– છેલ્લા ચાર વર્ષમાં પૂરી પડાતી કુલ લોનમાં સિકયોર્ડ લોનનું પ્રમાણ ઘટી રહ્યાનું ચિત્ર
– પૂરતી જોખમ સંચાલન યંત્રણા અપનાવવા રિઝર્વ બેન્કની સૂચના
Updated: Oct 10th, 2023
મુંબઈ : ચોક્કસ પ્રકારની અનસિક્યોર્ડ લોન્સ મેળવવાની માત્રામાં છેલ્લા ચાર વર્ષમાં ૯૩ ટકા જેટલો વધારો થયો છે. ઓગસ્ટ ૨૦૧૯થી ઓગસ્ટ ૨૦૨૩ના ગાળામાં કન્ઝયૂમર ડયૂરેબલ્સ, ક્રેડિટ કાર્ડ ફન્ડિંંગ તથા અન્ય પરસનલ લોન્સમાં રૂપિયા ૬.૯૦ ટ્રિલિયન જેટલો વધારો થઈ તે રૂપિયા ૧૪.૩૦ ટ્રિલિયન (લાખ કરોડ) પર પહોંચી ગયાનું રિઝર્વ બેન્કના આંકડા પરથી જણાય છે.
સિક્યોર્ડ લોન્સની સરખામણીએ અનસિક્યોર્ડ લોન્સ જોખમી હોય છે કારણ કે તે કોલેટરલ વગર પૂરી પાડવામાં આવે છે. સિક્યોર્ડ લોન્સની નિષ્ફળતામાં બેન્કો કોલેટરલ વેચીને નાણાં મેળવી શકે છે.
ગયા સપ્તાહમાં નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ આરબીઆઈએ બેન્કો તથા નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓને અનસિકયોર્ડ લોન્સ બાબત સંભાળ લેવા તાકીદ કરી હતી.
અનસિકયોર્ડ લોન્સના કિસ્સામાં પૂરતી જોખમ સંચાલન યંત્રણા અપનાવવા રિઝર્વ બેન્કે ધિરાણદારોને સૂચના આપી છે.
અનસિક્યોર્ડ લોન્સમાં અન્ય પરસનલ લોન્સ શ્રેણી હેઠળની લોન્સ ચાર વર્ષમાં ૮૭ ટકા વધી રૂપિયા ૧૧.૯૦ ટ્રિલિયન રહી હતી. ક્રેડિટ કાર્ડ પેટે બાકી પડેલી ચૂકવણીનો આંક ૧૨૪ ટકા વધી રૂપિયા ૨.૨૦ ટ્રિલિયન જ્યારે કન્ઝયૂમર ડયૂરેબલ્સ લોન્સ ૨૧૮ ટકા વધી રૂપિયા ૨૧ હજાર કરોડ રહી હોવાનું રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે.
આ ઉપરાંત શિક્ષણ લોન્સ પણ મોટી માત્રામાં અનસિકયોર્ડ પૂરી પાડવામાં આવે છે. બેન્કો દ્વારા પૂરી પાડવામાં આવતી કુલ લોન્સ રિટેલ લોન્સનો હિસ્સો ૩૩ ટકા જેટલો છે, જેમાં અનસિકયોર્ડ લોન્સનો હિસ્સો વધી રહ્યો છે.
તાજેતરના સમયમાં કુલ લોન્સમાં સિકયોર્ડ તથા અનસિકયોર્ડ લોન્સના પ્રમાણમાં પણ બદલાવ જોવા મળ્યો છે. અનસિકયોર્ડ લોન્સની માત્રા વધી રહી છે જ્યારે સિકયોર્ડની ઘટી રહી છે. જો કે રિઝર્વ બેન્કની બેન્કો પર સખતાઈ તથા આઈબીસી જેવા કાનૂનને પરિણામે બેડ લોન્સની માત્રા તાજેતરમાં નોંધપાત્ર ઘટી ગઈ છે.
ધિરાણ પૂરા પાડવામાં સ્પર્ધાને કારણે અનસિકયોર્ડ લોન્સમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.