- શિવલિંગનાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને અહીં અંદાજે 15થી 16 ફૂટ ઊંચું ઘીનું શિવલિંગ જ નજરે ચડે છે
ભારતનાં સૌથી પ્રાચીન મંદિરોમાં શિવમંદિરો વધુ જોવા મળે છે ભારતના મોટાભાગનાં રાજ્યોમાં એવાં શિવમંદિરો અચૂક જોવા મળે છે જે વર્ષોજૂનાં હોય છે. આ તરફ કેરળના ત્રિશૂર જિલ્લામાં એક હજાર વર્ષ કરતાં પણ જૂનું પ્રાચીન શિવમંદિર આવેલું છે જેને `વડક્કુનાથન’ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચના કરવા આવે છે.
હજારો વર્ષ જૂનું વડક્કુનાથન મંદિર કેરળનાં સૌથી પુરાણા કહેવાતાં મંદિરોની હરોળમાં આવે છે. આ મંદિર ત્રિશૂર શહેરના કેન્દ્રમાં જ આવેલું છે અને તેની ઉત્કૃષ્ટ કોતરણીઓ અને વાસ્તુકલા માટે પણ વિશેષ જાણીતું છે. મંદિરમાં વાપરવામાં આવતી શૈલી કેરળની પ્રાચીન સભ્યતાનાં પણ દર્શન કરાવે છે.
વડક્કુનાથન મંદિરનો ભવ્ય ઇતિહાસ
ત્રિશૂરનું આ ભવ્યાતિભવ્ય મંદિર એક હજાર વર્ષ કરતાં પણ જૂનું છે એવું ઇતિહાસકારોનું સ્પષ્ટપણે માનવું છે. જ્યારે મલયાલમ ઇતિહાસકાર વી.વી.કે. વાલથના જણાવ્યા પ્રમાણે આ મંદિર એક સમયે પૂર્વ દ્રવિડ કવૂ (દેવસ્થળ) હતું. ત્યારબાદ આ મંદિર છઠ્ઠી શતાબ્દી પછી અસ્તિત્વમાં આવેલા નવા સંપ્રદાયોના પ્રભાવમાં આવ્યું જેમાં ખાસ કરીને બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ ઉપરાંત વૈષ્ણવવાદનો પણ સમાવેશ થાય છે. અેક માન્યતા પ્રમાણે કેરળનું વધુ એક પ્રાચીન મંદિર પરમેક્કાવુ ભગવતી મંદિર પણ આ દેવસ્થાનની અંદર સ્થિત હતું, પરંતુ મંદિરના કેટલાક દસ્તાવેજ પ્રમાણે કુડલ માનિક્યમ મંદિર, કોડુગલ્લૂર ભગવતી મંદિર અને અમ્મા થિરુવાડી મંદિર આ મંદિરથી પણ ઘણું પ્રાચીન છે.
વડક્કુનાથન મંદિરની પૌરાણિક માન્યતાઓ
આ મંદિરને લઈને કેટલીક પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે, જેમાં એક માન્યતા ભગવાન શ્રી પરશુરામ સાથે જોડાયેલી છે. આ ઉપરાંત વડક્કુનાથન મંદિરની કથા બ્રહ્માંડ પુરાણમાં સંક્ષિપ્ત રૂપમાં પણ વર્ણવાયેલી જોવા મળે છે. ભગવાન શિવના આ મંદિરની સ્થાપના તેમના જ અંશ કહેવાતા ભગવાન પરશુરામ દ્વારા કરવામાં આવી હતી એવી પૌરાણિક માન્યતા વધુ પ્રચલિત છે.
પૌરાણિક માન્યતામાં નરસંહાર કરીને પોતાને શુદ્ધ કરવા અને પોતાનાં કર્મો પર સંતુલન જાળવવા માટે ભગવાન પરશુરામે એક મહાયજ્ઞ પણ કર્યો હતો, ત્યારબાદ તેમણે દક્ષિણા તરીકે બ્રાહ્મણોને તમામ જમીનો દાન કરી હતી. તેમને હવે તપશ્ચર્યા કરવા માટે કોઈ નવી જગ્યા નવી ભૂમિની જરૂરિયાત જણાતી હતી. તેથી તેમણે સમુદ્ર દેવતા વરુણને જણાવ્યું કે તેમને તપશ્ચર્યા માટે કોઇ સમુદ્રના કિનારાની જમીન અર્પણ કરે. ત્યારબાદ વરુણ દેવતાએ ભગવાન પરશુરામને કોઈ પદાર્થ કે અસ્ત્ર આપ્યું જેને સમુદ્રમાં ફેંકવા કહ્યું. વરુણ દેવતાના કહ્યા પ્રમાણે તેમને આપવામાં આવેલો પદાર્થ કે અસ્ત્ર ભગવાન પરશુરામ પાણીમાં ફેંકે છે અને મોટી જમીનનું નિર્માણ થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ જમીનનો ભાગ આજે કેરળ કહેવાય છે.
