- વિદેશી સંસ્થાકીય રોકાણકારોના મતે T+0 સેટલમેન્ટને કારણે માર્કેટની લિક્વિડિટી પર અસર પડશે
- વિદેશી સંસ્થાકિય રોકાણકારો(FPI)એ T+0 અથવા સમાન દિવસે સેટલમેન્ટને લઈ ચિંતા જગાવી છે
- રિટેલ ઈન્વેસ્ટર્સ માટે T+0 સેટલમેન્ટ વૈકલ્પિક રહેશે પરંતુ સંસ્થાકિય રોકાણકારોને તે લાગુ પડશે નહિ
વિદેશી સંસ્થાકિય રોકાણકારો(FPI)એ T+0 અથવા સમાન દિવસે સેટલમેન્ટને લઈ ચિંતા જગાવી છે. તેમનું કહેવું છે કે આમ કરવાથી માર્કેટની લિક્વિડિટી અથવા ટ્રેડિંગ વોલ્યુમ્સ પર અસર પડશે. તેમણે કેલેન્ડરની આખરમાં વેકેશનને કારણે આ મુદ્દે શક્ય વિકલ્પને લઈ સૂચનો માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે કેટલાક વધુ સમયની માગણી કરી છે.
સેબી અગાઉ તબક્કાવાર રીતે ઈક્વિટી કેશ માર્કેટમાં ઈન્સ્ટન્ટ સેટલમેન્ટને રજૂ કરવાનો પ્રસ્તાવ દર્શાવી ચૂકી છે. આ માટે તેણે બજારમાં સક્રિય ભાગીદારો પાસે 12 જાન્યુઆરી સુધીમાં તેમનો પ્રતિભાવ મંગાવ્યો હતો. પ્રથમ તબક્કામાં ત્રણ મહિનાના સમયગાળામાં શેરબજારમાં ટોચની 500 લિસ્ટેડ કંપનીઓ T+0 સેટલમેન્ટમાં જોડાશે. તેઓ નીચા માર્કેટ કેપિટલાઈઝેશનથી ઊંચા માર્કેટ કેપિટલાઈઝેશનના ક્રમમાં T+0 સેટલમેન્ટમાં પ્રવેશ કરશે. 1.30 વાગ્યા સુધી હાથ ધરવામાં આવેલા ટ્રેડ્સનું સેટલમેન્ટ સમાન 4-30 સુધીમાં કરવામાં આવશે એમ ગયા મહિને સેબીએ રજૂ કરેલા કન્સલ્ટેશન પેપરમાં નોંધ્યું હતું.
રિટેલ ઈન્વેસ્ટર્સ માટે T+0 સેટલમેન્ટ વૈકલ્પિક રહેશે પરંતુ સંસ્થાકિય રોકાણકારોને તે લાગુ પડશે નહિ. આનો અર્થ એ થયો કે એક જ શેરનું બે અલગ સેગમેન્ટમાં ટ્રેડિંગ થશે. એક T+0 અને બીજું T+1. રિટેલ ઈન્વેસ્ટર્સ જ્યારે પણ શેર્સનું વેચાણ ઈચ્છશે ત્યારે તેને માટે સંસ્થાકિય રોકાણકાર ખરીદાર ઉપલબ્ધ ના હોય તેવું બને. આ જ રીતે એફ્પીઆઈ જ્યારે વેચાણ કરવા ઈચ્છે ત્યારે ત્યાં જૂજ રિટેલ ખરીદાર હાજર હોય અથવા ના પણ હોય તેવું બને. કેમકે તેઓ T+0 સેટલમેન્ટ ઈચ્છતાં હોય તેવું બને. T+0 સેટલમેન્ટ અથવા ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ માટે કેશ અને સિક્યૂરિટીઝ માટે પ્રિ-ફ્ંડીંગ(આગોતરા ફ્ંડ)ની જરૂરિયાત રહેશે એમ એક્સપર્ટ્સનું કહેવું છે. કેમકે ટ્રેડ હાથ ધરવામાં આવે તે અગાઉ વેચાણકારે તેના ક્લિઅરીંગ કોર્પોરેશન મારફ્તે તેમના ટ્રેડિંગ કે ક્લિઅરિંગ મેમ્બર્સને સિક્યૂરિટીઝ ટ્રાન્સફ્ર કરવાની રહેશે. જેવો ટ્રેડ કરવામાં આવશે કે કાઉન્ટરપાર્ટી સ્ટેમ્પ મૂકવામાં આવશે. જેને સીસી સેટલમેન્ટ માટે મૂકશે. એફ્પીઆઈ સાથે કામ કરતાં સિનિયર અધિકારીના મતે કેશ અને સિક્યૂરિટીઝ માટે પ્રિ-ફ્ંડિંગ એ સંસ્થાઓ માટે અઘરું બનશે.
સ્થાનિક સંસ્થાકિય રોકાણકારો પણ તેમને જે-તે દિવસ દરમિયાન ખરીદવાના શેર્સને લઈને નિશ્ચિત નથી હોતાં એમ જાણકારનુ કહેવું છે. કેમકે સામાન્યરીતે બાય રિક્વેસ્ટ્સ બપોરે 2થી 2-30 દરમિયાન સબસ્ક્રિપ્શન માટેના નાણાની ક્રેડિટને આધારે જોવા મળે છે. જે સંસ્થાઓ માટે T+0 સેટલમેન્ટમાં ટ્રેડને અઘરું બનાવે છે એમ અધિકારીનું કહેવું છે. સેબીના જણાવ્યા મુજબ T+0 સેટલમેન્ટમાં T+1 સેટલમેન્ટની સરખામણીમાં ઊંચા ભાવ ફેરને ટાળવા માટે 100 બેસીસ પોઈન્ટ્સનો પ્રાઈસ બેન્ડ લાગુ પાડવામાં આવી શકે છે. તેથી બહુ મોટા ભાવફેરને ટાળી શકાય. આનો અર્થ એ થયો કે કોઈ શેર T+1 સેટલમેન્ટ હેઠળ રૂ. 2800ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હોય તો T+0 સેટલમેન્ટ હેઠળ તેની પ્રાઈસ રેંજ રૂ. 2772-2828ની રહેશે.


