ઘરમાં ધનધાન્ય ભર્યાં રહે એ માટે આપણે ત્યાં દેવી અન્નપૂર્ણાની પૂજા કરવામાં આવે છે. સમગ્ર વિશ્વનું ભરણપોષણ કરનાર અને અન્નજળ દ્વારા દુનિયાને જિવાડનાર દેવી અન્નપૂર્ણા છે. એમની ઉદારતા ત્રણેય ભુવનમાં અજોડ છે.
ઉપનિષદોમાં પણ કહ્યું છે કે, ‘અન્ન ખલુ બ્રહ્મ’ અન્નનો તિરસ્કાર કરવાથી કેવું દુષ્પરિણામ આવે તે ‘ભવિષ્યોત્તર પુરાણ’માં દેવી અન્નપૂર્ણાના વ્રતની કથા ઋષિ અગસ્ત્ય દંડકવનમાં રામ-લક્ષ્મણને સંભળાવે છે.
દેવી અન્નપૂર્ણાના વ્રતની કથા
કાશીનગરીમાં દેવદત્ત અને ધનંજય નામના બે ભાઇઓ રહેતા હતા. એમાં દેવદત્ત ધનિક અને સુખી હતો જ્યારે ધનંજય નિર્ધન અને દુ:ખી હતો. પોતાના કુટુંબની દરિદ્રતા દૂર કરવા ધનંજય કાશીના મણિકર્ણિકા ઘાટે જઇને શિવ-પાર્વતીજીનું સ્મરણ કરતાં કરતાં જ ત્યાં સૂઇ ગયો. રાત્રે સપનામાં એક જટાધારી બ્રાહ્મણે આવીને તેને જણાવ્યું, ‘પૂર્વે. કાંચી નગરીમાં રાજકુમાર શત્રમર્દન અને તેનો મિત્ર હેરંબ જંગલમાં શિકાર કરવા ગયા. બંનેને કકડીને ભૂખ લાગી. એક આશ્રમમાં ઋષિએ તેમની ભૂખ શમાવવા સામો (એક ખડધાન્ય) આપ્યો. રાજકુમાર તો તે અન્ન પ્રેમથી આરોગી ગયો, પણ હેરંબે એ અન્નનો તિરસ્કાર કર્યો. અન્નનો આદર કરનાર રાજકુમાર જ આ જન્મમાં તારો સુખી અને સમૃદ્ધ ભાઇ દેવદત્ત છે અને અન્નનો તિરસ્કાર કરનાર પેલો હેરંબ તે તું જ છે. આમ, અન્નનો અનાદર કરનાર તું દરિદ્રતા ભોગવે છે. તેથી હવે તું દેવી અન્નપૂર્ણાનું વ્રત નિષ્ઠાથી કરીશ, તો તારું દુઃખ દૂર થશે’.
બ્રાહ્મણે કહ્યા પ્રમાણે તે પછી ધનંજયે દિવ્ય સ્ત્રીઓ પાસેથી અન્નપૂર્ણાના વ્રતની વિધિ જાણીને વ્રત કર્યું અને તે ધનધાન્ય, સંપન્ન બન્યો. સર્વ વાતે સુખી થયો.
મા અન્નપૂર્ણાનું પ્રાગટ્ય
અન્નપૂર્ણાનો સરળ અર્થ છે – જે અન્ન પૂરું પાડે તે અન્નપૂર્ણા. પૃથ્વી પરના ભૂખ્યા લોકોનાં પેટ ઠારવાં તથા તેમને સુખ-શાંતિ, અભ્યુદય અને ઐશ્વર્ય આપવા જગતજનની મા પાર્વતીજીએ જ અન્નપૂર્ણાનું સ્વરૂપ ધારણ કર્યું છે.
