- દક્ષિણ કેલિફોર્નિયા યુનિ.માં મેડિસિન વિભાગમાં નિદ્રા વિશેષજ્ઞ ડૉક્ટર રિચાર્ડ કાસ્ટ્રિયોટ્ટાનો દાવો
- વ્યક્તિ 24 કલાક કરતાં પણ વધારે સમય ઊંઘ વગર પસાર કરે તો પછી તે જાણે નશામાં હોય તેવી અનુભૂતિ કરી શકે
- એક ખરાબ રાતના નુકસાનને ભરપાઈ કરવા અનેક રાતમાં લાંબી ઊંઘની જરૂર
કોઈ રાતમાં માંડ છ કલાક કરતાં પણ ઓછી ઊંઘ મળે તો તે પછીના દિવસે તેને પરિણામે વ્યક્તિની શોર્ટ ટર્મ મેમરી અવરોધાઈ શકે છે. જો વ્યક્તિ 24 કલાક કરતાં પણ વધારે સમય ઊંઘ વગર પસાર કરે તો પછી તે જાણે નશામાં હોય તેવી અનુભૂતિ કરે છે. આ દાવાઓ અમેરિકાના વૈજ્ઞાનિકો અને ચિકિત્સકોએ કર્યો છે. દક્ષિણ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં મેડિસિન વિભાગમાં નિદ્રા વિશેષજ્ઞ ડૉક્ટર રિચાર્ડ કાસ્ટ્રિયોટ્ટા અનુસાર કોઈ રાતમાં છ કલાક કરતાં ઓછી ઊંઘ મળી હોય તો તે વ્યક્તિમાં યાદશક્તિ બનાવવામાં અને ભવિષ્યમાં આ વાતોને ફરીથી યાદ કરવામાં અવરોધ પેદા કરી શકે છે. જો કે ઊંઘની કમી દરેકે દરેક વ્યક્તિને એકસમાન પ્રભાવિત કરતી નથી, જો કે દિમાગ પર તેની અસર જરૂર થતી હોય છે. પેન મેડિસિનમાં નિદ્રા વિશેષજ્ઞ ડૉક્ટર ઇંદિરા ગુરુભગવતુલા ઉદાહરણ આપે છે કે તેના કારણે નાની નાની વાતો જેવી કે ચાવી ક્યાં રાખી છે, કેટલાક પરિચિત નામો શું છે વિગેરે ભૂલી જવાય છે.
એક ખરાબ રાતના નુકસાનને ભરપાઈ કરવા અનેક રાતમાં લાંબી ઊંઘની જરૂર
આપણા માથાના સામેના હિસ્સા ફ્રન્ટલ લોબનું કામ યાદને રિપીટ કરવી અને કામને પૂર્ણ કરવામાં મદદ કરવાનું છે. વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિનના બિહેવિયરલ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર માઇકલ રોસેનબ્લૂમ અનુસાર ઊંઘની કમીથી તેના પર પણ નકારાત્મક અસર થાય છે. ડૉ. ઇંદિરા કહે છે કે એક રાતની ખરાબ ઊંઘથી જે નુકસાન થાય છે તેને ભરપાઈ કરવા માટે અનેક રાતો સુધી લાંબી ઊંઘ ખેંચવી જરૂરી હોય છે. જેમજેમ વયમાં વધારો થાય તેમતેમ આ નુકસાનને ભરપાઈ કરવામાં વધારે સમય લાગે છે.
ઓછી ઊંઘ REM સ્લીપ માટે જોખમકારક
ઊંઘથી મળેલા આરામ બાદ આપણું દિમાગ નિદ્રા સમયે પાછલા દિવસ દરમિયાન બેનાલ ન્યૂરોન્સની વચ્ચેના સંપર્કોને મજબૂત અને સંયોજિત કરે છે. નિષ્ણાતો માને છે કે આ દરમિયાન રેપિડ આઈ મૂવમેન્ટ(રેમ) સ્લીપ પ્રક્રિયા પૂર્ણ થાય છે. ડૉ. ઇંદિરા અનુસાર આ રેમ સ્લીપ જ યાદગીરીને આપણા મસ્તિષ્કમાં હંમેશા માટે લોક કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આમ પૂરો આરામ મળ્યા બાદ ચાલુ રહેતી આપણી ઊંઘ કોઈ નિષ્ક્રિય પ્રક્રિયા નથી. તેથી ઓછી ઊંઘ રેમ સ્લીપ માટે જોખમકારક છે.
નજર સામેની ઘટના પણ સારી રીતે યાદ રહેતી નથી
જો તમે સારી રીતે ઊંઘ્યા ના હોવ તો તમારી નજર સામે જ બની રહેલી ઘટના પર પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં મુશ્કેલી
પડે છે. સ્ટેનફોર્ડ યુનિ.માં ન્યુરોલોજી અને ન્યુરોલોજિકલ સાયન્સિસના પ્રોફેસર ડૉક્ટર શેરોન શા ઉદાહરણ આપે છે. તેણી કહે છે કે આપણું દિમાગ ત્યાં પૂર્ણ રીતે હાજર જ નથી હોતું તેથી તેમાં અંકિત થઈ રહેલી માહિતી પણ સીમિત રહી જાય છે. તેને પરિણામે પાછળથી આ ઘટનાને યાદ કરવામાં મુશ્કેલી પડે છે.


