- બેંગલુરુથી 215 કિલોમીટર દૂર છલ્લાકેરેમાં આર્ટિફિશિયલ ક્રેટર્સ બનાવાયા
- આ આર્ટિફિશિયલ ક્રેટર્સ પર કરાયું હતું ચંદ્રયાન-2, 3ના રોવર લેન્ડરનું ટેસ્ટિંગ
- 25 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતા આ ખાસ પ્રકારના ક્રેટર્સ
થોડા સમય પહેલાની વાત છે ઇસરો ચીફ ડૉ. એસ. સોમનાથે એક કાર્યક્રમમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું હતું કે બેંગલુરુથી 215 કિલોમીટર દૂર છલ્લાકેરેમાં આર્ટિફિશિયલ ક્રેટર્સ બનાવવામાં આવ્યા હતા. આ ક્રેટર્સ પર એટલે કે નકલી ખાડાઓ પર ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
આ ક્રેટર્સ ઉલાર્થી કવાલૂમાં બનાવવામાં આવ્યા હતા જે છલ્લાકેરેમાં આવે છે. આ ક્રેટર્સને બનાવવા માટે લગભગ 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ક્રેટર્સને જુદી જુદી ઊંડાઈ, પહોળાઈ, અને જુદા-જુદા પ્રકારના પથ્થરોથી ભરીને બનાવવામાં આવ્યા હતા. જેથી, ચંદ્રયાન-3 અને 2ના રોવર્સનું ટેસ્ટિંગ જુદી જુદી પરિસ્થિતિઓમાં કરી શકાય.
અહીંના તસવીરમાં જે લાલ વર્તુળો દેખાય છે તે ચંદ્રયાન-3 માટે બનાવેલા આર્ટિફિશિયલ ક્રેટર્સ છે. જ્યારે વાદળી રંગના વર્તુળ ચંદ્રયાન-2 માટે બનાવેલા આર્ટિફિશિયલ ક્રેટર્સ છે. આ ક્રેટર્સમાં જ રોવર્સના સેન્સર, થ્રસ્ટર્સ અને અન્ય તકનીકી વસ્તુઓનું પરીક્ષણ થતું આવ્યું છે. કારણ કે, બંને ચંદ્રયાન મિશનમાં લગાવવામાં આવેલા સેન્સર આ ખાડાઓનો અભ્યાસ કરીને સેફ લેન્ડિંગ માટેની જગ્યા શોધી રહ્યા હતા.
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે આ ક્રેટર્સમાં કરાયા અનેક ટેસ્ટિંગ
સાથે જ, રોવર કોઈ મોટા ક્રેટરમાં ન પડી જાય તે માટેની તૈયારી પણ કરવામાં આવી હતી. લેન્ડર લેન્ડિંગ માટે ક્રેટર્સથી દૂર જવાનો પ્રયાસ કરે છે અને સેન્સરની મદદથી સપાટ જગ્યા પર લેન્ડ કરે છે. જેથી, આ ક્રેટર્સ પર પહેલા લેન્ડર અને રોવરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે ઈસરોએ 1000થી વધુ વખત લેન્ડિંગ પ્રેક્ટિસ કરી હતી. આમાંથી સેંકડો આ આર્ટિફિશિયલ ક્રેટર્સમાં કરવામાં આવ્યા હતા.
https://youtu.be/rVOxeWiF8DI?si=eUQfBQvgKJwFGRiI
ઈસરોએ ચંદ્રયાન-2 માટે પણ આવા જ ક્રેટર્સ બનાવ્યા હતા. તેના પર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા પરંતુ ચંદ્ર પર પહોંચ્યા બાદ વિક્રમ લેન્ડર સાથે જે દુર્ઘટના થઈ હતી તેના વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. જે ટેકનિકલ ખામીને કારણે અકસ્માત થયો હતો તેને ચંદ્રયાન-3ના લેન્ડરમાં સુધારી લેવામાં આવી હતી.


