- નાના બાળકોને શાંત રાખવા માટે તેમના હાથમાં મોબાઇલ પકડાવી દેતાં પરિવારો માટે ચેતવણીની ઘંટડી
- નાની વયમાં મોબાઇલની લત લાગવાના કારણે બાળકના મગજનો સારી રીતે વિકાસ થઇ શકતો નથી
- માતાપિતા ઘણીવાર નાના બાળકોને શાંત રાખવા માટે તેમના હાથમાં મોબાઇલ પકડાવી દે છે
માતાપિતા ઘણીવાર નાના બાળકોને શાંત રાખવા માટે તેમના હાથમાં મોબાઇલ પકડાવી દે છે. તેને પગલે બાળકો શાંત થઇને કલાકો સુધી મોબાઇલ સ્ક્રીન સામે તાકી રહે છે. જો કે આટલી નાની વયમાં મોબાઇલની લત લાગવાના કારણે બાળકના મગજનો વિકાસ સારી રીતે થઇ શકતો નથી. બાળકો સમયસર બોલવાનું શીખી શકતાં નથી. આ સંજોગોમાં માતાપિતાએ બાળકોને બોલતાં કરવા માટે સ્પીચ થેરાપિસ્ટની મદદ સુદ્ધાં લેવી પડે છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના રુડકી સ્થિત ડિસ્ટ્રીક્ટ અર્લિ ઇન્ટરનેશનલ સેન્ટર(ડીઇઆઈસી)ના મેડિકલ ઓફિસર ડોક્ટર આયુશી શર્માએ જણાવ્યું હતું કે કોરોનાકાળની શરૂઆતથી બાળકોમાં મોબાઇલની લતનો આરંભ થયો છે જેણે બાળકોના માનસિક વિકાસ પર અસર નાખી છે. આવા સંજોગોમાં પરિવારના લોકો બાળકોમાં વર્ચ્યુઅલ ઓટિઝમની પરેશાનીને લઇને અહીં આવી રહ્યા છે. મોટાભાગના એકથી પાંચ વર્ષની વય સુધીના બાળકો તેનો શિકાર થઇ રહ્યા છે. આ સંજોગોમાં બાળકો સારી રીતે બોલી શકતાં નથી. આ એક ગંભીર સમસ્યા બની રહી છે. આયુષીએ જણાવ્યું હતું કે દર મહિને આ પ્રકારના 10-15 કેસ આવી રહ્યા છે. તેમી કહે છે કે તેના સેન્ટરમાં રુડકી, હરિદ્વાર અને સહારનપુરથી બાળકો આવી રહ્યા છે.
બાળકોના વ્યવહારમાં કેવો બદલાવ આવે છે?
બાળકો ફોનમાં વીડિયો જુવે છે, ગેમ્સ રમે છે. તેના કારણે આસપાસના વાતાવરણથી દૂર થઇ જાય છે. તેમનો વ્યવહાર અસામાન્ય થવા લાગે છે. વય અનુસારની ગતિવિધિઓ ઘટવા લાગે છે અને સમયસર શબ્દોનું યોગ્ય ઉચ્ચારણ કરી શકતાં નથી.
આવા લક્ષણો દેખાય તો સતર્ક થઇ જાઓ
આવા બાળકો દરેક થોડી વારે મોબાઇલ માંગે છે. પરિવારના લોકો સાથે નજર મીલાવતાં નથી. તેને સાદ પાડીએ તો પણ ન સાંભળ્યું કરે છે. વીડિયોના શબ્દો વારંવાર ગણગણ્યા કરે છે.
આવા બાળકનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે
ડો. આયુષી અનુસાર એકથી પાંચ વર્ષના સમયગાળામાં બાળકના મગજનો વિકાસ થતો હોય છે. આ વય દરમિયાન બહારના અને પરિવારના લોકો સાથે વાતચીત, શારીરિક ગતિવિધિઓ અને માઇન્ડ ગેમ બાળકોની મગજની શક્તિને તેજ કરે છે. બાળકો જેટલી વધારે એક્ટિવિટી કરે તેટલા પ્રમાણમાં વધારે શાર્પ થતાં હોય છે. પણ જે બાળકોમાં મોબાઇલની લત લાગે છે તેઓ ચીડિયા સ્વભાવના થઇ જાય છે, વાતવાતમાં બૂમો પાડવા લાગે છે અને રડવા લાગે છે.
આ સમસ્યાનો ઉકેલ શું છે?
ડો. આયુષી કહે છે કે જો માતાપિતા સમયસર ચેતી જાય તો તેનો ઉપચાર સંભવ છે. આ પ્રકારના બાળકોનું સેન્ટરમાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ઓછામાં ઓછા એક મહિના માટે સ્પીચ થેરાપી આપવામાં આવે છે. બાળકો માટે અન્ય મનોરંજનના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો કે આના માટે માતાપિતા જાગૃત બને તે પણ જરૂરી છે.


