- સાઉદી અરબે બોલાવી ઓર્ગેનાઈઝેશન ઓફ કોઓપરેશનની બેઠક
- મોટાભાગના મુસ્લિમ રાષ્ટ્રો સંઘર્ષ માટે ઇઝરાયલને માને છે જવાબદાર
- હમાસે 130 થી વધુ ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા
ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈસ્લામિક વિશ્વમાં હલચલ તેજ થઈ ગઈ છે. સાઉદી અરબે મંગળવારે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધને લઈને 57 મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ કોઓપરેશન (OIC)ની ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી છે.
OIC એ ગાઝા વિરૂદ્ધ ઈઝરાયલની જવાબી કાર્યવાહીની નિંદા કરતા કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ઠરાવોની અવગણના માટે ઈઝરાયેલ જવાબદાર છે.
આ ઉપરાંત 22 દેશોના સંગઠન આરબ લીગે પણ બુધવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આરબ લીગના પ્રાદેશિક જૂથ અનુસાર, હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલા બાદ ઇઝરાયલની જવાબી કાર્યવાહી અંગે ચર્ચા કરવા બુધવારે આરબ લીગના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ મળશે. અરબ લીગના ડેપ્યુટી ચીફ હોસમ જાકીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે કાયરોમાં યોજાનારી આ બેઠકમાં આરબ દેશોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવનાર પગલાઓ પર ચર્ચા કરવામાં આવશે.
મુસ્લિમ દેશ કતાર પણ હમાસ અને ઇઝરાયલ વચ્ચે મહિલા કેદીઓની અદલાબદલી માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો, ઇસ્લામિક દેશ ઇજિપ્તે યુએઇ અને સાઉદી અરેબિયા સાથે આ મુદ્દે ચર્ચા કરી છે.
ઈઝરાયેલની એક વેબસાઈટના અહેવાલ મુજબ આતંકવાદી સંગઠન હમાસના પ્રવક્તાએ પણ કહ્યું છે કે તે ઈઝરાયેલમાં કેદ આતંકવાદીઓને છોડાવવા માટે વાતચીત કરશે.
અમેરિકાની મદદથી કતારે લીધા પગલાં
એક અહેવાલમાં હમાસના એક સૂત્રના જણાવ્યા અનુસાર લખવામાં આવ્યું છે કે, કતારની મધ્યસ્થી હેઠળ કેદીઓની આપ-લે માટે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સૂત્રએ કહ્યું છે કે અમેરિકાની મદદથી કતાર તાત્કાલિક સમજૂતીને લાગુ કરવા માંગે છે.
આ કરાર હેઠળ હમાસ દ્વારા અપહરણ કરાયેલી મહિલાઓને ઈઝરાયેલની જેલમાં બંધ પેલેસ્ટિનિયન મહિલા કેદીઓના બદલામાં મુક્ત કરવામાં આવશે. જો કે, ઈઝરાયેલના અધિકારીએ આ અહેવાલને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે બંધકોને મુક્ત કરવા પર હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી.
હમાસે 130 થી વધુ ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા
અહેવાલ અનુસાર, શનિવારે ઘૂસણખોરી કરી રહેલા હમાસના આતંકવાદીઓએ 130થી વધુ ઇઝરાયલી નાગરિકોનું અપહરણ કર્યું હતું. અપહરણ કરાયેલા લોકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આમાંથી ઘણા મૃત્યુ પામ્યા છે. તો, બાકીના લોકો હમાસના કબ્જામાં છે.
રિપોર્ટ અનુસાર, હાલમાં ઈઝરાયેલની જેલમાં 36 પેલેસ્ટિનિયન મહિલાઓ કેદ છે, જેમની મુક્તિની હિમાસ માંગ કરી રહ્યું છે.
આતંકવાદી સંગઠન હમાસના પ્રવક્તા અબ્દેલ-લતીફ અલ-કનૌઆએ સોમવારે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું, “હમાસ તેના તમામ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા માંગે છે. ઉપરાંત, વેસ્ટ બેંક અને જેરુસલેમમાં ખાસ કરીને અલ-અક્સા મસ્જિદમાં ઇઝરાયેલની ઉશ્કેરણીનો અંત લાવવા માંગે છે.”
સાઉદી ક્રાઉન પ્રિન્સ સલમાને ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે કરી વાત
સાઉદી વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન, પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ફોન પર વાત કરી છે. વાટાઘાટો દરમિયાન, બંને દેશો ગાઝા અને તેની આસપાસના વિસ્તારોમાં તણાવને રોકવા અને પ્રદેશમાં તેના વિસ્તરણને રોકવા માટેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા માટે સંમત થયા હતા.
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ભારપૂર્વક જણાવ્યું છે કે સાઉદી અરેબિયા પેલેસ્ટિનિયન નાગરિકોને તેમના કાયદેસર અધિકારો પ્રાપ્ત કરવા અને ન્યાયી અને કાયમી શાંતિ પ્રાપ્ત કરવામાં તેમની સાથે છે.