- એ લોકો મારી દીકરી લઈ ગયા છે. એને પાછી લાવ્યા સિવાય પાછા ફરી ન શકાય
રાજગૃહી નગરી અતિ પ્રાચીન છે. ભગવાન મહાવીર પ્રભુના સમયમાં બનેલી આ ઘટના છે. ધન્ના શેઠ નામના એક શેઠ હતા. અત્યંત ધનવાન હતા. ભગવાન મહાવીરના એ પરમ ઉપાસક હતા. એમને ત્રણ દીકરા ઉપર એક દીકરી થયેલી, નામ એનું સુંસુમા.
શેઠના ઘરમાં એક દાસી હતી, એનું નામ મિલાતિ. એક વાર એને એક પુત્ર થયો. લોકો એને મિલાતિપુત્ર કહેતા. મિલાતિપુત્રને સુંસુમા સાથે મેળ સારો હતો. બેયની ઉંમરમાં લાંબો ફરક ન હતો. આખો દિવસ સુંસુમાને લઈને ફરે. જ્યારે સુંસુમા રડે ત્યારે એના ગુપ્તાંગનો સ્પર્શ કરે એટલે સુંસુમા રડવાનું બંધ કરે. એટલે આને તો રડતી સુંસુમાને છાની રાખવાનું એક સાધન જ મળી ગયું, પણ આ સારું તો ન જ ગણાયને!
એક દિવસ મિલાતિપુત્ર સુંસુમાને ઉપાડી ફરતો હતો. અચાનક એ રડી. ગુપ્તાંગનો સ્પર્શ કરી રહ્યો હતો એ જ સમયે ધન્ના શેઠ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એમની ચકોર નજરમાં આ ઘટના આવી. શેઠે એને ઠપકો આપ્યો અને કહી દીધું હમણાં ને હમણાં આ ઘરમાંથી તું રવાના થઈ જા. આવી ક્રિયા કરવાવાળો માણસ મારા ઘરમાં ન ચાલે.
મિલાતિપુત્ર કરગર્યો, પણ એની કોઈ વાત શેઠે માની નહીં. એની માતાને મળીને એ નીકળી ગયો. ક્યાં જવાનું કંઈ નક્કી તો હતું નહીં. પગ જ્યાં લઈ જાય ત્યાં જ જવાનું છે. ભાગ્યના સહારે જ ચાલવાનું છે. મગજમાંથી સુંસુમા છૂટતી નહોતી. પગ આગળ વધી રહ્યા છે. એને પોતાની ભૂલ સમજાતી નથી. ઠપકાના શબ્દો વારંવાર યાદ આવે છે. એના કારણે શેઠ માટેની એક જાતની દ્વેષની ગ્રંથિ બંધાય છે.
આગળ જતા ચોરોની એક પલ્લી આવે છે. બિચારો આ પણ હવે થાક્યો હતો. ભૂખ અને તરસથી એ બિચારો ચાલી પણ શકતો ન હતો. અને ત્યાં જઈને કોઈને કહ્યું, ભાઈ, દૂરથી આવું છું, ભૂખ કકડીને લાગી છે. એમણે ધરાઈને ભોજન કરાવ્યું. થોડા દિવસ રહેવા માટે આગ્રહ પણ કર્યો. આને ક્યાં કંઈ ખાટુંમોળું થતું હતું. એ તો ત્યાં જ રહી ગયો. પછી એને ખબર પડી કે આ તો ચોરોની પલ્લી છે. એને પછી તો વિચાર આવ્યો હશે. મારા માટે તો આ પલ્લી જ કામમાં આવવાની છે. એ તો રહી ગયો ત્યાં જ. તે ચકોર હતો. માણસોને કંટ્રોલ કરવાની એને સારી ફાવટ આવી ગયેલી. પરિણામે મુખ્ય જે ચોર હતો એનો દેહાંત થયા પછી આવી ટોળીનો એ સરદાર બની ગયો.
હવે એને સુંસુમા યાદ આવી. એના પ્રત્યેની કૂણી લાગણી તો હતી જ. સાથે સાથે શેઠ સાથેનો હિસાબ પતાવવાની પણ એની વિચારણા હતી.મિલાતિપુત્રના મગજમાંથી પણ શેઠ અને સુંસુમા નીકળતાં નહોતાં. એક દિવસ એણે પોતાની આખી ગેંગ બોલાવી. આપણે રાજગૃહીમાં ધાડ પાડવા જવાનું છે. ત્યાંથી જે કંઈ મળે એ તમારું. મારે એના ઘરમાંથી માત્ર એક જ ચીજ લેવાની. ધન્ના શેઠની દીકરી. એ માટે આ વખતે એક પણ પૈસો લેવાની ઇચ્છા નથી, પણ સામે રાજગૃહી નગરી છે. ત્યાંના સિપાહીઓ ચાલાક ને ચબરાક છે. એમના સકંજામાં ન અવાય એનું ધ્યાન રાખવાનું રહેશે. જાવ ફતેહ કરો.
