માધાપર ચોકડી પાસે ગાંધીગ્રામના વૃધ્ધનું તો મહિકાના પ્રોઢનું રામવન પાસે મોત : કુવાડવા રોડ પર ૨૯ વર્ષિય યુવાનનો જીવ લઇ કારચાલક પલાયન
રાજકોટમાં વધતા જતા અકસ્માતના બનાવો વચ્ચે હીટ એન્ડ રનથી બે દિવસમાં એક યુવાન અને બે પ્રૌઢ સહિત ત્રણના જીવ ગયા છે. માધાપર ચોકડી પાસે ગાંધીગ્રામમાં રહેતા સસ્તા અનાજના વેપારીનું તો મહિકા ગામે રહેતા એક પરપ્રાંતિય આધેડનું મોત નિપજ્યુ હતુ. જ્યારે કુવાડવા હાઇ-વે પર સર્વિસ રોડ પર ચાલીને જતા યુવાનનો જીવ કારચાલકે લીધો હતો. આ ત્રણેય ઘટનામાં અકસ્માત ચાલક નાસી છૂટ્યા હતા.
પ્રથમ બનાવમાં મંગળવારે માધાપર ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમા ગાંધીગ્રામમાં રહેતા પ્રોઢ બેડી ગામે તેમની સસ્તા અનાજની દુકાનેથી પરત આવતા હતા ત્યારે અજાણ્યા વાહનની ઠોકરે મૃત્યુ થયુ હતુ. એ પછી તેના બીજા જ દિવસે ગઇકાલે બનેલી ઘટનાઓમાં મહિકામાં આવેલી રઘુનંદન સોસાયટીમાં રહેતા વિનોદરાવ વિઠ્ઠલરાવ પાથર નામના આધેડ મોટરસાયકલ લઇને રામવન પાસેથી પસાર થતા હતા. રામવનથી થોડે જ આગળ નીકળ્યા હતા ત્યા પાછળથી કોઇ અજાણ્યા વાહનચાલકે ઠોકરે લીધા હતા.
વાહનની અડફેટે વિનોદરાવ ફંગોળાયા હતા. તેના મોટરસાયકલનો પણ કચ્ચરઘાણ નીકળ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા વિનોદરાવનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતુ. બીજીબાજુ અકસ્માત સર્જનાર અજાણ્યો વાહનચાલક ત્યાથી નાસી છૂટ્યો હતો. મૃતક પરપ્રાંતિય હોવાનું જાણવા મળે છે.
જ્યારે અન્ય ઘટનામાં કુવાડવાથી આગળ હાઇવે નજીક સર્વિસ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્યો કાર ચાલક ઠોકર મારી ભાગી જતાં રાજસ્થાન બાડમેરના શેરારામ કાનારામ મેઘવાળ (ઉ.વ.૨૯)નું ગંભીર ઇજા થતાં મોત થયું હતું.
શેરારામ ચાર પાંચ વર્ષથી કુવાડવાથી આગળ આવેલી બોમ્બે સુપર કંપનીમાં નોકરી કરતો હતો. રાત્રે ચાલીને નાસ્તો લેવા જતો હતો ત્યારે કોઇ કારનો ચાલક ઉલાળીને ભાગી ગયો હતો. સારવાર દરમિયાન ગત સાંજે દમ તોડી દીધો હતો. મૃતક ત્રણ ભાઇમાં નાનો હતો. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂએ એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.