– ચલણ પ્રવાહમાં ઘટાડો મુખ્યત્વે રૂ. ૨૦૦૦ની નોટો પાછી ખેંચવાને કારણે જોવાયો
Updated: Oct 10th, 2023
મુંબઈ : આ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રોકડ પ્રવાહમાં ઘટાડો થયો છે. ઓછામાં ઓછા છેલ્લા ૧૦ વર્ષમાં પ્રથમ છ મહિનામાં આવું પ્રથમ વખત બન્યું છે. ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ રોકડ પ્રવાહ રૂ. ૩૩.૭૮ લાખ કરોડ હતો અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ઘટીને રૂ. ૩૩.૦૧ લાખ કરોડ થયો હતો. આ સમયગાળા દરમિયાન રૂ. ૭૬,૬૫૮ કરોડનો તફાવત હતો. છેલ્લા બે નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રોકડ પ્રવાહમાં વધારો થયો હતો.
નાણાકીય વર્ષ ૨૩ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. ૩૩,૩૫૭ કરોડ અને નાણાકીય વર્ષ ૨૨માં રૂ. રૂ.૮૪,૯૭૮ કરોડ, નાણાકીય વર્ષ ૨૧, કોવિડના વર્ષમાં એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન તે વધીને રૂ. ૨.૪૩ લાખ કરોડ હતો.
આ નાણાકીય વર્ષમાં ચલણ પ્રવાહમાં ઘટાડો મુખ્યત્વે રૂ. ૨૦૦૦ની નોટો પાછી ખેંચવાને કારણે થયો હતો. વાસ્તવમાં ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત ૧૦ મેના રોજ કરવામાં આવી હતી.
૧૯ મે સુધી રૂ. ૩.૫૬ લાખ કરોડની કિંમતની રૂ. ૨૦૦૦ની કરન્સી ચલણમાં હતી અને તેમાંથી લગભગ ૯૬ ટકા ચલણ પરત આવી ગયું છે. થાપણોના આ હિસ્સાને કારણે નાણાંના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આનો અર્થ એ થયો કે આરબીઆઈએ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રૂ. ૨.૬૯ લાખ કરોડનું ચલણ ઇન્જેક્ટ કર્યું હતું.
આ સમયગાળા દરમિયાન રોકડ પ્રવાહ ઘટવાનું કારણ એ હતું કે જે રકમ લેવામાં આવી હતી તેના કરતાં ઓછું ચલણ મૂકવામાં આવ્યું હતું. બેંકોમાં જમા કરાયેલી ૨૦૦૦ રૂપિયાની નોટોમાંથી માત્ર ૧૩ ટકા જ પૈસા બદલામાં લેવામાં આવ્યા હતા અને બાકીની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. બેંક ખાતામાં જમા થયેલી રકમ આરબીઆઈના ખાતામાં જતી હતી.