- બિહાર અને ગુજરાતસાથે શો સંબંધ છે?
- માલદીવમાં શોધાયેલા મોટા ભાગના પુરાતાત્ત્વિક અવશેષો બૌદ્ધ સ્તૂપોના છે
- અહીંની સંસ્કૃતિ દક્ષિણ ભારત અને શ્રીલંકાથી પ્રભાવિત હોવાનું સ્પષ્ટ થાય છે
ઇતિહાસકારો અનુસાર, માલદીવમાં સૌથી પહેલાં આવીને વસનારામાં સંભવતઃ ગુજરાતી હતા
પુરાતાત્ત્વિક ખોદકામમાં મળેલી કલાકૃતિઓ માલદીવમાં હિંદુ ધર્મની હાજરીના પુરાવા આપે છે
માલદીવના 1,200 ટાપુઓ પોતાની નૈસર્ગિક સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે
કેટલાક ઇતિહાસકારો માલદીવનાઇસ્લામીકરણનું શ્રેય મોરક્કોથી આવેલા બારબરીને આપે છે
ચીનના ઇશારે આજકાલ ભારત સામે ઝેર ઓકી રહેલું માલદીવ પોતાના ઇતિહાસ અને ખરાબ દિવસોને ભૂલી રહ્યું છે. જ્યારે પણ મદદની જરૂર પડી છે ભારતે સૌથી પહેલાં આ નાનકડા ટાપુદેશને મદદ કરી છે. માલદીવ હિંદ મહાસાગરમાં સ્થિત ક્ષેત્રફળ અને વસ્તીસંખ્યાની દૃષ્ટિએ એશિયાનો સૌથી નાનો દેશ છે. આ મિનિકોય ટાપુ અને ચોપાસ ટાપુસમૂહ વચ્ચે 26 પરવાળાના ટાપુઓમાં ડબલ ચેઇન જેવો ફેલાયેલો છે. તેની નીચે લગભગ 1,200 ટાપુઓ છે, જે પોતાની નૈસર્ગિક સુંદરતા માટે વિશ્વપ્રસિદ્ધ છે. અહીંની સંસ્કૃતિ દક્ષિણ ભારત અને શ્રીલંકા નજીક હોવાના કારણે તેનાથી પ્રભાવિત છે. એક માન્યતા અનુસાર, માલદીવમાં પહેલો માનવ વસવાટ ઈ.સ.પૂ. પાંચમી સદીમાં થયો હતો. આ વાત ઐતિહાસિક તથ્યોની સાથે જ કિંવદંતીઓ પર આધારિત છે. માલદીવના ઐતિહાસિક યુગોનું વર્ણન જુદાં જુદાં પુરાતત્ત્વીય પુરાવા અને ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. જોકે, વ્યાપક રીતે એમ પણ સમજાઈ – સ્વીકારાઈ રહ્યું છે કે માલદીવનો ઇતિહાસ માત્ર ટુકડાઓમાં વહેંચાયેલો નથી, બલકે, માયાવી બની ગયો છે.
ગુજરાત સાથે શું કનેક્શન છે?
જોકે, પુરાતત્ત્વ અને ઇતિહાસકારો એ બાબતે એકમત છે તે માલદીવમાં વસવાટ કરનારા પહેલા નિવાસી મુસ્લિમ નહોતા. તેમના અનુસાર, માલદીવમાં સૌથી પહેલાં આવીને વસનારામાં સંભવતઃ ગુજરાતી ભારતીયો હતા, જે લગભગ ઈ.સ.પૂ. 500માં શ્રીલંકા પહોંચ્યા અને પછી ત્યાંથી માલદીવ આવીને વસી ગયા.
મહાવંશનો અભિલેખ, જે અનુરાધાપુરાના મહાસેનાના કાળ સુધી શ્રીલંકાનો એક જૂનોપુરાણો ઇતિહાસ છે, તેમાં શ્રીલંકાથી માલદીવ પ્રવાસ કરનારા લોકોનું વિવરણ કરવામાં આવ્યું છે. જોકે, કેટલાક ઇતિહાસકારોનો તર્ક છે કે એ પહેલાંના એટલે કે માલદીવ સિંધુઘાટી સભ્યતાના કાળમાં વસ્યું હોય, પણપુરાતાત્ત્વિક ખોદકામ દરમિયાન માલદીવમાંથી મળેલી કલાકૃતિઓ ઇસ્લામકાળ પહેલાં દેશમાં હિંદુ ધર્મની હાજરીના નક્કર પુરાવા આપે છે.
