– થ્રી વ્હીલર્સનું વેચાણ ઓલટાઈમ હાઈ જોવાયું
Updated: Oct 10th, 2023
મુંબઈ : ઓગસ્ટમાં મંદ રહ્યા બાદ સપ્ટેમ્બરમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સારો રહેતા ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે સ્થિતિ સાનુકૂળ બની હતી અને ટ્રેકટર્સને બાદ કરતા દરેક પ્રકારના વાહનોના વેચાણમાં વધારો થયો હતો. ગયા મહિને ઓટો ક્ષેત્રનું એકંદર વેચાણ વાર્ષિક ધોરણે વીસ ટકા વધી ૧૮.૯૦ લાખ વાહનો રહ્યું હતું. ગયા મહિને થ્રી વ્હીલર્સનું વેચાણ અત્યારસુધીની ઊંચી સપાટીએ રહ્યું છે.
ટ્રેકટર્સના વેચાણમાં ગયા મહિને દસ ટકા ઘટાડો નોંધાયો હતો. જ્યારે અન્ય સેગમેન્ટમાં ટુ વ્હીલર્સમાં ૨૨ ટકા, થ્રી વ્હીલર્સમાં ૪૯ ટકા, ઊતારૂ વાહનોમાં ૧૯ ટકા તથા કમર્સિઅલ વાહનોમાં પાંચ ટકા વૃદ્ધિ જોવા મળી હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ’ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું.
થ્રી વ્હીલર્સનો વેચાણ આંક ૧૦૨૪૨૬ સાથે ઓલ ટાઈમ હાઈ રહ્યો છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં આ આંક ૬૮૯૩૭ રહ્યો હતો જ્યારે ઓગસ્ટ ૨૦૨૩નો ૯૯૯૦૭નો રેકોર્ડ સપ્ટેમ્બરમાં તૂટયો છે.
એક તરફ વેચાણમાં વધારો જ્યારે બીજી બાજુ ડીલરો પાસે ઈન્વેન્ટરીનું સ્તર પણ ૬૦-૬૫ દિવસ પર પહોંચી ગયું છે જે ઓલ ટાઈમ હાઈ હોવાનું ફાડાના સુત્રોએ જણાવ્યું હતું. ઈન્વેન્ટરીનું ઊંચુ સ્તર ઓટો કંપનીઓ તથા ડીલરો માટે ચિંતાનો વિષય બની શકે છે.
જો કે આવી રહેલા નવરાત્રિ તથા દૂર્ગા પુજા ત્યારબાદ દિવાળીના તહેવાર દરમિયાન વેચાણને લઈને ઓટો ઉદ્યોગ આશાવાદી છે.
સપ્ટેમ્બરથી ઓટો ઉદ્યોગ તહેવારોની મોસમમાં પ્રવેશ્યો છે એમ ફાડાના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ એક યાદીમાં જણાવ્યું હતું.
સપ્ટેમ્બરમાં ટુ વ્હીલર્સનો વેચાણ આંક ૧૩.૧૦ લાખ રહ્યો છે જે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ૧૦.૮૦ લાખ રહ્યો હતો. નવા મોડેલના લોન્ચિંગ તથા આકર્ષક ઓફરોને કારણે ટુ વ્હીલર્સની માગ ખાસ કરીને ગ્રામ્ય માગમાં વધારો જોવા મળ્યો છે. સ્ટોકની સારી સ્થિતિને લઈને આગામી તહેવારોને લઈને ઉદ્યોગમાં આશાવાદી ટોન જોવા મળી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
કોલસા, સિમેન્ટ તથા અન્ય ભારે માલસામાનની માગમાં વધારો થતાં કમર્સિઅલ વાહનોની બજાર માટે સ્થિતિ સાનુકૂળ જોવાઈ હતી. આજ રીતે ઊતારૂ વાહનો માટે પણ બજાર માનસ હકારાત્મક જોવા મળી રહ્યું છે. ગયા મહિને ઊતારૂ વાહનોનો વેચાણ આંક ૩.૩૨ લાખ રહ્યો હતો.