- શિવ જે માંગે એ આપે છે એ એમનો સ્વભાવ છે. એ કારુણિક છે. કારુણિક એટલે કૃપા વરસાવનારા
`રામચરિત માનસ’ના `ઉત્તરકાંડ’ના મંગલાચરણમાં શિવદર્શન થાય છે –
કુન્દઈન્દુદરગૌરસુન્દરં
અમ્બિકાપતિમભીષ્ટસિદ્ધિદમ્
કારુણીકકલકંજલોચનં
નૌમિ શંકરમનંમોચનમ્
આ સુંદર મજાનું શિવદર્શન છે. સૌથી પહેલાં લખ્યું છે, `કુન્દઈન્દુદરગૌરસુન્દરં’ બીજો ભાગ છે, `અમ્બિકાપતિમભીષ્ટસિદ્ધિદમ્’ ત્રીજો ભાગ છે, `કારુણીકકલકંજલોચનં’ અને ચોથો ભાગ છે, `નૌમિશંકરમનંમોચનમ્’
ભગવાન શિવજીનું પહેલું દર્શન કરતાં-કરાવતાં ગોસ્વામીજી કહે છે, કુંદ એટલે કે કુંદ નામનું સફેદ પુષ્પ-ફૂલ. એ નીચેથી નાનું અને લાંબું હોય છે. કુંદનું ફૂલ લગભગ ઘણી જગ્યાએ થાય છે. ભગવાન શિવજી ખૂબ જ ગૌર અને સુંદર છે. શિવદર્શનની વિશિષ્ટતા એ છે કે ગૌર વર્ણ માટે અહીં ત્રણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હે ભોલેબાબા, આપ કુંદ પુષ્પ જેવા ગૌર વર્ણ છો. બીજું, ઈન્દુ એટલે કે ચંદ્ર. ચંદ્રસમાન આપ ગૌર વર્ણ છો અને દર એટલે કે શંખ. શંખ સફેદ હોય છે. આપ શંખસમાન ગૌર-સુંદર છો. એક જ સૌંદર્યને દર્શાવવા માટે ત્રણ દૃષ્ટાંત કેમ આપવામાં આવ્યાં? ત્રણ તત્ત્વોની શ્વેતતા સાથે ગોસ્વામીજી શિવનું દર્શન કરાવે છે. મારી વ્યાસપીઠ કહે છે કે, પુષ્પ એ પૃથ્વીનું પ્રતિનિધિત્વ છે, એ આકાશકુસમ નથી, ધરાકુસુમ છે. શંખ જળમાંથી નીકળ્યો છે, એ સાગરમાંથી નીકળ્યો છે. અસીમ સાગરનું પ્રતિનિધિત્વ શંખ છે અને આકાશનું પ્રતિનિધિત્વ ચંદ્રમા કરે છે. તો કેવા સુંદર છે શિવ? પૃથ્વીની સુંદરતા દર્શાવવા માટે કુંદ અને આખાયે આકાશની શોભાને એક સ્થળે કેન્દ્રિત કરવા માટે ઈંદુ કહેવાયું. તેમજ શંખ એ માટે અફાટ સાગરના સૌંદર્યનું પ્રતિનિધિત્વ કરે છે. પુષ્પ સુગંધ આપે છે, શંખ નાદ આપે છે અને ચંદ્ર સૌમ્ય પ્રકાશ આપે છે. શિવ એ ત્રણેય આપે છે. શિવ પુષ્પની સુગંધ, શંખનો નાદ અને ચંદ્રનો પ્રકાશ આપે છે. શિવ સુગંધ આપે છે, શિવ જેવા કોઈ પણ બુદ્ધપુરુષ સુગંધ આપે છે. આશ્રિતોને એવી અનુભૂતિ હોય છે.
