- પરીક્ષાના અડધો કલાકમાં જ મોકૂફ જાહેર કરાઈ, ભાવનગરમાંથી 450 કેડેટ્સે પરત ફરવું પડયું
- અમદાવાદ, રાજકોટ, સુરત, ભુજ સહિત દેશના હજારો કેડેટ્સની મહેનત પર પાણી ફરી વળ્યું
- પરીક્ષાર્થીઓની હાજરી પુરવાનું કામ કરતા હતા તે સમયે પરીક્ષા મોકૂફ્ રાખવાનો મેસેજ આવ્યો
દિલ્હી સ્થિત ડીજીએનસીસી દ્વારા આજે રવિવારના લેવાયેલી એનસીસી આર્મી વિંગ સી લેવલની સર્ટિફિકેટ પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થતા ભાવનગરમાં પરીક્ષા આપવા માટે આવેલા 450 કેડેટ્સે પરીક્ષા આપ્યા વિના જ વતન પરત ફરવું પડયું હતું. જેને લીધે પરીક્ષા આપવા માટે આવેલા કેડેટ્સના નાણાં અને અમૂલ્ય સમય વેડફાયો હતો. એનસીસી આર્મી વિંગ સી લેવલની સર્ટિફિકેટ પરીક્ષા ચાલુ થયાના અડધો કલાકના સમય પહેલા જ પરીક્ષા નહીં લેવા માટેની પરીક્ષા કેન્દ્રો પર સૂચના આવતા પરીક્ષા સ્થગિત કરી દેવાઈ હતી. પરીક્ષા સ્થગિત થતા અથાગ પરિશ્રામ કરનારા કેડ્ટસનું શમણું રોળાઈ ગયું હતું. પેપર લીક કરનાર સામે સરકાર કડક કાયદો હજુ લાવી જ છે ત્યાં જ આજે રવિવારે ફરીને પેપર લીકકાંડને લઈ ભાવનગર સહિત રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, ભુજ સહિતના દેશના હજારો કેડેટ્સની મહેનત પર પેપર લીક કરનારા તત્ત્વોએ પાણી ઢોળી દીધુ હતું.
સૈન્યની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફેર્સ એનસીસી આર્મી વિંગ સી લેવલની સર્ટિફિકેટ પરીક્ષા આજે રવિવારના સવારના 9-30 કલાકે લેવાની હતી. આ પરીક્ષામાં બેસવા માટે અડધા સૌરાષ્ટ્રના NCC કેડેટ, 3 ગુજરાત બટાલિયન્સના ભાવનગર સ્થિત શામળદાસ આર્ટસ કોલેજ ખાતે કેડ્ટસોએ સવારે 8.30 કલાકે રીપોર્ટીંગ કરવાનું હતું. 9.30 કલાકે પરીક્ષા ખંડમાં પેપર આપવાનું હતું. પેપર લેવાય તે પહેલા જ કેડેટ્સની હાજરી પુરાતી હતી, તે સમયે જ જવાબદાર અધિકારી પર પેપર ફૂટવાને લીધે પરીક્ષા મોકૂફ્ રાખવામાં આવી હોવાનો મેસેજ આવતા 450 જેટલા કેડેટ પરિક્ષાર્થીઓને તત્કાલ પરીક્ષા મોકૂફ્ રાખવામાં આવી છે. હવે પછી તારીખ જાહેર કરવામાં આવશે તેમ સૂચના આપવામાં આવતા કેડેટ્સના પગ નીચેથી જમીન સરકી ગયાનો અહેસાસ થયો હતો. આ પરીક્ષા સુધી પહોંચવા માટે વર્ષોની મહેનત, NCC કેમ્પ કર્યા બાદ સંજોગ અને સમય અનુકૂળ હોઈ તો જ કેડેટ્સ પહોંચી શકતો હોય છે. સૈન્યની ત્રણેય પાંખમાં જવા માટે એન.સી.સી -સી સર્ટીફ્કિેટમાં સફ્ળતા મળે તો લેખિત પરીક્ષા દેવાની રહેતી નથી. આ પરીક્ષામાં કેડેટ્સનું ભવિષ્ય સમાયેલું હોય તેવું કેડ્ટસ માનતા હોય છે. કેડેટસના આ સ્વપ્ના પર હાલ પૂરતું પાણી ફરી ગયું છે.
પેપર ગુજરાત બહારથી ફૂટયું
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમોને આશરે 9 વાગ્યે પરીક્ષાર્થીઓની હાજરી પુરવાનું કામ કરતા હતા તે સમયે પરીક્ષા મોકૂફ્ રાખવાનો મેસેજ આવ્યો હતો. ગુજરાત બહારથી પેપર ફૂટયાની અટકળો તેજ બની છે.
બોટાદ, અમરેલી, કેશોદથી પરીક્ષા આપવા માટે કેડેટ્સ આવ્યા હતા
મહુવા, બોટાદ, તળાજા, કેશોદ, સુરેન્દ્રનગર, અમરેલી અને સાવરકુંડલાના કેડેટ્સ પરીક્ષા આપવા માટે ભાવનગરની શામળદાસ આર્ટસ કોલેજ ખાતે આવ્યા હતા.તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સુરત, અમદાવાદ ભુજ, રાજકોટમાં પણ પરીક્ષા લેવાની હતી
ડીજીએનસીસી દિલ્હી દ્વારા આજે રવિવારના એનસીસી આર્મી વિંગ સી લેવલની સર્ટિફિકેટ પરીક્ષા માત્ર ભાવનગર જ નહીં પરંતુ રાજકોટ, ભુજ, સુરત, અમદાવાદ સહિતના સેન્ટરો પર પણ પરીક્ષા લેવાની હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
1971ના યુદ્ધમાં NCC કેડેટ્સનો ઉપયોગ કરાયો હતો
સૂત્રોએ જણાવ્યું હતું કે, NCCની તમામ પરીક્ષા પાસ કરનાર અડધા સૈનિક ગણાય છે. 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં કેડેટ્સને પણ કેટલીક જવાબદારી સોંપવામાં આવી હતી.