પૌરાણિક-પ્રાચીન કથા અનુસાર દેવર્ષિ નારદ ભ્રમણ કરતાં કરતાં પૃથ્વીલોક પર આવી ચડ્યા. તેમણે જોયું તો વિનાશક દુષ્કાળને કારણે પૃથ્વીવાસીઓ ભૂખમરાનો ભોગ બન્યા છે. આ દુઃખ જોઇ નારદજીએ પૃથ્વીને સલાહ આપી કે, તમે મહાદેવજીને પ્રાર્થના કરો તો આ આપત્તિમાંથી સૌને અવશ્ય મુક્ત કરશે. ત્યારપછીની કથાનો સારાંશ જોઇએ તોઃ ગાયનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વીદેવી મહાદેવજી પાસે ગયાં અને ભીષણ દુષ્કાળનું દુઃખ માનવજાત અને પશુ-પંખીઓ કેવી રીતે વેઠી રહ્યાં છે તેનું શબ્દશઃ વર્ણન કર્યું. કરુણાસાગર મહાદેવજીએ જીવમાત્ર માટેના દયાભાવ અને સહાનુભૂતિથી અનાજના થોડા કણ પૃથ્વી પર ફેંક્યા અને આશીર્વાદ ઉચ્ચાર્યા કે, હવે પૃથ્વી પર ધાન્યની અછત રહેશે નહીં. પછી થોડા જ સમયમાં પૃથ્વી હરીભરી થઇ ગઇ.
માતા પાર્વતીજીના આશીર્વાદથી અને શિવ- પાર્વતીજીની લીલા થકી ઘમંડને પામેલા નંદી બળદનો અવતાર ધારણ કરી પૃથ્વી પર આવેલ તેની મહેનતથી અનાજ પાકવા લાગ્યું. પશુ-પંખીઓને તો પેટ ભરવાની ચિંતા જ મટી ગઇ. છતાં હજુ પણ મહેનત કરવા છતાં અસંખ્ય માણસો ધાન્યના અભાવમાં પોતાનાં સંતાનોનું પેટ ભરી શકતાં નહોતા. આ લોકો પાસે ખેતર કે વાડી પણ નહોતાં કે તેઓ અનાજ ઉગાડી શકે. ઉદાસ પૃથ્વીદેવીએ ફરીથી શિવ-પાર્વતીની પ્રાર્થના કરી અને લાખો, કરોડો દુ:ખી લોકોની યાતના રજૂ કરી.
આ સાંભળી મહાદેવજીએ ફરી પાર્વતીજીને કહ્યું, ‘તમે જગતજનની માતા છો. જીવમાત્રનાં દુઃખ દૂર કરવાની ક્ષમતા તમારામાં છે. હું ભિક્ષાપાત્ર લઇ આપને વિનંતી કરું છું કે તમે પૃથ્વીવાસી માણસોના કારમા દુઃખ એવી ‘ભૂખ’નો ઇલાજ કરો.’
શિવજીની વિનંતીથી પરદુઃખભંજની મા પાર્વતીજી બોલ્યાં કે, ‘હું અન્નપૂર્ણા રૂપે પૃથ્વી પર પ્રગટ થઇશ. જે શ્રદ્ધાથી મારું ધ્યાન કરશે, પૂજન કરશે, આરાધના કરશે, મારું શરણ ગ્રહણ કરશે તેનાં દુઃખ હું મિટાવીશ.’
માગશર સુદ છઠના દિવસે મા અન્નપૂર્ણા પ્રગટ થયાં, એટલે અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ પણ તે જ દિવસથી થાય છે. જે મનુષ્ય ભક્તિ શ્રદ્ધાથી યુક્ત બની, નિષ્ઠાપૂર્વક આ વ્રત કરે છે તેના પર ને તેના પરિવાર પર માની કૃપા વરસે છે અને તેનું જીવન ધન્ય બની જાય છે.
જ્ઞાનવૈરાગ્યસિદ્ધયર્થ ભિક્ષાં દેહિ ચ પાર્વતી
`હે પરિપૂર્ણ અન્નપૂર્ણા, હે શંકર ભગવાનનાં પ્રાણપ્રિયા માતા પાર્વતી! જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ માટે મને ભિક્ષા આપો.’ શંકરાચાર્ય દેવીનો મહિમા વર્ણવે છે. કાશીપુરાધીશ્વરી દેવી અન્નપૂર્ણા તો વરદાન અને અભય આપનારી છે. એ સહુની મનોકામના પૂર્ણ કરનારી કલ્પલતા છે. તે અન્ન અને ઐશ્વર્ય પ્રદાન કરીને સૌની આજીવિકા ચલાવે છે.’
