપે છે. તમે ક્યાં સુધી આ દવા લેશો? જ્યાં સુધી તમારે સમસ્યા છે ત્યાં સુધી તમે તેને લો છો. એક વાર જો સમસ્યા દૂર થઈ જાય તો દવાની કોઈ જરૂર નથી. યોગાસન આ રીતે અભ્યાસ કરવા માટે નથી. જ્યારે તમે યોગાસન શરૂ કરો છો, ત્યારે તમારે તેને તમારા જીવનમાં એક શિસ્ત તરીકે લેવું પડશે. તમારે બસ તેને કરતાં રહેવાનું છે. તે તમારા જીવનનો એક ભાગ બની જાય છે. આ યોગાસન પ્રત્યેનો યોગ્ય અભિગમ છે. પણ કોઈ ચોક્કસ લાભ માટે યોગાસન ન કરો. તે એ રીતે કામ નહીં કરે.