સદ્ગુરુઓની પોતાની સુગંધ હોય છે. સદ્ગુરુ ક્યાંક પણ હોય, જો આપણે ચિત્ત લગાડીએ છીએ તો પીરની ખુશ્બૂ આવવા લાગે છે. એ સાધનાપક્ષનું તત્ત્વ છે. ક્યારેક ગુરુ આકાશમાં બેઠા હોય તો ધરતી પર સુગંધ આવે છે. એની સમાધિઓ મહેકતી હોય છે. તો પુષ્પ સુગંધ આપે છે એટલા માટે કુંદ અને શંખ નાદ કરે છે, ધ્વનિ કરે છે. શંખ યોગ્ય દિશામાં સમુદ્રના તટ પર પડ્યો હોય અને હવા અનુકૂળ થઈ જાય તો શંખ આપોઆપ વાગે છે. શંખનો નાદ એનું નિજી સર્જન છે. સદ્ગુરુનો દેહ ભલે ક્યાંય પણ બેઠો હોય, એમાંથી પણ એક નાદ નીકળે છે અને એ અવાજ આપણા સુધી પહોંચી જાય તો સમજવું કે ગુરુ બોલાવી રહ્યા છે. એ નાદ છે, એ નિમંત્રણ છે. એ ગુરુની પુકાર છે.
ગુરુનું શરીર એક વાદ્ય છે, એક નાદ છે. શંખની જેમ સદ્ગુરુનો એક નાદ હોય છે. અને ત્રીજું, ઈંદુ એટલે કે ચંદ્રનો પ્રકાશ શીતલ છે, સૌમ્ય છે. શિવનો દેહ ચંદ્રમાની માફક ગૌર છે, સુંદર છે. એનો મતલબ એ કે સદ્ગુરુનો દેહ, એમની સ્થૂળ કાયા પણ આપણને સૌમ્ય પ્રકાશ આપે છે. આપણને લાગે કે કોઈ ઠંડક સ્પર્શી રહી છે. ત્રિભુવનમાં ગુરુ ક્યાંય પણ હોય, એ વાગે છે; ત્રિભુવનમાં ગુરુ ક્યાંય પણ હોય એ મહેક છોડે છે; ત્રિભુવનમાં ગુરુ ક્યાંય પણ હોય એ ચાંદની વરસાવે છે. ઈશ્વરકૃપાથી એવા કોઈ બુદ્ધપુરુષનું શરણ મળી જાય અને આપણે ત્યાં સુધી જઈએ તો ઈશ્વર રાજી થઈ જાય. ગુરુનો દેહ સ્વયં પ્રકાશ છે, તો, ખુશ્બૂ પણ સુંદર, અવાજ પણ સુંદર અને પ્રકાશ પણ સુંદર, પુષ્પ કોમળ છે અને શંખ કઠોર છે. ચંદ્ર બંનેનો સમન્વય છે. ચંદ્રને સ્થૂળ રૂપમાં જુઓ તો ત્યાં પણ જમીન છે, પથ્થર છે; અને એની ચાંદની કે એના કિરણને જુઓ તો એ અત્યંત કોમળ છે. એમાં સ્થૂળ કઠોરતા અને કિરણોની સુકોમળતા છે. ગુરુ કોમળ પણ છે, કઠોર પણ છે અને બંનેનું સંમિશ્રિત રૂપ છે. ગુરુ ક્યારેક કઠોર લાગશે, ક્યારેક કોમળ લાગશે.
એક અન્ય દર્શન. ફૂલ રોજ ખીલે છે. સદ્ગુરુ રોજ ખીલે છે. `દિને દિને નવં નવં.’ રોજ નવો નઝારો. રોજ નવી ખુશ્બૂ. સદ્ગુરુ ઘટઘટવાસી હોય છે, પરંતુ વાસી નથી થતા. કુંદની માફક સદ્ગુરુ રોજ ખીલે છે. ફૂલ નિત્ય-નૂતનતાનું પ્રતીક છે. એટલા માટે આપણે ત્યાં ફૂલ ચઢાવવાની બહુ સુંદર પ્રક્રિયા છે. ફૂલ રોજ નવી મુસ્કુરાહટનું પ્રતીક છે. તો, રોજ ખીલવું એ શિવનો સ્વભાવ છે. રોજ નૂતનતા એમનો સ્વભાવ છે.