શરૂઆતના નિવાસી કાલીબંગાથી આવેલા
સત્તરમી સદીમાં અલ્લામા અહમદ શિહાબુદ્દીન દ્વારા લિખિત પુસ્તક ફાઇ અથાર મિધુ અલ-કાદિમા (મીધુનાં પ્રાચીન ખંડેરો પર)માં કહેવાયું છે કે માલદીવના પહેલા નિવાસીને ધેવિસના નામે ઓળખવામાં આવતા હતા અને તેઓ ભારતના કાલીબંગા (રાજસ્થાન)થી આવેલા.
માલદીવમાં ઇસ્લામ યુગનો ઉદય
એક અહેવાલ અનુાસર, માલદીવમાં ઇસ્લામનો ઉદય અચાનક બનેલી ઘટના નહોતી, બલકે, બારમી સદીમાં અરબ વેપારીઓ અહીં આવવાની શરૂઆત થઈ હતી. અરબ વેપારીઓએ ત્યારના બૌદ્ધ રાજાઓ સાથે હળવામળવાનું વધાર્યું. બાદમાં, શોધાયેલા તામ્રપત્રો અનુસાર, માલદીવના બૌદ્ધ રાજા ધોવેમી કલામિંજા સિરી થિરિબુવાના – આદિત્થા મહા રાદુને 1153 કે 1193માં ઇસ્લામ અપનાવી લીધો, ત્યાર બાદથી અહીં ઇસ્લામનો પ્રસાર થવા લાગ્યો. ઇતિહાસકારો અનુસાર, પરંપરાગત રીતે માલદીવ હિંદુમાંથી બૌદ્ધ રાષ્ટ્ર બન્યું અને બારમી સદી આસપાસ ફરી તેનું ધર્માંતરણ થયું ને ઇસ્લામ બની ગયું. ઇતિહાસકારોએ તેનું શ્રેય અબુ અલ-બરાકત યુસુફ અલ-બારબરીને આપ્યું છે. જોકે તે સર્વસ્વીકાર્ય નથી. કેટલાક લોકો માલદીવના ઇસ્લામીકરણનું શ્રેય મોરક્કોથી આવેલા બારબરીને આપે છે. ઉત્તર આફરિકાના મુસાફર ઇબ્ન બતૂતા દ્વારા કહેવાયેલી કથાઓ અનુસાર, બારબરી માલદીવના ટાપુઓમાં ઇસ્લામ ફેલાવવા માટે જવાબદાર હતો, જેણે સ્થાનિક રાજા રન્ના મારીને પોતાના અધીન કરી લીધો હતો. માલદીવની લોકકથાઓમાં રાજા રન્નાને એક રાક્ષસ ગણાવાયો છે.
બિહાર અને બૌદ્ધ ધર્મનું કનેક્શન
પુસ્તકમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ટાપુસમૂહમાં ઇસ્લામ ધર્મ ફેલાયા પહેલાં બૌદ્ધ ધર્મ જ પ્રચલિત હતો, જે ઈ.સ.પૂ. ત્રીજી સદી દરમિયાન સમ્રાટ અશોકના વિસ્તાર અભિયાનનો ભાગ રહ્યો હોઈ શકે. ઇતિહાસકારો અનુસાર, માલદીવમાં શોધાયેલા મોટા ભાગના પુરાતાત્ત્વિક અવશેષો બૌદ્ધ સ્તૂપોના છે, જેની સંરચના અર્ધગોળાકાર છે અને જેનો ઉપયોગ બૌદ્ધ ભિખ્ખુઓ અને ભિક્ષુણીઓ દ્વારા ધ્યાન અને મઠો માટે કરાતો હતો.


