રાજકોટ જિલ્લાની ૨૭૨૦ કન્યાઓને મળ્યો કલ્યાણકારી યોજના “કુંવરબાઈનું મામેરું”નો લાભ
કન્યાઓને ૧ વર્ષમા રૂ.૩૩૩.૪૧ લાખની સહાય અપાઈ
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામક, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલી કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના અનેક દીકરીઓ માટે કલ્યાણકારી સાબિત થઇ છે. રાજકોટ જિલ્લામાં ૨૦૨૩-૨૪ના ૧ વર્ષ દરમ્યાન જિલ્લાની અનુ. જાતિની ૨૭૨૦ કન્યાઓને રૂ.૩૩૩.૪૧ લાખની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના પરિવારની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થવાના હેતુથી લગ્ન ખર્ચને પહોંચી વળવા માટે રૂ.૧૨,૦૦૦/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર છે. જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તાર બંન્ને માટે રૂ. ૬,૦૦,૦૦૦/- રાખવામાં આવી છે.
આ યોજનાનો લાભ લેવા માટે કન્યાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો, કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે, સ્વ-ઘોષણા Self-Declaration જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો સહિતના દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહે છે.