- ગીતામાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગની પૂર્ણ ચર્ચા થઇ છે. બીજા અધ્યાયમાં જે સાંખ્યયોગ દ્વારા જ્ઞાનની ચર્ચા છે તે જ્ઞાનયોગ છે
વિશ્વના કોઇપણ ધર્મ કે સંપ્રદાયના કોઈપણ ગ્રંથનો જન્મ દિવસ ઊજવવામાં આવતો નથી. આ એક એવો ગ્રંથ છે કે જેની જયંતી ઊજવાય છે, કેમ કે અન્ય ધર્મગ્રંથો તે ધર્મ કે સંપ્રદાયના સ્થાપક મનુષ્ય દ્વારા લખાયેલા છે કે અન્ય સંકલિત થયેલા છે, જ્યારે ગીતાજીનો જન્મ તો ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખેથી વાણી સ્વરૂપે થયેલો છે. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં જ્યારે અર્જુન પોતાનાં સગાંસંબંધીઓ તથા સ્વજનોને પોતાની સામેના પક્ષમાં ઊભેલા જુએ છે ત્યારે તેનાં ગાત્રો શિથિલ થઇ જાય છે. અર્જુનની યુદ્ધ કરવાની ઇચ્છા મરી પરવારે છે ત્યારે અર્જુનના સારથિ, પિતરાઈ તથા મિત્ર એવા ભગવાન શ્રીકૃષ્ણ તેને યુદ્ધ કરવા વિશે ચિંતનપૂર્ણ માર્ગદર્શન આપે છે. તેનું સંકલન ગીતામાં થયેલું છે. મહાભારત નામનું મહાકાવ્ય મહર્ષિ વેદવ્યાસજી દ્વારા લખાયેલું છે. ગીતામાં અર્જુન એ સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરે છે. તે જ્યારે કર્તવ્ય અને લાગણીઓ વચ્ચે પોતે કઈ તરફ રહેવું તે વિશે દ્વિધા અનુભવે છે ત્યારે તેના માર્ગદર્શક બને છે ભગવાન શ્રીકૃષ્ણ.
ગીતાના અંતે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, હું કહું છું માટે તું તેમ કર એમ નહીં, પણ બધી બાબતો તારી સામે સ્પષ્ટ છે માટે હવે તને જે માર્ગ શ્રેયકારી લાગતો હોય તે પ્રમાણે કર. ગીતામાં કોઈ પ્રકારનો આગ્રહ નથી, પણ તમારી તર્કશક્તિ મુજબ ચકાસીને જો યોગ્ય લાગે તો તે પ્રમાણે વર્તવાનું માર્ગદર્શન છે. ગીતામાં ઉપનિષદોનો સાર છે. ગીતાના જે અઢાર અધ્યાયોનાં નામ છે તે શંકરાચાર્યજીએ આપેલાં છે. જે મહાભારતમાં આપેલાં નહોતાં. ગીતા એ સામાન્ય માણસને સમજાય તેવો તત્ત્વ ચિંતનપૂર્ણ ગ્રંથ છે. જેના પર વિવિધ સંતો, મહંતો તથા બૌદ્ધિકોએ વિવેચન કરેલાં છે. છ હજાર વર્ષ પહેલાં કહેવાયેલો ઉપદેશ આજે પણ એટલો જ સાંપ્રત લાગે છે. ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો સંસ્કૃત શ્લોકો છે. પૂરી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં છે. ગીતાનો સમયકાળ આશરે ઈ.સ. પૂર્વે 3066 માનવામાં આવે છે. ગીતાનો અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ગ્રીક તથા લેટિન જેવી અન્ય ભાષાઓમાં અનુવાદ થયો છે. ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પણ વ્યવહાર જગતમાં એક માનવને પડતી મુશ્કેલીઓનું સમાધાન દર્શાવતો વ્યવહાર ગ્રંથ છે.
શ્રીમદ્ ભગવદ્ગીતા દિવ્ય વિચારોનો સ્ત્રોત છે. ગીતા જીવન દેવાનું, સંજીવની દેવાનું કાર્ય કરે છે. મંગલકારી ગીતા અમૃત છે. ભારત દેશની સાચી ઓળખ એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા. બધા પ્રકારની પીડામાંથી છૂટવા ને પુણ્યની પ્રાપ્તિ કરવા ગીતાના પાઠોનું મહત્ત્વ સૌથી વિશેષ છે. શ્વાસ લેનારા આપણે મરેલા લોકોની અંદર એક નવો પ્રાણ પૂરવાનું કામ જો કોઇ ગ્રંથ કરી શકે તેમ હોય તો તે ગીતા છે. એટલે આ ગ્રંથને સાધારણ ન માનવો જોઈએ.
