- શ્રાવણમાં કઢી યાદ આવે તો બનાવો ફરાળી કઢી
- ફરાળી ખીચડી સાથે માણો કઢીની મજા
- સિંગદાણાની કઢીથી મળશે નવો ટેસ્ટ
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. કેટલાક લોકો એવા હોય છે, જેઓ આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે. આવામાં ઉપવાસીઓ રોજ ફરાળી ખાવાનું ખાઈને કંટાળી જાય છે. રોજ એ જ બટાકાનું શાક, કઢી, સાબુદાણાની ખીચડી અને વડા. પણ જો તમે આ એકસરખી ચીજોથી કંટાળી ગયા છો, તો આજે અમે તમને સિંગદાણાની ફરાળી કઢી બનાવવાના રેસિપિ શીખવાડીશું. સિંગદાણાની કઢી રેગ્યુલર કઢી જેટલી જ સરળ રીતે બને છે. પણ ટેસ્ટમાં એકદમ લાજવાબ હોય છે. એકવાર ચાખશો તો ક્યારેય ગુજરાતી કઢી ફરીથી નહિ બનાવો.
સામગ્રી
- 2 ગ્લાસ છાશ
- 1 કપ સિંગદાણા
- 1 ટેબલ સ્પૂન લીલાં સમારેલા મરચા
- કોથમીર અને મીઠો લીમડો જરૂર મુજબ
- સ્વાદ અનુસાર મીઠું
- પા ચમચી લાલ મરચું
- પા ચમચી ધાણાજીરું
- 2 ચમચી વઘાર માટે તેલ
- 1/2 ટીસ્પૂન જીરું
વઘાર માટે
- તજ
- લવિંગ
- તમાલપત્ર
- આખું લાલ મરચું
- 2 ચમચી ખાંડ
બનાવવાની રીત
સૌથી પહેલા સિંગદાણાને શેકી લો અને તેનો ફોતરા કાઢી લો. હવે તેને મિક્સરમાં બરાબર ક્રશ કરી લો. હવે એક તપેલીમાં છાશ લો. તેમાં સિંગદાણાનો બધો ભૂક્કો મિક્સ કરી દો. હવે કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં મરચા, જીરું, તજ, લવિંગ અને તમાલપત્ર, આખું લાલ મરચું સાંતળો. હવે તેમાં સિંગદાણાવાળી છાશ રેડો. આ પછી તેમાં કોથમીર, લીમડો, લાલ મરચું, હળદર, મીઠું અને ધાણાજીરું એડ કરો. છાશને બરાબર ઉકળવા દો. પરંતુ તેને સતત હલાવતા રહો, નહિ તો સિંગદાણા નીચે ચોંટી જશે. હવે તમે તમારી મરજી મુજબ કઢીને પાતળી કે ઘટ્ટ રાખી શકો છો. બસ, તૈયાર છે તમારી સિંગદાણાની ફરાળી કઢી.