- કોઈ પણ વસ્તુનું સત્ય સમજાય તો ક્ષણમાં જ સમજાય છે – અમુક સમય પછી નહીં
વ્ક્તિ અને સમાજ વચ્ચેના સંબંધોમાં શાબ્દિક સ્થિતિ સૈકાઓથી બહુ જ કાળજીપૂર્વક સ્થાપવામાં આવી છે; તેથી શબ્દ, શબ્દની સ્થિતિ સાથે સામાજિક સ્થિતિ સંકળાયેલી છે તેમજ વ્યક્તિગત સ્થિતિ પણ સંકળાયેલી છે. આપણે જે રીતે સંપર્ક કરીએ છીએ તે પ્રમાણે વાતચીત કરવા માટે સ્મૃતિની જરૂર પડે છે, મારે શબ્દોની જરૂર પડે છે, મને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને તમને પણ અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ; તે જ્ઞાન સેંકડો વર્ષોથી સંપાદિત કરવામાં આવ્યું છે. માત્ર સામાજિક સંબંધોમાં જ શબ્દો વિકસ્યા છે તેવું નથી, પરંતુ આ શબ્દો સામાજિક સંબંધોમાં વ્યક્તિની પ્રતિક્રિયામાં પણ વિકસ્યા છે; શબ્દ જરૂરી છે. પ્રશ્ન એ છે કે યુગોથી સ્વીકારવામાં આવેલાં શબ્દો અને પ્રતીકો-સંકેતો સાથે શાબ્દિક સ્વરૂપ, એ શાબ્દિક સ્થિતિ જેની સાથે જોડાયેલી છે તેને શું તરત જ ભૂંસી શકાય? શું સમય જતાં ધીમેધીમે આપણે યુગો યુગોથી બાંધેલી શબ્દોની જેલમાં મનની જે સ્થિતિ છે તેમાંથી છુટકારો મેળવવાના છીએ કે પછી આપણે તે કેદખાનાને તોડીને તરત જ બહાર આવવું જોઈએ?
હવે કદાચ તમે એમ કહો કે, `તેમાં વાર તો લાગે જ, હું તે તરત જ ન કરી શકું’. આનો અર્થ એ થયો કે તમારી પાસે ઘણાબધા દિવસો હોવા જોઈએ, એટલે કે જે છે તે સ્થિતિ ચાલુ રહે છે, જ્યાં સુધી તમે એ રસ્તાના છેડે ન પહોંચો અને આગળ જવા માટેનો રસ્તો જ ન રહે, ત્યારપછી ભલે તેમાં કોઈ સુધારો થાય, પણ શું તમે તે કરશો? આપણે ભયભીત હોવાને કારણે, આપણે આળસુ છીએ તેથી, આપણે પ્રમાદ કરીએ છીએ એટલે આપણે કહીએ છીએ, `આ બધાંની ચિંતા શા માટે કરવી? તે બહુ જ મુશ્કેલ છે’ અથવા `મને ખબર નથી કે શું કરવું’- તેથી તમે મુલતવી રાખો છો, પરંતુ તમારે શબ્દોના સાતત્યનું સત્ય અને શબ્દોમાં થતા ફેરફારને જોવા-તપાસવા જ જોઈએ.
કોઈ પણ વસ્તુનું સત્ય સમજાય તો ક્ષણમાં જ સમજાય છે- અમુક સમય પછી નહીં. આ પ્રશ્ન કરવાની સાથે જ શું મન તાત્કાલિક કેદખાનાને તોડી શકે? શું મન શબ્દનો આ અવરોધ જોઈ શકે અને એક ઝબકારામાં શબ્દનું મહત્ત્વ સમજી શકે? અને તે સ્થિતિમાં આવી શકે કે જેમાં મન સમયની જાળમાં ફસાયેલું ન હોય? તમને આ અનુભવ તો થયો જ હશે; માત્ર તે જ આપણામાંથી મોટા ભાગના લોકો માટે આ દુર્લભ બાબત છે.