જૂના એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી કેટલા વડાપ્રધાનના સ્વાગતનુ આયોજન કરવા શહેર ભાજપ, મનપાના પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓએ કર્યો પગપાળા સર્વે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૫મીએ રાજકોટ એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. ત્યાથી જૂના એરપોર્ટ આવશે અને રોડ-શો તેમજ રેસકોર્સના મેદાનમાં જાહેર સભા રાખવામા આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાનની રાજકોટ મુલાકાત સુચક માનવામા આવે અને રોડ-શો તેમજ જાહેરસભામાં જંગી મેદની એકત્ર કરવા માટે સ્થાનિક પ્રશાસન અને શાસકપક્ષ બન્ને તડામાર તૈયારીમાં લાગી ગયુ છે. રોડ-શોના આયોજન માટે આજે મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલિયા, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ તેમજ મનપાના વિવિધ વિભાગીય અધિકારીઓએ જૂના એરપોર્ટથી લઇને રેસકોર્સ સભા સ્થળ સુધી પગપાળા સર્વે કર્યો હતો.
રોડ-શોના રૂટમાં ક્યા કેટલા ફ્લોટ રાખવા તેનુ આયોજન હવે થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ એઇમ્સ આવશે. ત્યાથી જૂના એરપોર્ટ પ્રયાસ કરી રેસકોર્સ મેદાન સુધી રોડ-શો રાખવામા આવ્યો છે. રોડ-શોમાં કઇ-કઇ જગ્યાએ મોદીને આવકારતા ફ્લોટ રાખવા, ક્યા પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવા એ સહિતનું આયોજન હવે પછી થશે. તેના માટે જ આજે સર્વે કરવા માટે શહેર ભાજપ તેમજ મનપાના હોદેદારો અને અધિકારીઓ નિકળ્યા હતા.
જનમેદની એકઠી કરવા મેયર બંગલે વિવિધ સમાજની મિટિંગનો દોર
રોડ-શો તેમજ જાહેરસભામાં જનમેદની એકઠી કરવા માટે વિવિધ જ્ઞાતિ, સામાજીક સંગઠન, એન.જી.ઓ., શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનોને કાર્યક્રમમાં માણસો લઇ આવવા માટે ટાર્ગેટ આપવામા આવે છે. આ માટે છેલ્લા મેયર બંગલે મિટિંગનો દોર ચાલી રહ્યો છે.
જાહેરસભા માટે ૨૦૦થી વધુ મહેસુલીકર્મીઓને સોંપાઇ વિશેષ ફરજ
જાહેરસભા માટે અલગ અલગ વ્યવસ્થાપન સમિતિ બનાવવામા આવી છે. જેમા મનપાના અધિકારીઓને તો ફરજ સોંપવામા આવી જ છે. સાથોસાથ કલેકટર તંત્રના ૨૦૦થી વધુ મહેસુલી અધિકારીઓને વિશેષ ફરજ સોંપવામા આવી છે.
ગામોગામથી મેદની લઇ આવવા ૧૪૦૦ બસ, ૮૦ હજાર ફૂડ પેકેટ
એઇમ્સના લોકાર્પણ, રોડ-શો અને રેસકોર્સમાં યોજાનાર જાહેર સભામાં ગામોગામથી મેદની લઇ આવવામા આવશે. તેના માટે એસ.ટી. ઉપરાંત ખાનગી બસની વ્યવસ્થા કરવામા આવી છે. ૧૪૦૦થી વધુ બસ રાખવામા આવી છે. આ ઉપરાંત ૮૦ હજાર જેટલા ફૂડ પેકેટ પણ તૈયાર કરવામા આવ્યા છે.