- ભારતે આઇઓઆરએનું2023-25 માટે ઉપાધ્યક્ષ પદ સંભાળ્યું
- હિન્દ મહાસાગર ક્ષેત્રને મુક્ત, ખુલ્લું અને સમાવેશી બનાવી રખાય તે મહત્ત્વપૂર્ણ છે
- ભારતની પ્રતિબદ્ધતા પડોશી પ્રથમ નીતિ, સાગર દૃષ્ટિકોણ પર આધારિત છે
ભારતે પરોક્ષ રીતે ચીન પર નિશાન તાકતા બુધવારે કહ્યું હતું કે સાર્વભૌમત્વ અને ક્ષેત્રિય અખંડિતતા પ્રત્યે સન્માનની સાથે-સાથે એક બહુપક્ષીય નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા હિન્દ મહાસાગરને એક મજબૂત સમુદાયના સ્વરૂપમાં પુનર્જીવિત કરવાનો આધાર છે. ભારતની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ચીન આ ક્ષેત્રમાં સતત પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે હિન્દ મહાસાગર રિમ એસોસિયેશનના મંત્રીઓની 23મી બેઠકમાં કહ્યું હતું કે સમુદ્રી કાયદા પર સંયુક્ત રાષ્ટ્ર સંધિના આધારે હિન્દ મહાસાગરને એક મુક્ત, ખુલ્લું અને સમાવેશી સ્થળ બનાવી રાખવામાં આવે તે મહત્ત્વપૂર્ણ છે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભારતે 2023-25 માટે આઇઓઆરએના ઉપાધ્યક્ષની ભૂમિકા પણ સ્વીકારી હતી. આ પ્રસંગે વિદેશ પ્રધાને કહ્યું હતું કે અમે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ અને સુરક્ષા નિશ્ચિત કરવામાં પહેલા ઉત્તરદાતા તરીકે યોગદાન આપવાના અમારા દૃષ્ટિકોણને ચાલુ રાખીશું. ભારતની પ્રતિબદ્ધતા પડોશી પ્રથમ નીતિ, સાગર દૃષ્ટિકોણ પર આધારિત છે.
ભારત વિશ્વ મિત્ર, અમે વૈશ્વિક દક્ષિણનો અવાજ
વિદેશ પ્રધાને કહ્યું હતું કે ભારત દુનિયાના દેશોનો મિત્ર છે અને અમે આઇઓરએના સભ્ય દેશોની સાતે મળીને સંગઠનની સંસ્થાગત, આર્થિક અને કાનૂની રૂપરેખાને મજબૂત કરવાની દિશામાં કામ કરીશું. વિદેશ પ્રધાન જયશંકરે આઇઓઆરએને ગતિશીલ સમૂહ ગણાવતા કહ્યું હતું કે ભારત વૈશ્વિક દક્ષિણનો અવાજ છે. તેમણે કહ્યું હતું કે ભારતનો અભિગમ છે કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ અને સુરક્ષાને મજબૂત કરવામાં આવે.