– લડાઈ વધુ લંબાશે તો વેપાર સ્થિતિ બદલાઈ જવાની ચિંતા
Updated: Oct 10th, 2023
મુંબઈ : ઈઝરાયલ તથા હમાસ ત્રાસવાદી વચ્ચેની લડાઈને કારણે ભારતના વિદેશ વેપાર પર હાલમાં કોઈ અસર જોવા મળવાની સંભાવના નથી. જો કે સ્થિતિ કેવો વળાંક લે છે તે જોવાનું રહેશે, એમ નિષ્ણાતો માની રહ્યા છે.
વિશ્વ વેપાર હાલમાં મંદ ચાલી રહ્યો છે ત્યારે આ સંઘર્ષ લાંબો ચાલશે તો તેનાથી વેપાર માનસ ખરડાઈ શકે છે. સંઘર્ષનું ક્ષેત્ર હાલમાં મર્યાદિત છે અને ઈઝરાયલના બંદરો સામાન્ય રીતે કામ કરતા રહેશે માટે ભારતના વેપાર પર અસર નહીં પડે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
જૂન ૨૦૧૯માં ઈઝરાયલ સાથેનો ભારતનો વેપાર જે ૫.૫૦ અબજ ડોલર હતો તે ૨૦૨૩ના જૂનમાં વધી ૧૦.૫૦ અબજ ડોલર પહોંચી ગયાનું સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા જણાવે છે.
ઈઝરાયલ ખાતે ભારતની નિકાસમાં મુખ્યત્વે કૃષિ, પેટ્રો પ્રોડકટસ તથા ઉત્પાદકીય માલસામાનનો સમાવેશ થાય છે. બીજી બાજુ ઈઝરાયલ ખાતેથી ભારતની આયાતમાં મસીનરી, મોતી, ડાયમન્ડસ તથા અન્ય કિંમતી રત્નોનો સમાવેશ થાય છે.લડાઈ વધુ તિવ્ર બનશે તો સ્થિતિ બદલાઈ શકે છે. જો કે હાલમાં આવી શકયતા જણાતી નહીં હોવાનું પણ વિશ્લેષકે ઉમેર્યું હતું. ટૂંકા ગાળે ક્રુડ તેલના ભાવમાં વોલેટિલિટી જોવા મળવાની સંભાવના રહેલી છે.