એક અન્ય અર્થ. પુષ્પ પૃથ્વીનું, શંખ જળનું અને ચંદ્ર આકાશનું પ્રતિનિધિત્વ કરે છે, એનો મતલબ એ કે સદ્ગુરુ જળમાં પણ હોય છે, સદ્ગુરુ સ્થળમાં પણ હોય છે અને સદ્ગુરુ નભમાં હોય છે. સદ્ગુરુ દરેક સ્થળે હોય છે. શિવતત્ત્વ દરેક સ્થળે હોય છે. માણસના કંઠને શંખની ઉપમા આપવામાં આવે છે. એક કથા એવી પણ છે કે, સમુદ્રમાંથી જ્યારે ઝેર નીકળ્યું અને મહાદેવે પીધું ત્યારે શંખમાં લઈને પીધું. શંકર શંખથી વિષપાન કરે છે અને વિષ રાખ્યું છે પણ કંઠમાં. કંઠ પણ શંખ, માત્ર પણ શંખ. શંખ બહુ જ સુંદર છે. આપણી પૂર્વીય ધારામાં શંખનું પ્રતીક બહુ જ સુંદર છે. આપણે ભગવાનને ચતુર્ભુજ કલ્પીએ છીએ, ત્યારે આપણે એમના હાથમાં શંખ પકડાવીએ છીએ. સાધુ-ફકીર પણ પોતાની ઝોળીમાં શંખ રાખ્યા કરે છે. મંદિરોમાં તો શંખ હોય જ છે. શંખધ્વનિ હોય છે. શંખનો ઉપયોગ યુદ્ધમાં પણ થાય છે અને બુદ્ધમાં પણ થાય છે. બધી જગ્યાએ શંખનો ઉપયોગ થાય છે. શંખનો મહિમા અદ્ભુત છે.
`અંબિકાપતિમ્ અભીષ્ટસિદ્ધિદમ્.’ અંબિકા એટલે કે જગદંબા. અંબિકા આખી દુનિયાની મા છે અને આપ અંબિકાના પતિ છો. આ દુનિયામાં અભીષ્ટ સિદ્ધિ આપનારા, વરદાન આપનારા તમારા આપ સિવાય બીજું કોઈ નથી. શિવ જે માંગે એ આપે છે એ એમનો સ્વભાવ છે. એ કારુણિક છે. કારુણિક એટલે કૃપા વરસાવનારા. એ દયાળુ છે, બહુ જ કૃપાળુ છે. કરુણા એમનો સ્વભાવ છે, એટલે તો આપણે એમને કરુણામૂર્તિ કહીએ છીએ. `કલકંજલોચન.’ એટલે કે જેમની આંખો કમળ જેવી છે. કલ એટલે સુંદર, કંજ એટલે કમળ. શિવજીનાં નેત્રો કમળ જેવાં સુંદર છે. કમળ અસંગ છે એટલે ભગવાન શિવની દૃષ્ટિ અસંગ છે. પક્ષપાતી દૃષ્ટિ નથી, અસંગ છે. આંખ અનેક પ્રકારની હોય છે. કેટલીક આંખ શિકારી હોય છે. કેટલીક આંખ પૂજારી હોય છે અને કેટલીક આંખ વિકારી હોય છે. આંખ જોતાં જ ખ્યાલ આવી જાય કે એ આંખ વિકારી છે. આંખ માણસના અંત:કરણની ઝાંખી કરવાનું દ્વાર છે. આંખથી જીવનની ઝાંખી થાય છે. શિવની આંખ કમળની માફક અસંગ છે. `નૌમિ શંકરમનંમોચનમ્’ હે ભોલેનાથ! હું આપને પ્રણામ કરું છું. આપ મારી કામનાઓથી મને છોડાવો છો. એ કામના મારા કાબૂમાં રહે, હું કામનાના હાથમાં ન રહું એવું કરજો. હરિનામ માણસને પતનમાંથી બચાવી લે છે. કળિયુગમાં કેવળ હરિનામથી જ કામ થઈ જાય છે.