આ ગ્રંથ કેવળ હાથ જોડી પ્રણામ કરવા માટે નથી. ગીતા વિષાદથી પ્રસાદ તરફ ચાલવાનો માર્ગ છે. નિરાશામાંથી પ્રસન્નતા તરફ ચાલવાનું છે. મરણધર્મી માણસને અમૃતમય બનવાનો સંદેશ જ્યાંથી મળ્યો તે સંદેશનું નામ છે ગીતા. જેને મેળવીને ગુમાવવું ન પડે. જે કાયમ આપણી પાસે રહે છે તે તત્ત્વ છે પરમતત્ત્વ ને તે છે પરબ્રહ્મ પરમેશ્વર, ત્યાંથી જોડવાનો પ્રયાસ કરો નાશ પામનાર પદાર્થોની સાથે પોતાને જોડશો તો રોજ દુઃખી થશો. આળસુને કર્મઠતાનો, ઊંઘનારને જાગી જવાનો ભગવાનનો સંદેશ પડેલાને ઊભા કરવાનો ઉપાય ગીતા છે.
ગીતા માત્ર યુદ્ધનું જ ગીત નથી, પણ જીવન સંગીત છે. ગીતામાં જે યુદ્ધની વાત છે તે ધર્મયુદ્ધ છે. ગીતાનો સાંખ્યયોગ એટલે જાગી જાવ. જાગૃત વ્યક્તિના જીવનની રીત બદલી નાખે છે. દષ્ટિ બદલાઈ જાય છે. જેથી જીવન પ્રત્યેનો પણ અંદાજ બદલાશે. દુનિયામાં ખોવાઈ ન જાવ. જીવન જીવવાનો આ જ અંદાજ રાખો. જાતે જ કમળની જેમ પાણીથી ઉપર ઊઠવાની કોશિશ કરો.
ગીતામાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગની પૂર્ણ ચર્ચા થઇ છે. બીજા અધ્યાયમાં જે સાંખ્યયોગ દ્વારા જ્ઞાનની ચર્ચા છે તે જ્ઞાનયોગ છે. સ્થિતપ્રજ્ઞ-જ્ઞાનીનાં લક્ષણો બતાવ્યાં છે. ત્રીજા અધ્યાયમાં કર્મયોગ અને બારમા અધ્યાયમાં ભક્તિયોગની પૂર્ણ ચર્ચા થઈ છે. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, જ્ઞાન સર્વસ્વ છે. પોતાના સ્વરૂપને જાણો. શરીરની નાશવંતાને ઓળખો. આત્મા જે નાશ પામતો નથી તેને જાણો. પરિવર્તન શરીરમાં થાય છે. દેહાન્તર પ્રાપ્તિ, બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. આવું પરિવર્તન સતત ચાલ્યા કરે છે. જે સંસારમાં અસંગ રહે છે તે સંસારથી તરી જાય છે. મોહ, આસક્તિ બંધનનું કારણ છે. મોહ રડાવે છે, મમતા બાંધે છે. જ્ઞાનથી અજ્ઞાનતાને તોડો. આત્મજ્ઞાન દ્વારા જ પરમશાંતિ મળે છે. આ છે જ્ઞાનયોગ.
પ્રભુ કહે છે કર્મ કરો, પણ ફળની આશા ન રાખો. જો રાખશો તો દુઃખી થશો. જે ફળ મળે તેનો સ્વીકાર કરો. બધું પ્રભુ પર છોડો. તેનામાં શ્રદ્ધા રાખો. જે પરિસ્થિતિ આવે તે સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરો. નિષ્કામ ભાવે કરેલું કર્મ શ્રેષ્ઠ છે આ છે કર્મયોગ.
પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા રાખી તેમની ભક્તિ કરો. ભક્તિ પણ નિષ્કામ ભાવે કરો. પ્રભુની સંપૂર્ણ શરણાગતિ તેમજ પ્રભુના અનન્ય ભક્ત બની રહો. નરસિંહ મહેતા, મીરાંબાઈ અને સંત તુલસીદાસની જેમ દુઃખને પણ ભક્ત પ્રભુની પ્રસાદી માને છે. વ્યક્તિને જે માર્ગ યોગ્ય લાગે તેનો સ્વીકાર કરે અને તે માર્ગે આગળ વધે. ગંગોત્રીથી પ્રગટેલી ગંગા છે કે ગંગાસાગર પછી સમુદ્રમાં મળીને એકરૂપ બને છે. તે રીતે જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગ ત્રણે પ્રભુ મહાસાગરના જળમાં જ એકરૂપ બની જાય છે. જીવ શિવ સ્વરૂપ બની જાય છે.
આમ ગીતાજી તો આત્મજ્ઞાનનો મહાકુંભ છે. તેનું કુંભજ્ઞાન જીવનનું કલ્યાણ કરે છે. ગીતા જયંતીનો એક જ સંદેશ છે કે આ ગીતાજ્ઞાન દ્વારા જીવન ધન્ય બનાવો. ગીતાજ્ઞાન દ્વારા સત્યની અનુભૂતિ થશે જ. સત્ય એટલે પરમેશ્વર. આ છે ગીતાનો સંક્ષિપ્ત સાર. ગીતાવાણી છે પરવાણી. સમયની સીમા હોઈ શકે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની ગીતા સુગીતા ચારેય દિશામાં મધુરતા ફેલાવતી અનંત છે. જે છે ભગવાન શ્રીકૃષ્ણની કૃપા. ને જે છે શાશ્વત.