બીજા દિવસે રાતે આખી ફોજ રાજગૃહી તરફ ઊપડી. માર્ગમાં બધાને સોનેરી સપનાં દેખાતાં હતાં. ધન્ના શેઠની સંપત્તિની વાતો બધાએ સાંભળેલી. એના જ ઘરનો જાણકાર માણસ માર્ગદર્શક હોય પછી બીજી કોઈ ચિંતાને અવકાશ જ ન હોય! બધાને એક જ વિચાર ચાલે છે, આજે સારો માલ મળવાનો છે.
મિલાતિપુત્રને પણ વિચાર આવે છે, આજે તો મને સુંસુમા મળશે. એને લઈને પલ્લીમાં રહેવા જતા રહેવું છે. થોડા દિવસો એની સાથે આનંદમાં ગાળવા છે.
રાજગૃહી નગરીમાં પહોંચી ગયા છે. ધન્ના શેઠના મહેલમાં પહોંચતા પહેલાં બધાએ સંતલસ કરી દીધી છે. કોને ક્યાં જવું? ક્યાં ધનનો ભંડાર છે? લઈને કઈ દિશામાંથી ઘરમાંથી બહાર નીકળવું વગેરે બધી જ જરૂરી સૂચનાઓ આપી દીધી છે. કેટલાક ચોરો ધન્ના શેઠના મહેલમાં આવી ગયા છે. ફટાફટ ધનમાલ કાઢીને પોટલાં તૈયાર કરી લીધાં છે. મિલાતિપુત્રે સુંસુમાને શોધી કાઢી છે. એને ઉપાડીને રવાના થઈ રહ્યો છે. અવાજ થયો અને ઘરના માણસો જાગી ગયા. તપાસ કરતાં ખબર પડી કે ઘરમાં ચોરો આવ્યા છે. તરત જ કોટવાલને ખબર કરવામાં આવી. એટલે કોટવાલ પણ તરત આવી ગયો. સ્થળ ઉપર બધી વાત સમજી લીધી. પગનાં નિશાન પકડીને ઘોડા દોડાવ્યા. કોણ છે? કેટલા માણસો છે? વગેરે અંદેશો લગાવે છે. દોડાદોડ ચાલે છે. જાતવંત ઘોડા સાથે સિપાહીઓ પાછળ પડેલા છે. ધન્ના શેઠ પણ એમની સાથે જ છે. શેઠને પૈસા-ધનમાલ જાય એનો વાંધો નથી, પણ પોતાની વહાલી દીકરીને આવી રીતે કોઈ ચોર ઉપાડી જાય એ કેવી રીતે ગમે?
આ બાજુ મિલાતિપુત્ર સુંસુમાને ઉપાડીને દોડી રહ્યો છે. એક તો પાછળ સિપાહીઓ પડેલા છે અને બીજી તરફ સુંસુમાને ઉપાડીને જવાનું. એનું વજન પણ લાગે, આ રીતે માણસ કેટલું દોડી શકે? પાછળ સિપાહીઓ એકદમ નજીક આવી ગયા છે. હવે એ વિચાર કરે છે શું કરવું? જીવ બચાવવો જરૂરી છે. તો સામે સુંસુમાને છોડવી પરવડે એમ નથી. એ મૂંઝાઈ રહ્યો છે. એમાં એણે એક ખતરનાક નિર્ણય કરી લીધો. એણે તલવાર કાઢી. સુંસુમાને વાળથી પકડીને તલવાર ચલાવી દીધી. એનું ધડ નીચે પડ્યું. એક હાથમાં તલવાર ખુલ્લી છે અને બીજા હાથમાં સુંસુમાના મસ્તકને વાળથી પકડીને આગળ વધી રહ્યો છે.
બીજા એના સાગરીતો પણ માલ લઈને આગળ વધી રહ્યા છે. એમણે જોયું કે પાછળ સિપાહીઓની ટુકડી આવી રહી છે, હવે બચવા માટેનો વિચાર કરવો પડે, જીવતા હોઈશું તો નવું ધન લાવી શકાશે, પણ જો પકડાઈ ગયા તો આપણને કંઈ મળવાનું નથી. એ લોકોએ જે માલ લાવેલા હતા એ બધો રસ્તામાં જ મૂકી દીધો અને આગળ નીકળી ગયા. સિપાહીઓએ જોયું તો મુદ્દામાલ મળી ગયો છે. તમે માલસામાન ચેક કરી લો પછી શું ખૂટે છે અને કેટલું ખૂટે છે એની નોંધ કરી લો. તો આપણને ખબર પડે કે કેટલું શોધવાનું હજી બાકી છે.
