મુંબઈ : ઈઝરાયેલ પર હમાસના આતંકી હુમલાના પરિણામે ફરી ઈઝરાયેલ, પેલેસ્ટાઈન વચ્ચે યુદ્વના મંડાણ સાથે મિડલ ઈસ્ટ ફરી યુદ્વમાં ધકેલાવાની દહેશત વચ્ચે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં અપેક્ષિત કડાકો બોલાઈ ગયો હતો. ડહોળાયેલા સેન્ટીમેન્ટમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત મોટી વેચવાલી થતાં અને ગભરાટમાં રીટેલ ઈન્વેસ્ટરો પણ વેચવાલ બનતાં કડાકો વ્યાપક બનતો જોવાયો હતો.બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, ઓટો શેરોમાં મોટું ઓફલોડિંગ થતાં સેન્સેક્સ ૪૮૩.૨૪ પોઈન્ટ તૂટીને ૬૫૫૧૨.૩૯ અને નિફટી સ્પોટ ૧૪૧.૧૫ પોઈન્ટ ગબડીને ૧૯૫૧૨.૩૫ બંધ રહ્યા હતા.
કન્ઝયુમર ઈન્ડેકસમાં ૬૬૩ પોઈન્ટનો કડાકો
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે મોટાપાયે વેચવાલી થતાં બીએસઈ કન્ઝયુ. ડયુરે. ઈન્ડેક્સ ૬૬૨.૯૦ પોઈન્ટ તૂટીને ૪૫૮૬૫.૯૪ બંધ રહ્યો હતો. રાજેશ એક્ષપોર્ટસ રૂ.૧૬.૯૦ તૂટીને રૂ.૪૮૦.૧૫, વોલ્ટાસ રૂ.૨૯.૫૫ તૂટીને રૂ.૮૫૫.૮૫, આદિત્ય બિરલા ફેશન રૂ.૪.૪૫ ઘટીને રૂ.૨૧૪.૬૫, ટાઈટન કંપની રૂ.૪૦.૦૫ ઘટીને રૂ.૩૨૭૧.૧૦, રહ્યા હતા.
બેંકેક્સ ૫૧૮ પોઈન્ટ તૂટયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે ફંડોએ મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૧૮.૦૯ પોઈન્ટ તૂટીને ૪૯૩૩૩.૮૫ બંધ રહ્યો હતો. કેનેરા બેંક રૂ.૯.૨૫ તૂટીને રૂ.૩૬૬, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૫૫ તૂટીને રૂ.૫૮૫.૫૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૩.૯૦ તૂટીને રૂ.૧૭૨૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૯૦ ઘટીને રૂ.૨૧૨.૪૦, એચડીએફસી બેંક રૂ.૧૭.૫૦ ઘટીને રૂ.૧૫૧૬.૬૫, ફેડરલ બેંક રૂ.૧.૦૫ ઘટીને રૂ.૧૪૫.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬.૬૦ ઘટીને રૂ.૯૩૮.૬૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૪૬ પોઈન્ટ તૂટયો
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે મોટાપાયે વેચવાલી થતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૪૬.૪૧ પોઈન્ટ તૂટીને ૪૭૫૫૮.૭૩ બંધ રહ્યો હતો. થર્મેક્સ રૂ.૧૦૧.૮૦ તૂટીને રૂ.૨૯૨૮.૯૦, કાર્બોરેન્ડમ રૂ.૩૧.૭૦ તૂટીને રૂ.૧૧૩૭.૪૫, વી-ગાર્ડ રૂ.૭.૬૦ ઘટીને રૂ.૨૮૪.૩૫, ટીમકેન રૂ.૭૩.૨૦ ઘટીને રૂ.૨૯૯૪.૪૦ રહ્યા હતા.
કંપની પરિણામ પૂર્વે આઈટી શેરોમાં મજબૂતી
કંપનીઓના સપ્ટેમ્બર ૨૦૨૩ના અંતના ત્રિમાસિકના પરિણામોની સીઝન ૧૨, ઓકટોબરથી શરૂ થઈ રહી હોઈ આજે પસંદગીના આઈટી-ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોની લેવાલી રહી હતી. ટીસીએસ રૂ.૨૧.૫૫ વધીને રૂ.૩૬૪૧.૭૫, એચસસીએલ ટેકનોલોજી રૂ.૧૧.૪૫ વધીને રૂ.૧૨૪૭.૬૦, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૯૮.૪૫ વધીને રૂ.૪૭૫૨.૪૫ રહ્યા હતા.
સ્મોલ કેપ ઈન્ડેક્સ ૬૫૦ તૂટયો
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓએ પેનિક સેલિંગ કરતાં બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૬૫૦.૬૪ પોઈન્ટ તૂટીને ૩૭૨૦૯.૯૪ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૩૯૦.૯૭ પોઈન્ટ ગબડીને ૩૧૬૮૬.૬૯ બંધ રહ્યા હતા. ઘણાં શેરોમાં આજે હેમરીંગ થતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા વધીને ૨૮૦૪ અને વધનારની સંખ્યા ઘટીને ૯૯૩ રહી હતી.
ઘૈંૈંની શેરોમાં રૂ.૨૬૬૧ કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૯૯૭.૭૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૫૦૫૨.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૦૪૯.૯૭કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૨૬૬૧.૨૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૨૧૬.૬૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૫૫૫.૩૩ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૩.૬૮ લાખ કરોડ ઘટી
શેરોમાં આજે વ્યાપક ગાબડાં પડતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૬૮ લાખ કરોડ ઘટીને રૂ.૩૧૬.૧૮ લાખ કરોડ રહી ગયું છે.