– પેમેન્ટની આવકના સંદર્ભમાં ભારત હવે ફક્ત ચીન, અમેરિકા, બ્રાઝિલ અને જાપાનથી પાછળ
Updated: Oct 8th, 2023
અમદાવાદ : ભારતમાં મોટાભાગના ડિજિટલ કે ઓનલાઈન વ્યવહારો મફત છે. એપ્રિલ ૨૦૨૩થી મોબાઇલ-ફોન વોલેટ દ્વારા ૨૦૦૦ રૂપિયાથી વધુની ચૂકવણી પર ૧.૧ ટકા ચાર્જ વસૂલવાનું શરૂ થયું છે પરંતુ આ ચાર્જ પણ કોઈ અન્ય પ્લેટફોર્મના ક્યુઆર કોડને સ્કેન કરીને ચૂકવણી કરવા પર જ લાગુ થશે. જો ક્યુઆર કોડ મોબાઇલ વોલેટ કે પેમેન્ટ એપ જેવા જ પ્લેટફોર્મનું હોય તો તેના પર કોઈ ચાર્જ લાગશે નહીં જ્યારે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ, લોકો માટે અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે મફત છે.
મેકિન્સે એન્ડ કંપનીના તાજેતરના વૈશ્વિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે મફત ઓનલાઈન કે ડિજિટલ કે કેશલેસ વ્યવહારોની સુવિધા હોવા છતાં ભારતની પેમેન્ટ આવક ગત વર્ષે વધીને ૬૪ અબજ ડોલર થઈ ગઈ છે. ભારતીય ચલણમાં આ આંકડો અંદાજે રૂ. ૫.૩૧ લાખ કરોડ થાય છે.
બ્લૂમબર્ગ પર પ્રકાશિત એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે પેમેન્ટની આવકના સંદર્ભમાં ભારત હવે ફક્ત ચીન, અમેરિકા, બ્રાઝિલ અને જાપાનથી પાછળ છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના વધતા ચલણને કારણે ડિજિટલ કોમર્સમાં વધારો થયો છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ વધ્યો છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારતમાં ૧૦ અબજથી વધુ કેશલેસ વ્યવહારો થયા છે. આ તમામ વ્યવહારો ઓનલાઈન થયા હતા. મોબાઈલ-ફોન વોલેટ દ્વારા કરવામાં આવેલ રૂ. ૨૦૦૦ થી વધુની ચૂકવણી પર ૧.૧ ટકા ચાર્જ મર્ચન્ટ પાસેથી તેના ફોનપે, પેટીએમ જેવા ક્યુઆર કોડ સર્વિસ પ્રોવાઈડરને જાય છે.
ઓપિનિયન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બેંકો કેટલાક મોટા ટ્રાન્ઝકેશન કરનારા યુઝર્સ પર અમુક ચાર્જ લગાડવાનો પ્રયાસ કરે છે અને સરકાર બેંકોને ઓછા મૂલ્યના ઓનલાઈન ટ્રાન્ઝેકશનોને પ્રોત્સાહિત કરવા અને સ્ટ્રીટ વેન્ડર્સને ઔપચારિક ક્રેડિટ પ્રદાન કરવા માટે ડિસ્કાઉન્ટ પેટે નાણાં આપે છે. તેમ છતાં ઘણી બેંકો ફરિયાદ કરે છે કે તેમને વધતી ઓનલાઈન પેમેન્ટનો લાભ લેવાથી રોકવામાં આવી રહી છે.