- 1990માં સૌથી વધારે 1.27 લાખ હેક્ટર વનભૂમિનું ડાયવર્ઝન થયું
- પાંચ વર્ષમાં દેશમાં 90 હજાર હેક્ટર જંગલ જમીન માર્ગો, ખનન માટે વપરાશમાં લેવાઈ
- બીજું સૌથી મોટું ડાયવર્ઝન ઈ.સ. 2000માં થયું હતું
દેશમાં વન સંરક્ષણ અધિનિયન 1980 બન્યા બાદ અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ 26 હજાર હેક્ટર જંગલ ખતમ થઈ ગયાં છે. ક્ષેત્રફળની રીતે આટલી જમીન દિલ્હીના ભૌગોલિક ક્ષેત્રફળ કરતાં લગભગ સાત ગણી વધારે છે. 1990માં સૌથી વધારે 1.27 લાખ હેક્ટર વનભૂમિનું ડાયવર્ઝન થયું હતું. બીજું સૌથી મોટું ડાયવર્ઝન ઈ.સ. 2000માં થયું હતું. જેમાં 1.16 લાખ કરતાં વધારે હેક્ટર જમીન બિન-વનીય ઉપયોગ માટે ખતમ કરી દેવામાં આવી હતી. પર્યાવરણ, વન, અને જળવાયુ મંત્રાલયના અધિકૃત આંકડા અનુસાર, છેલ્લાં 15 વર્ષ (2008થી 2023)માં 3,05,756 હેક્ટર વનભૂમિનું ડાયવર્ઝન થયું છે. છેલ્લાં પાંચ વર્ષમાં 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સૌથી વધારે 90 હજાર હેક્ટર જંગલજમીન માર્ગો અને ખનન માટે વપરાશમાં લઈ લેવામાં આવી છે. રસ્તા માટે 19,497 હેક્ટર અને ખનન માટે 18,790 હેક્ટર જંગલજમીનનું ડાયવર્ઝન થયું છે. ટ્રાન્સમિશન લાઇન અને સિંચાઈ માટે 10 હજાર હેક્ટર, સુરક્ષા સાથે સંકળાયેલી પરિયોજનાઓ માટે 7,631 હેક્ટર, હાઇડ્રો પરિયોજનાઓ માટે 6,218 હેક્ટર, અને રેલવે માટે 4,770 હેક્ટર જમીનને રૂપાંતરિત કરાઈ છે. વનો કપાઈ જવાથી વન્ય જીવોના નિવાસસ્થાનની ક્ષતિ, જૈવ વિવિધતાને હાનિ, અને વાતાવરણમાં શુષ્કતામાં વૃદ્ધિ થઈ છે.
બે તૃતીયાંશ વન્ય જીવો ખતમ થયા
વર્લ્ડવાઇડ ફંડના રિપોર્ટ અનુસાર, માનવની પ્રવૃત્તિના કારણે 1970થી અત્યાર સુધીમાં દુનિયામાં જંગલી જીવોની વસ્તી 69 ટકા એટલે કે બે તૃતીયાંશ ખતમ થઈ ગઈ છે. તેની પાછળ ત્રણ મોટાં કારણ છે. પહેલું, જળવાયુ પરિવર્તન, બીજું, જંગલોનો ખાતમો અને ત્રીજું, પ્રદૂષણ છે. રિપોર્ટમાં ઝૂલોજિકલ સોસાયટી ઓફ લંડનના ડેટાનું વિશ્લેષણ કરતાં કહેવાયું છે કે પાંચ હજાર કરતાં વધારે પ્રજાતિઓના 32 જંગલી જીવોની વસ્તીમાં 69 ટકાનો ઘટાડો થયો છે.


