- ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં કેન્દ્રીય ગૃહપ્રધાનના વિપક્ષો પર આકરા પ્રહાર
- દરેક વ્યક્તિનો વિકાસ કરવાનું કામ માત્ર મોદીજીના 10 વર્ષના શાસનકાળમાં થયું
- પહેલીવાર સન્માન અને ભાગીદારી અપાવવાનું કામ ભાજપની મોદી સરકારે કર્યું
દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે વિરોધપક્ષો પર શાબ્દિક પ્રહારો સાથે દાવો કર્યો કે ભાજપ એકમાત્ર એવો પક્ષ છે કે જ્યાં એક બુથ કાર્યકર રાષ્ટ્રપતિ પણ બની શકે છે અને વડાપ્રધાન પણ બની શકે છે. હું કોંગ્રેસને ચેતવણી આપું છું કે તમે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવીને આ ઐતિહાસિક પળના ભાગીદાર બનવામાં ખચકાટ રાખવાની સાથોસાથ દેશને મહાન બનાવવાની પ્રક્રિયાથી પણ પોતાને અલગ કરી લીધા છે. દેશની જનતા બધું જોઇ પણ રહી છે અને યાદ પણ રાખશે. 75 વર્ષમાં આ દેશે 17 લોકસભા ચૂંટણી, 22 સરકારો અને 15 વડાપ્રધાન જોયા છે. દરેક સરકારે સમયને અનુકૂળ વિકાસ કરવાના પ્રયાસ કર્યા છે પણ આજે હું કોઇ જ કન્ફ્યુઝન વિના કહી શકું છું કે સમગ્ર વિકાસ, દરેક ક્ષેત્રનો વિકાસ અને દરેક વ્યક્તિનો વિકાસ કરવાનું કામ માત્ર નરેન્દ્ર મોદીજીના 10 વર્ષના શાસનકાળમાં થયું છે. દેશે નક્કી કરી લીધું છે કે પીએમ મોદી ફરી વડાપ્રધાન બનશે. તેમાં કોઇ શંકા નથી. તેમણે દેશને ભ્રષ્ટાચાર, તુષ્ટીકરણ, જ્ઞાતિવાદ, વંશવાદથી મુક્ત કરી વિકાસની રાજનીતિ સ્થાપિત કરી છે. તેઓ આપણને ધીમે-ધીમે કોલોનિયલ માનસિકતાથી દૂર કરી રહ્યા છે, જે કામ આઝાદી બાદ તરત થવું જોઇતું હતું પણ કોંગ્રેસે ક્યારેય આ બાબતની ચિંતા ન કરી. કોંગ્રેસે અને I.N.D.I.A ગઠબંધને દલિતો, આદિવાસીઓ અને પછાતોનો એક વોટબેંક તરીકે બહુ ઉપયોગ કર્યો પણ તેમને પહેલીવાર સન્માન અને ભાગીદારી અપાવવાનું કામ ભાજપની મોદી સરકારે કર્યું.
અમે હિંસાપીડિત : ગૃહપ્રધાન
અમિત શાહે એમ પણ કહ્યું કે કેરળમાં આપણા 100થી વધુ કાર્યકરો શહીદ થયા, 300થી વધુ દિવ્યાંગ થયા છે. ત્યાં I.N.D.I.A ગઠબંધનનું શાસન છે. બંગાળમાં આપણા સેંકડો કાર્યકરોની હત્યા થઇ. ત્યાં ચૂંટણીમાં હંમેશા ગેરરીતિ, હિંસા થતી રહી. ત્યાં I.N.D.I.A ગઠબંધન અને મમતા બેનરજીનું શાસન છે. આપણે પોતે હિંસાપીડિત છે. હિંસા ફેલાવનાર ઘમંડિયા ગઠબંધન છે, તે દરેક બાબતનો વિરોધ કર્યા કરે છે. તેમણે કલમ 370 હટાવવાનો, ત્રણ તલાક નાબૂદીનો, ઓબીસી કમિશનનો વિરોધ કર્યો. નારીશક્તિ વંદન આડે પણ તેમણે અવરોધો ઊભા કર્યા હતા.
રામમંદિર હજાર વર્ષો માટે રામરાજ્યનો સંકેત
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં રવિવારે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ પર પ્રસ્તાવ પણ પાસ કરાયો, જેમાં જણાવાયું છે કે આ મંદિરનું નિર્માણ દેશમાં આગામી હજાર વર્ષો માટે રામરાજ્યની સ્થાપનાનો સંકેત છે. ગાંધીજીના હૈયે પણ રામરાજ્ય હતું. તેઓ કહેતા હતા કે આદર્શ લોકશાહીનો અર્થ જ રામરાજ્ય છે. અયોધ્યાની પ્રાચીન પવિત્ર નગરીમાં શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ દેશ માટે એક ઐતિહાસિક અને ગૌરવશાળી ઉપલબ્ધિ છે.


