- લક્ષદ્વીપનું ઈકો-સિસ્ટમ વધુ પ્રવાસીઓને મંજૂરી નથી આપતું
- સુપ્રીમ કોર્ટના જસ્ટીસ રવિન્દ્રન કમિશને પ્રવાસીઓ મર્યાદત રાખવા કહ્યું
- લક્ષદ્વીપ પર કુલ 36 ટાપુઓમાંથી 10 ટાપુમાં જ વસવાટ છે
ભારત – માલદીવ વિવાદ વચ્ચે લક્ષદ્વીપ સાંસદે દાવો કર્યો છે કે, લક્ષદ્વીપમાં જો વધુ પ્રવાસીઓ આવશે તો અમે આ પ્રવાસીઓને નહીં સંભાળી શકીએ. સાંસદે કહ્યું હતું કે, લક્ષદ્વીપમાં હોટેલો ઘણી ઓછી છે અને સીધી ફ્લાટ્સ પણ ઓછી છે ત્યારે અહીંનું ઈકો સિસ્ટમ વધુ પ્રવાસીઓને મંજૂરી આપતું નથી.
લક્ષદ્વીપ ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલે દાવો કર્યો છે કે, લક્ષદ્વીપમાં જો બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ આવશે તો મોટી સમસ્યા સર્જાશે. તમણે કહ્યું છે કે, લક્ષદ્વીપમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓને હેન્ડલ કરવાની ક્ષમતા નથી. હાલમાં અહીં હોટેલોની સંખ્યા ઓછી છે અને સીધી ફ્લાઇટનો ઘણો અભાવ છે અને જો આ અવરોધો દૂર કરવામાં આવે તો પણ, ટાપુની નાજુક ઇકો-સિસ્ટમને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિણમાં રાખવી પડશે.
સુપ્રીમ કોર્ટના નિયુક્ત જસ્ટિસ રવિદન્દ્રન કમિશન
સાંસદ મોહમ્મદ ફૈઝલે એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લક્ષદ્વીપ એ પરવાળાથી બનેલો ટાપુ છે અને તે અતિસંવેદનશીલ અને પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ નાજુક છે. જેથી સુપ્રીમ કોર્ટના નિયુક્ત જસ્ટિસ રવિદન્દ્રન કમિશને એક ઈ્ટિગ્રેટેડ આઈલેન્ડ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં આયોગના અહેવાલમાં પ્રાવસીઓની સંખ્યા મર્યાદિત રાખવા અને માળખાગત વિકાસ અંગેના સૂચનો પણ કરવામાં આવ્યાં છે.
પ્રવાસીઓએ સંમત થવું પડશે
કમિશને સલાહ આપ્યા બાદ, લક્ષદ્વીપમાં હાલ ઉચ્ચ સ્તરીય નિયંત્રિત પ્રવાસન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે અને આ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ પર અમે નિયંત્રિત પ્રવાસન જાળવીને મહત્તમ આવક મેળવાનું આયોજન કરી રહ્યાં છીએ. લક્ષદ્વીપની મુલાકાતે આવનારા પ્રવાસીઓએ પણ આ વાત સાથે સંમત થવું પડશે કે તેમના દ્વારા અહીંના પર્યાવરણને નુકસાન થાય તેવા કોઈ પ્રયાસો કરવામાં આવશે નહીં.
લક્ષદ્વીપમાં માત્ર 10 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે
લક્ષદ્વીપએ કુલ 36 ટાપુઓનો સમૂહ છે અને જેમાંથી માત્ર 10 ટાપુઓમાં જ વસવાટ છે. અત્યારે ત્યાંની માત્ર 8 થી 10 ટકા વસ્તી જ પ્રવાસન પર નિર્ભર છે અને 32 કિ.મી. ચોરસ વિસ્તારમાં ફેલાયેલા લક્ષદ્વીપના માત્ર અમુક ટાપુઓ જ લોકો માટે ખુલ્લા છે, એટલે કે પ્રવાસીઓને તે ટાપુઓ સિવાય બીજે ક્યાંય જવાની મંજૂરી નથી. હાલ લક્ષદ્વીપના વહીવટદાર પ્રફુલ્લ પટેલ છે.
કેવી રીતે શરૂ થયો ભારત-માલદીવ વિવાદ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ શરૂ થયો હતો. પીએમના લક્ષદ્વીપ પ્રવાસ સાથે જોડાયેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી, જેના પર માલદીવના ત્રણ મંત્રીઓએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ અંગે ભારત દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા પર પણ ભારતીય સોશિયલ યુઝર્સે આને માત્ર મુદ્દો બનાવ્યો જ નહીં પરંતુ માલદીવ જવાને બદલે લક્ષદ્વીપમાં વેકેશન ગાળવાની અપીલ પણ કરી. આ જ કારણ હતું કે ઘણા લોકોએ માલદીવની તેમની આયોજિત યાત્રાઓ રદ કરી હતી. આ આર્થિક ઈજા બાદ માલદીવ્સે ડેમેજ કંટ્રોલના એક પ્રકાર તરીકે ત્રણેય મંત્રીઓને બરતરફ કરી દીધા હતા. જો કે આ દરમિયાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીન સાથે સંબંધોને મજબૂત કરવા પર જોર આપતા જોવા મળ્યા હતા.