દેવી અન્નપૂર્ણાનાં વ્રત-અનુષ્ઠાનની વિધિ
દેવી અન્નપૂર્ણાનું વ્રત કરવાની રીત વિવિધ વાર્તાઓમાં જણાવાઇ છે. અન્નપૂર્ણાનું વ્રત માગશર સુદ છઠ્ઠથી વદ અગિયારસ સુધી એકવીસ દિવસનું એકટાણું કરીને કરાય છે. આ વ્રતમાં સૂતરના એકવીસ તાર લઇને કંકુથી તેનું પૂજન કરીને એકવીસ ગાંઠો મારવી. ત્યારબાદ એકવીસ આખા ચોખાના દાણા લઇને, ‘હે માતા, અન્નપૂર્ણા, મને અન્ન, પશુ, પુત્ર, યશ અને સુખ-શાંતિ પ્રદાન કરો’ એવી ભાવના સાથે કોઇ પણ મંત્રથી વધાવીને દોરાને પુરુષ જમણા હાથે અને સ્ત્રીએ ડાબા હાથે બાંધવો. દરરોજ એકાગ્ર ચિત્તે અન્નપૂર્ણાની વાર્તા સાંભળીને દોરાની પૂજા કરવી અને છેલ્લા એકવીસમા દિવસે અન્નપૂર્ણાની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી. સ્તુતિ, પૂજન, અર્ચન, આરતી અને પ્રદક્ષિણા કરીને હાથે બાંધેલો દોરો દેવીની મૂર્તિ આગળ અર્પણ કરવો. યથાશક્તિ બ્રહ્મભોજન કરાવીને દક્ષિણા આપવી અને અન્નથી ભરેલાં એકવીસ તાંબાનાં પાત્રોનું દાન કરવું અને બીજા દિવસે સવારે માતાજીનું પૂજન કરીને વિસર્જન કરવું.
અન્નપૂર્ણે, સદાપૂર્ણે, શંકરપ્રાણવલ્લભે
મા અન્નપૂર્ણાનું ઔદાર્ય ત્રણેય લોકમાં અનેરું, અનોખું અને અજોડ છે. વિશ્વનું ભરણપોષણ કરનાર અન્ન-આહાર આપનારાં દેવી એટલે અન્નપૂર્ણા, તે વિશ્વના સર્વ જીવ પ્રાણીમાત્રનું ભરણપોષણ કરનારી ભુવનેશ્વરી શક્તિ છે. દુનિયાને અન્ન-જળ આપી જિવાડનાર દેવી અન્નપૂર્ણા છે. પાર્વતીજી એ જ ઉમા, શિવા, શક્તિ, ભવાની, ભુવનેશ્વરી તથા અન્નપૂર્ણા કહેવાય છે. એ જ કીડીને કણ અને હાથીને મણ આપનારી, પૂર્ણ પોષણ આપનારી દેવી છે. દેવી અન્નપૂર્ણાની આરાધના કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ અભરે ભરાય છે. દેવીની આ ઉપાસના કે વ્રત સ્તવન નિયમપૂર્વક અને નિષ્ઠાથી કરવામાં આવે તો જ તે ફળદાયી બને છે. જ્યારે જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે અનપૂર્ણા દેવી વહારે આવે છે. સદાશિવ ભિક્ષા માગી જીવન વ્યતીત કરી રહ્યા હતા. તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઇને ઉમાદેવી અન્નપૂર્ણા બન્યાં તે સમયથી શિવજીએ ભિક્ષા માગવાનું બંધ કરી દીધું. જે કોઇ ભાવિક નર-નારી અન્નપૂર્ણા દેવીની આરાધના-ઉપાસના કરે છે, સ્તવન કરે છે, તેમનું વ્રત કરે છે, સ્તોત્રગાન કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ત્વમેવ સર્વજનની મૂળપ્રકૃતિ ઈશ્વરી,
ત્વમેવાધા સૃષ્ટિવિધો સ્વચ્છયા
ત્રિગુણાત્મિકા:, કાર્યાર્થે સગુણા ત્યંમ વસ્તુતો
નિર્ગુણા સ્વયમ્,પરબ્રહ્મ
સ્વરૂપા ત્વં સત્યાનિત્યા સનાતની,તેજઃસ્વરૂપા
સર્વેશા સર્વધારા પરાત્પરા,
સર્વ બીજ સ્વરૂપા ચ સર્વપૂજ્યા નિરાશ્રયાઃ,
સર્વજ્ઞા સર્વતોભદ્રાસર્વમંગલ મંગલા
અર્થાત્ હે મા જગદંબા! તમે જ વિશ્વની જનેતા મૂળ પ્રકૃતિરૂપ ઈશ્વરી છો, મા તમે જ સૃષ્ટિની ઉત્પત્તિના સમયે આદ્યશક્તિના રૂપમાં વિરાજમાન રહો છો અને તમારી પોતાની ઇચ્છાથી ત્રિગુણાત્મક સ્વરૂપ ધારણ કરો છો, તેમ છતાં કાર્યકારણ વશ થઇને મા તમે સગુણ સ્વરૂપ ધારણ કરો છો, મા તમે જ પરબ્રહ્મ સ્વરૂપ છો, સત્ય, નિત્ય તેમજ સનાતન તમે જ છો. અન્નપૂર્ણા માતાજી ચિંતાપૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. પાર્વતી જગદંબા એ પણ અન્નપૂર્ણા જ છે. પ્રાચીન સમયથી ભારતમાં શક્તિપૂજા ખૂબ જ વ્યાપક બની છે. શક્તિપૂજા સર્વ જાતિઓમાં અને સંપ્રદાયોમાં ફેલાઇ ગઇ છે. દેશભરમાં ઘણાં સ્થાનોમાં દેવી અન્નપૂર્ણા માતાજી તરીકે પૂજાય છે.