વિશાળ મંદિરની સંરચના
અંદાજિત નવ એકરમાં ઘેરાયેલું વડક્કુનાથન મંદિર શહેરના કેન્દ્રસ્થાને ઊંચા પહાડી વિસ્તાર પર આવેલું છે. આ પ્રાચીન મંદિર વિશાળ પથ્થરોથી ઘેરાયેલું છે. મંદિર પરિસરની અંદર ચાર ગોપુરમ ચાર મુખ્ય દિશાઓની સામે છે. જ્યારે મંદિર અને બહારની દીવાલોની વચ્ચે એક મોટો ખુલ્લો ભાગ પણ છે. બીજી તરફ દક્ષિણ અને ઉત્તરવાળાં ગોપુરમ હાલમાં બંધ છે. શ્રદ્ધાળુઓનો પ્રવેશ પૂર્વ અને પશ્ચિમ ગોપુરમના માધ્યમ દ્વારા કરવામાં આવે છે. તો, એક વિશાળ ગોળાકાર ગ્રેનાઈટ દીવાલ આંતરિક મંદિર અને બહારના મંદિરને અલગ પાડે છે.
મંદિરના મુખ્ય દેવતા
આ મંદિરના મુખ્ય દેવતા ભગવાન શિવ છે, જેમને અહીં એક શિવલિંગના રૂપમાં પૂરા ભક્તિભાવથી પૂજવામાં આવે છે. ધાર્મિક પરંપરા અનુસાર ભગવાન શિવને અહીં ઘીનો અભિષેક કરવામાં આવે છે. આ શિવલિંગ પર ઘીનું વિશાળ આવરણ ચઢવાથી શિવલિંગ દેખાતું નથી, પરંતુ ઘીના આકારનું એક અનોખું શિવલિંગ બને છે. આ ઘીવાળા શિવલિંગનાં દર્શનમાત્રથી જ શ્રદ્ધાળુઓ પોતાની જાતને ધન્ય માને છે. અહીં શિવલિંગ પર ઘીનું પડ હંમેશાં ઢંકાયેલું જ જોવા મળે છે. શ્રદ્ધાળુઓના જણાવ્યા પ્રમાણે આ શિવલિંગ કૈલાશ પર્વતના શિવલિંગનું પ્રતિનિધિત્વ પણ કરે છે.
ભારતનું આ એકમાત્ર મંદિર છે જ્યા શિવલિંગ દેખાતું નથી એટલે કે શિવલિંગનાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને અહીં અંદાજે 15થી 16 ફૂટ ઊંચું ઘીનું શિવલિંગ જ નજરે ચડે છે! એક માન્યતા પ્રમાણે આ શિવલિંગ પર ચઢાવવામાં આવેલા ઘીમાં કોઈ પણ પ્રકારની સુગંધ જોવા મળતી નથી અને તે ગરમીની ઋતુમાં પણ પીગળતું નથી.
મંદિરમાં તહેવાર-ઉત્સવ
વડક્કુનાથન મંદિરમાં ત્રિશૂર પૂરમ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. ત્રિશૂર પૂરમ ઉત્સવ ત્રિશૂર(વડક્કુનાથન)માં પૂરા ધામધૂમ અને પૂર્ણ ભક્તિભાવથી ઊજવવામાં આવે છે. ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આ તહેવારમાં ભગવાન શિવનાં દર્શન કરવા આવે છે. આ ઉત્સવ કેરળમાં સૌથી મોટા અને સૌથી પ્રસિદ્ધ ઉત્સવોમાંથી એક ગણાય છે. આ ઉત્સવમાં સંગીત, હાથી અને આતશબાજી અને પરંપરાગ ભારતીય નૃત્ય પણ જોવા મળે છે.
કેવી રીતે પહોંચશો?
ત્રિશૂરમાં ગરમી અને વરસાદ બંને વધારે પડે છે. તેથી ઠંડીની ઋતુમાં અહીં જવું હિતાવહ મનાય છે. જોકે, ગરમી અને વરસાદની ઋતુમાં પણ અહીં સરળતાથી જઈ શકાય છે. શિવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે. મંદિર સુધી પહોંચવા માટે અહીં ટ્રેન, બસ અને વિમાન દ્વારા આવી શકાય છે. અહીં સૌથી નજીકનું એરપોર્ટ કોચ્ચી એરપોર્ટ છે. તે સિવાય તમે ત્રિશૂર રેલવે સ્ટેશન અથવા તો બસ કે ખાનગી ટેક્સી અને ગાડી દ્વારા પણ અહીં સરળતાથી આવી શકો છો. ત્રિશૂર રેલવે સ્ટેશન મંદિરથી માત્ર બે કિલોમીટરના અંતરે જ છે.