૧૭ વર્ષની અનમોલ ખરબે પોર્નપિચા ચોઇકીવોંગને ૨૧-૧૪, ૨૧-૯થી હરાવીને ગોલ્ડ જિતાડયો
ભારતથી ૩૦૦૦ કિલોમીટર દૂર મલેશિયામાં બૅડ્મિન્ટન એશિયા ટીમ ચૅમ્પિયનશિપ (બીએટીસી)માં ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો છે. પીવી સિંધુની આગેવાનીમાં ભારતની દીકરીઓ પહેલી વાર આ ટુર્નામેન્ટમાં ભારત માટે ગોલ્ડ જીતી છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ થાઇલૅન્ડને ૩-૨થી હરાવીને મહિલા ટીમે ભારતને ગૌરવ અપાવ્યું છે. બૅડ્મિન્ટન એશિયા ટીમ ચૅમ્પિયનશિપના ઇતિહાસમાં ભારત તરફથી માત્ર ભારતીય પુરુષ ટીમ ૨૦૧૬ અને ૨૦૨૦માં બ્રૉન્ઝ મેડલ જીતી હતી.
ઑલિમ્પિક મેડલિસ્ટ સિંધુએ પહેલી સિંગ્લ્સ મૅચમાં સુપનિડા કાટેથોંગને ૨૧-૧૨, ૨૧-૧૨થી હરાવી હતી. ત્રિસા જૉલી અને ગાયત્રી ગોપીચંદે વિશ્વની ૧૦મા નંબરની જોંગકોલ્ફન કિતિથારાકુલ-રવિન્દા પ્રા જોંગજાઈની જોડીને ૨૧-૧૬, ૧૮-૨૧, ૨૧-૧૬થી હરાવીને ભારતની સ્થિતિ મજબૂત બનાવી હતી. બીજી સિંગલ્સ મૅચમાં ભારતની અસ્મિતા ચાલિહાને બુસાનન ઓંગબમરુંગફાન સામે ૧૧-૨૧, ૧૪-૨૧ના સ્કોરથી હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રુતિ મિશ્રા અને પ્રિયા કોનઝેંગબમને વિશ્વની ૧૩મા નંબરની બેન્યપ્પા અમસાર્ડ અને નુનાતકર્ણ અમસાર્ડની જોડી સામે ૧૧-૨૧, ૯-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો, જેને કારણે ફાઇનલ મૅચનો સ્કોર ૨-૨થી બરાબર થયો હતો.
અંતે ૧૭ વર્ષની યુવા અનમોલ ખરબે પોર્નપિચા ચોઇકીવોંગને ૨૧-૧૪, ૨૧-૯થી હરાવીને ભારતીય મહિલા ટીમને ગોલ્ડ મેડલ જિતાડી આપ્યો હતો. ટીમ ચૅમ્પિયનશિપમાં ભારતીય મહિલાઓ માટે આ પહેલું મોટું ટાઇટલ છે. ૨૮ એપ્રિલથી પાંચમી મે દરમ્યાન ચીનના ચેંગડુમાં યોજાનારા ઉબેર કપ માટે આ જીત મનોબળ વધારવામાં મદદરૂપ થશે.