ટ્રાફિકગ્રસ્ત રાજમાર્ગો પર પે એન્ડ પાર્કિંગના પીળા પરવાના આપ્યા એ કોને કહેવા જવું?
મુખ્યમાર્ગો પર થતા પાર્કિંગ દૂર કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવાના બદલે એ જ જગ્યાએ સતાવાર દબાણ કર્યુ, સમસ્યા જૈસે થે વૈસે!
રાજકોટમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મનપા અને પોલીસ તંત્ર દ્વારા બનતો નવો પાર્કિંગ મેપ(પાર્કિંગ પોલીસી) બેશક આવકારદાયક છે. પણ અહીં પે એન્ડ પાર્કિંગના નામે ખુદ મહાપાલિકાએ જ અત્યાર સુધીમાં અનેક રોડ પર પાર્કિગ ફીના નામે ઉઘાડી લૂંટના પીળા પરવાના આપી દીધા છે એ કોને કહેવા જવુ?! ૪૮ રાજમાર્ગો પર જ્યા પીળા પટ્ટા કરીને જનતા મફત પાર્કિંગ કરી શકતી હતી ત્યાં પે એન્ડ પાર્કિંગના નામે લોકોના ખિસ્સા હળવા કરવામા આવી રહ્યા છે. અહીં ઘાટ તો એવો સર્જાય છે કે ગાંડી ડાહીને શિખામણ આપે.
રાજકોટમાં પાર્કિંગને લઇને વધતી ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગ માટે સર્જાતા પ્રશ્નોના ઉકેલ માટે તાજેતરમાં જ મહાનગરપાલિકા અને પોલીસ વચ્ચે થયેલા સંકલન મુજબ નવો પાર્કિંગ મેપ(પાર્કિંગ પોલીસી) બનાવવા કવાયત શરૂ થવા જઇ રહી છે. તેમા એક મુદ્દો એવો છે કે, જેનાથી મોટો વિવાદ પણ થઇ શકે છે. આ મુદ્દો એ છે કે, શહેરના રાજમાર્ગો, કે મેઇન રોડ પર આવતા લો-રાઇઝ કે હાઇ-રાઇઝ એપાર્ટમેન્ટમાં ગેસ્ટ પાર્કિંગ બહાર જ કરાવવામા આવે છે. તેની સામે કડક પગલાં તોળાઇ રહ્યા છે. તર્ક એવો છે કે, મેઇન રોડ પર આવતા એપાર્ટમેન્ટની બહાર વાહન પાર્કિંગના થપ્પા પડ્યા રહેતા હોય તેનાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. તર્ક એશક સાચો જ છે. પણ બીજીબાજુ એક હકિકત એ પણ છે કે, ખુદ મહાપાલિકાએ જ રાજમાર્ગો પર પે એન્ડ પાર્કિંગના પીળા પરવાના આપીને સતાવાર દબાણ કરેલુ છે. જેના લીધે રાજમાર્ગો પરની ટ્રાફિક સમસ્યા માથાફાડ બની ગઇ છે.
હાલ મનપાએ જે સ્થળે પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટ અપાયા છે. જેમા યાજ્ઞિક રોડ, એવીપીટી ગર્લ્સ હોસ્ટેલ, ડો.દસ્તુરમાર્ગ, ટાગોર માર્ગ, કાલાવડ રોડ પર અલગ અલગ પોઇન્ટ પર એ સહિતના સ્થળમાંથી મોટાભાગના જાહેર માર્ગ પર જ છે.