- દેશમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર બાદ ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ
- કોલ્ડ સ્ટોરેજ સેક્ટરમાં રૂ. 150-200 કરોડથી વધુનું રોકાણ આવવાની સંભાવના
- ગુજરાતમાં હાલ અંદાજે 1,000 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે
ગુજરાતમાં છેલ્લા અમુક વર્ષોમાં ફૂડ પ્રોસેસિંગની પ્રવૃત્તિઓ ઘણી જ વધી છે જેના કારણે રાજ્યમાં ખાસ કરીને બટાકાના કોન્ટ્રાક્ટ ફર્મિંગ પણ વધ્યું છે. આ બધાના કારણે ગુજરાતમાં કોલ્ડ ચેઈનની જરૂરિયાત ઉભી થતા બટાકા ઉગાડતા વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ત્રણ-ચાર વર્ષ પહેલા આ મામલે ટોપ-10માં હતું જે હવે દેશમાં ચોથા ક્રમે આવી ગયું છે. દેશમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર બાદ ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. ગુજરાતમાં બટાકાનું વાર્ષિક 40 લાખ ટનનું ઉત્પાદન છે. તેની સામે કોલ્ડ સ્ટોરેજ કેપેસિટી 30.15 લાખ ટનની છે. એટલે કે ઉત્પાદનના 75% બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર થઇ શકે છે.
ગુજરાતમાં હાલ અંદાજે 1,000 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે જેમાંથી 412 કોલ્ડ સ્ટોરેજ સ્પેશિયલ બટાકા માટે જ છે, ગત વર્ષે આ સંખ્યા 386 કોલ્ડ સ્ટોરેજની હતી. આમાં કોન્ટ્રાક્ટ ફર્મિંગ કરતા ખેડૂતો અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ બટાકા સ્ટોર કરે છે. ગુજરાતમાં ડીસા, પાલનપુર, સિદ્ધપુર, અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ પોટેટો કોલ્ડ સ્ટોરેજ આવેલા છે અને આવતા એક વર્ષમાં આ વિસ્તારમાં પ્રોસેસિંગ કંપની ઓપરેટેડ અને પ્રાઇવેટ મળીને બીજા 20 નવા કોલ્ડ સ્ટોરેજ શરુ થશે જેમાં અંદાજે રૂ. 150-200 કરોડનું રોકાણ આવશે. આ ઉપરાંત વેજીટેબલ્સ અને ફ્રુટ્સ, અનાજ કરિયાણા માટે તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફ્શિરીઝ માટેના ઘણા કોલ્ડ સ્ટોરેજ શરુ થયા છે.
સરકારની પ્રોત્સાહક નીતિથી ફાયદો થયો : ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ આશિષ ગુરુએ જણાવ્યું કે, રાજ્યમાં કોલ્ડ સ્ટોરેજના નિર્માણ અને સંચાલન માટે અલગ અલગ સ્તરે સરકારની ઘણી યોજનાઓ અને પોલિસી છે જેના કારણે રાજ્યમાં કોલ્ડ સ્ટોરેજની સંખ્યામાં વધારો થયો છે. એક કોલ્ડ સ્ટોરેજ બનાવવું હોય તો રૂ. 7-10 કરોડ જેવો ખર્ચ આવે છે. રાજ્ય સરકાર તરફ્થી આમાં રૂ. 2 કરોડ સુધીની સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત નેશનલ નેશનલ હોર્ટિકલચર મિશન અને નેશનલ હોર્ટિકલચર બોર્ડ તરફ્થી પણ સહાય મળે છે જેનો લાભ ખેડૂતો લઇ રહ્યા છે. ગુજરાતમાં અમુક કિસ્સાઓ એવા છે જેમાં ખેડૂતોએ ભેગા મળીને કંપની બનાવી અને કોલ્ડ સ્ટોરેજ શરુ કર્યા છે.
ઊંચા પાવર ટેરીફ્ અને લેબર શોર્ટેજ : ગુજરાતમાં કોલ્ડ સ્ટોરેજ ઇન્ડસ્ટ્રીનો વિકાસ તો થઇ રહ્યો છે પણ સાથે જ તેની સામે ઘણા પડકારો પણ છે. આમાં લેબર શોર્ટેજ અને ઊંચા પાવર ટેરીફ્ મુખ્ય છે. ભારતમાં મહારાષ્ટ્ર, ઓરિસ્સા, હરિયાણા અને ગોવામાં કોલ્ડ સ્ટોરેજ ઇન્ડસ્ટ્રીને કૃષિ સંલગ્ન કામગીરી ગણી અને નીચા દરે વીજળી આપવામાં આવે છે જયારે ગુજરાતમાં ઈન્ડસ્ટ્રિયલ ટેરિફ્ લાગુ પડે છે. આ અંગે રાજ્ય સરકારને અનેક રજુઅતો પણ કરવામાં આવી છે. જોકે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત છેલ્લા અમુક વર્ષોથી મજુરોની પણ શોર્ટેજ થઇ રહી છે. કોલ્ડ સ્ટોરેજમાં પંજાબ, બિહાર જેવા રાજ્યોમાંથી લેબર આવે છે. કોવિડ બાદથી સ્થળાંતરિત શ્રામિકોની સંખ્યા ઓછી થઇ છે અને સ્થાનિક લોકો આ કામ કરવા તૈયાર નથી.


