- ઈઝરાયેલે અત્યાર સુધીમાં હમાસના 2200થી વધુ ટાર્ગેટને નિશાન બનાવ્યા
- હમાસના મિલિટરી ચીફ મોહમ્મદ ડાયફના પિતાના ઘરને પણ નષ્ટ કરી દીધું
- ઈઝરાયેલની સેનાએ તેના વિસ્તારમાં 1500 આતંકીઓને ઠાર કર્યા
ઈઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના લક્ષ્યાંકો પર બોમ્બમારો ચાલુ રાખે છે. ઈઝરાયેલે અત્યાર સુધીમાં હમાસના 2200થી વધુ ટાર્ગેટને નિશાન બનાવ્યા છે. આ સિવાય ઈઝરાયેલની વાયુસેનાએ હમાસના મિલિટરી ચીફ મોહમ્મદ ડાયફના પિતાના ઘરને પણ નષ્ટ કરી દીધું હતું. ડાયફ ઈઝરાયેલ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 900 લોકોના મોત થયા છે. આ સિવાય ઈઝરાયેલની સેનાએ તેના વિસ્તારમાં 1500 આતંકીઓને ઠાર કર્યા છે.
યુદ્ધ હમાસના હુમલાથી શરૂ થયું હતું
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું આ યુદ્ધ હમાસના હુમલાથી શરૂ થયું હતું. હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા. આ સિવાય હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસીને નિઃશસ્ત્ર ઈઝરાયલીઓ પર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 1200 લોકોના મોત થયા છે. આ હુમલાના જવાબમાં ઇઝરાયેલ હમાસના સ્થાનો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.
20 લાખની વસ્તી ધરાવતું ગાઝા ઈમારતોના કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું
ઈઝરાયલ દ્વારા સતત બોમ્બમારો થવાને કારણે 20 લાખની વસ્તી ધરાવતું ગાઝા ઈમારતોના કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું છે. બધે માત્ર કાટમાળ અને ધુમાડો જ દેખાય છે. ઈઝરાયેલના હુમલામાં 900 પેલેસ્ટાઈનના મોત થયા છે. જેમાં 260 બાળકો અને 200 મહિલાઓનો સમાવેશ થાય છે. 4,250 લોકો ઘાયલ થયા છે.
ડાયફ કોણ છે?
ઇઝરાયેલ પર હમાસના આઘાતજનક હુમલા પાછળ મોહમ્મદ ડાયફમુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. ડાયફ હમાસની લશ્કરી પાંખનો મુખ્ય કમાન્ડર છે. “ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ” એ ગાઝાની 16-વર્ષની નાકાબંધી, ઇઝરાયેલના કબજા અને તાજેતરની ઘટનાઓની શ્રેણીનો પ્રતિસાદ હતો. મોહમ્મદ ડાયફ2002થી હમાસની સૈન્ય શાખાનો વડો છે.
અમેરિકાએ હથિયારો અને દારૂગોળો મોકલ્યો
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલને અમેરિકાનું સમર્થન મળ્યું છે. અમેરિકાએ સૌથી પહેલા આગળ આવીને પોતાના ખતરનાક હથિયારો અને દારૂગોળો અને સૈનિકો ઈઝરાયેલ મોકલ્યા. અમેરિકન દારૂગોળાથી સજ્જ વિમાનો અને ગેરાલ્ડ આર ફોર્ડ યુદ્ધ જહાજો ઇઝરાયેલની નજીક પહોંચી ગયા છે. હથિયારો લઈ જનારા આ અમેરિકન એરક્રાફ્ટમાં ખૂબ જ હાઈટેક દારૂગોળો છે.