શેઠ કહે છે, પોટલામાં આવે એ તો ચેક કરીશું, પણ જે ચીજ પોટલામાં આવી શકે એમ નથી એના માટેની તપાસ કરવાની બાકી છે.
એવું શું છે?
શેઠે કહ્યું, એ લોકો મારી દીકરી લઈ ગયા છે. એને પાછી લાવ્યા સિવાય આપણે પાછા ફરી ન શકાય.
સિપાહીઓ આગળ વધે છે, શેઠ આગળ ચાલી રહ્યા છે. એમની નજર દીકરીને શોધી રહી છે. મગજમાં જાતજાતના વિચારો ચાલી રહ્યા છે.
કોણ હશે આ માણસ? શા માટે મારી દીકરીને લઈ જતો હશે? આનો જવાબ તો જ્યાં સુધી `પેલો’ મળે નહીં ત્યાં સુધી ક્યાંથી મળવાનો?
રસ્તામાં એક જગ્યાએ કોઈ કન્યાનું ધડ પડેલું જોયું. એનાં વસ્ત્ર અને શરીરનાં અમુક લક્ષણોથી શેઠે નક્કી કર્યું, આ મારી દીકરી સુંસુમાનું જ ધડ છે. બસ, બહુ થયું. હવે આગળ જવાની જરૂર નથી. શેઠ સિપાહીઓને લઈને પાછા વળ્યા.
મિલાતિપુત્ર એક હાથમાં તલવાર અને બીજા હાથમાં સુંસુમાનું મસ્તક લઈને આગળ વધી રહ્યો છે. જંગલમાં દૂર દૂર સુધી પહોંચી ગયો છે. એવામાં એક વૃક્ષની નીચે સાધના કરતા એક મુનિ મહાત્માને જોયા. એ એમની પાસે પહોંચી ગયો. એમને જાણે આદેશ કરતો હોય એમ કહ્યું, મને ધર્મ સમજાવો.
મુનિએ નજર કરી તો એ માણસના હાથમાં તલવાર અને લોહી નીકળતું સ્ત્રીનું મસ્તક હતું. એક હાથમાં રાગનું અને બીજા હાથમાં દ્વેષનું સાધન લઈને આવવાવાળો આ માણસ ધર્મ સમજાવવાની વાત કરે છે. શાસ્ત્ર કહે છે, આવેશમાં હોય એવા માણસને ધર્મ સંભળાવાય નહીં. સામે વાત એ છે કે આ માણસ ધર્મ સંભળાવવાની માંગણી કરે છે તો એને તરછોડાય પણ નહીં, તો હવે શોર્ટમાં એને સમજાવીને આ સ્થળ છોડી દેવું. મુનિ પણ શક્તિ સંપન્ન હતા.
એમણે કહ્યું, તમારે ધર્મ સાંભળવો છે? તો સાંભળો ઉપશમ, વિવેક અને સંવર એ ધર્મનું સ્વરૂપ છે. આટલું બોલીને પેલા મુનિ તો આકાશમાં ઊડી ગયા. એમની પાસે આકાશગામિની વિદ્યા હતી.
પેલો મિલાતિપુત્ર આકાશમાં ઊડતા મુનિને જોઈ રહે છે. પછી જમીન ઉપર પેલા મુનિનાં પગલાં પડેલાં બરાબર એ જ પગલાં ઉપર પોતાના પગ મૂકી દીધા અને વિચારવા લાગ્યો ઉપશમ, વિવેક અને સંવર હોય તો ધર્મ આવી શકે. મારી પાસે ઉપશમ છે? ક્રોધ કેટલો છે આવો ક્રોધ? તરત જ એણે તલવાર અને સુંસુમાનું મસ્તક એક બાજુ મૂકી દીધું. પછી એ વિચાર કરે છે, વિવેક મારામાં ક્યાં વિવેક છે? મહાત્માની પાસે ધર્મ સાંભળવાનો હોય? અને હવે મારે મારી જાતને પાપથી દૂર કરવાની. પાપની વૃત્તિ અને પ્રવૃત્તિ બદલવાની હોય આ રીતે ધ્યાનની ઉચ્ચ ધારામાં આવી ગયા. પોતાની ભૂલનો હૃદયપૂર્વકનો પશ્ચાતાપ કરીને હવે પછી કોઈ પણ જાતના પાપથી મુક્ત થવાના પ્રયાસોમાં આગળ વધે છે. એમ આ ધ્યાન એમને કેવલજ્ઞાન અપાવીને રહ્યું.
એ જ સમયે એમને કેવલજ્ઞાન મળ્યું. દેવો અને માનવોએ એ મહાત્માનો કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો. આપણને પણ જીવનમાં પરમાત્મા આવા શુભ સંયોગો કરાવી આપે એ જ પરમાત્માને પ્રાર્થના.