મા અન્નપૂર્ણાની સ્તુતિ
વંદુ દેવી અન્નપૂર્ણા જગતજનની મા કૃપાળી,
લાવો ભક્ત પરે યા ભગવતી દ્યોને દુઃખ ટાળી,
ઇચ્છાપૂર્ણ કરો, ધરો કર શિરે, મા હે દયાળી,
યાચે તુજને ભાવ ધરી જે તેની કરો રખવાળી.
પ્રવર્તિત યુગમાં મા અન્નપૂર્ણાની સરળ સાધના એ સાંસારિક સુખોની પ્રાપ્તિ માટેનો રાજમાર્ગ છે. ભારતમાં માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું ભવ્ય મંદિર ‘કાશીવિશ્વનાથ મંદિર’ તરીકે ઓળખાય છે. ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લામાં અંબાસણ ગામમાં પણ માનું ભવ્ય મંદિર આવેલું છે.
પાર્વતીજીનું એક સ્વરૂપ
પુરાણકાળમાં શિવપત્ની પાર્વતીજી એક સ્વરૂપ અન્નપૂર્ણા રૂપે પૂજાવા લાગ્યાં. શિવપુરાણ પ્રમાણે મોક્ષપુરી કાશીમાં મહાદેવજી પોતાની પ્રાણેશ્વરી દેવી અન્નપૂર્ણા સાથે જ્યોતિર્લિંગ રૂપે પ્રતિષ્ઠિત થયા છે. પહેલાં તે શ્વસુરગૃહે હિમાલયના કૈલાસમાં રહેતા હતા, પરંતુ દેવી અન્નપૂર્ણા (પાર્વતી)ના આગ્રહથી કાશીમાં આવીને વિશ્વનાથ રૂપે રહેવા લાગ્યા. કાશીના વિશ્વનાથ મંદિરની પડખે જ આજે પણ ચાંદીના કલાત્મક સિંહાસન ઉપર વિરાજમાન છે. શિવપુરાણમાં શિવના અનેક અવતારોની કથાઓ છે. એક વાર ભિક્ષુકનો અવતાર લઈ તેઓ અન્નપૂર્ણા સામે ‘ભિક્ષાં દૈહિ કહીને ઊભા રહ્યા. ભગવતીએ તેમને પોતાના અક્ષયપાત્રમાંથી પ્રેમપૂર્વક ભિક્ષા કે ભિક્ષુકને અન્નથી તૃપ્ત કરવાનો બોધ મળે છે. ભિક્ષુક શિવજી તો દેવી અન્નપૂર્ણાની પ્રેરણાથી દિવસ દરમિયાન મળેલી બધી ભિક્ષા દરિદ્રનારાયણોને વહેંચી દેતા. જગદ્ગુરુ આદિ શંકરાચાર્ય ભ્રમણ કરતાં કરતાં કાશીમાં ગયા. ત્યાં અન્નપૂર્ણા મંદિરની સમક્ષ ઊભા રહીને દેવી અન્નપૂર્ણાના સ્વરૂપ-મહિમાનું વર્ણન કરતો ‘અન્નપૂર્ણાષ્ટક સ્તોત્ર’ રચ્યો. સ્તુતિનો એક શ્લોક જોઈએ