મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સતત ચોથી વખત રેપો રેટ જાળવી રાખતા વ્યાજ દર સાથે સંવેદનશીલ એવા ક્ષેત્રની કંપનીના શેરોની આગેવાની હેઠળ શેરબજારમાં સુધારો આગળ ધપ્યો હતો. જો કે બેન્ચમાર્ક બીએસઈ સેન્સેકસ સપ્તાહ અંતે ૬૬૦૦૦ની ઉપર બંધ રહેવામાં નિષ્ફળ રહ્યો હતો. વ્યાજ દરમાં વધારો નહીં કરાતા આગામી દશેરા-દિવાળીના તહેવારોમાં રહેઠાણ તથા વાહનો માટેની માગ નીકળવાની અપેક્ષાએ આ ક્ષેત્રના શેરોમાં લેવાલી નીકળી હતી.
આ ઉપરાંત રેપો રેટમાં સ્થિરતાને કારણે બેન્કો પર હાલમાં દબાણ નહીં વધે તેવી ધારણાંએ પસંદગીના બેન્ક શેરોમાં કરન્ટ જોવા મળ્યો હતો. આઈટી કંપનીઓની બોર્ડ મીટિંગ સાથે આવતા સપ્તાહથી વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત થવાનું શરૂ થશે જે બજારની હવે પછીની ચાલ નિશ્ચિત કરનારા બની રહેવા અપેક્ષા છે. બીએસઈ સેન્સેકસ ૩૬૪.૦૬ વધી ૬૫૯૯૫.૬૩ બંધ રહ્યો હતો જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ ૧૦૭.૭૫ વધી ૧૯૬૫૩.૫૦ બંધ આવ્યો હતો.
નિફટી બેન્ક ઈન્ડેકસ ૧૪૭ પોઈન્ટ ઉછળી ૪૪૩૬૦
રિઝર્વ બેન્કની નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં રેપો રેટ જાળવી રાખવાના નિર્ણય બાદ બેન્ક શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સતત ચોથી વખત વ્યાજ દર જાળવી રખાતા બેન્કો પર દબાણ નહી વધે તેવી ગણતરીએ પસંદગીના શેરોમાં રોકાણકારોની લેવાલી નીકળી હતી. ઈન્ડસઈન્ડ બેન્ક રૂપિયા ૩૨.૯૫ વધી રૂપિયા ૧૪૩૪.૮૦, બંધન બેન્ક રૂપિયા ૩.૬૫ વધી રૂપિયા ૨૫૨.૯૦, બેન્ક ઓફ બરોડા રૂપિયા ૨.૭૫ વધી રૂપિયા ૨૧૫.૩૦ બંધ રહ્યો હતો. આ ઉપરાંત ફેડરલ બેન્ક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રામાં પણ આકર્ષણ જોવા મળ્યું હતું.
વ્યાજ દરમાં સ્થિરતાથી વાહનોના વેચાણ વધવાની અપેક્ષાએ ઓટો શેરોમાં આકર્ષણ
આરબીઆઈએ સતત ચોથી વખત વ્યાજ દરમાં સ્થિરતા જાળવતા આગામી દશેરા-દિવાળીના તહેવારોમાં વાહનોની માગ નીકળવાની ધારણાંએ ઓટો શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ભારત ફોર્જ રૂપિયા ૨૨ વધી રૂપિયા ૧૦૯૧.૯૦, બોસ્ચ રૂપિયા ૩૭૩.૫૦ વધી રૂપિયા ૧૯૩૦૩.૯૫, મારૂતિ સુઝુકી રૂપિયા ૯૧.૯૦ વધી રૂપિયા ૧૦૩૦૨ બંધ રહ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ટુ વ્હીલર્સનું વેચાણ વધવાની શકયતાએ હીરો મોટોકોર્પ રૂપિયા ૨૧.૩૫ વધી રૂપિયા ૩૦૩૮, ટીવીએસ મોટર રૂપિયા ૩.૧૦ વધી રૂપિયા ૧૫૦૧.૨૫ રહ્યો હતો.
પરિણામોની મોસમ પૂર્વે આઈટી સેવા ક્ષેત્રની કંપનીના શેરોમાં સટ્ટારૂપી લેવાલી
આવતા સપ્તાહથી આઈટી સેવા ક્ષેત્રની કંપનીઓની બોર્ડ મીટિંગ સાથે વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની મોસમનો પ્રારંભ થઈ રહ્યો હોય તે પહેલા આઈટી કંપનીઓના શેરોમાં રોકાણકારોની સટ્ટારૂપી લેવાલી નીકળી હતી. ટીસીએસ ૧૧મી ઓકટોબરની બોર્ડ મીટિંગ પહેલા રૂપિયા ૩૨ વધી રૂપિયા ૩૬૨૧.૪૦ બંધ રહ્યો હતો.
ત્રિમાસિક પરિણામો તથા વચગાળાના ડિવિડન્ડની વિચારણા કરવા આઈટી કંપની ઈન્ફોસિસઝની ૧૨ ઓકટોબરના બોર્ડ મીટિંગ મળી રહી હોય તે પૂર્વે કંપનીના શેર ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ભાવ રૂપિયા ૧૫.૨૫ વધી રૂપિયા ૧૪૭૮.૭૦ બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા રૂપિયા ૧૧.૩૦ વધી રૂપિયા ૧૨૧૬.૯૦ બંધ રહ્યો હતો. કંપનીની બોર્ડ મીટિંગ ૨૫ ઓકટોબરે મળી રહી છે. નિફટી આઈટીના અન્ય ઘટક શેરો વિપ્રો, એલએન્ડટી ટેકનોલોજી, એચસીએલ ટેકમાં પણ સુધારા તરફી પવન રહ્યો હતો.