- સંસારત્યાગ સિવાય આત્મોદ્ધારનો બીજો કોઈ સાચો-સારો માર્ગ નથી
સુદર્શનપુર નામના નગરની આ વાત છે. એ નગરમાં એક શ્રેષ્ઠી રહેતા હતા. સૌભાગ્ય એમનું નામ હતું. એમનાં ધર્મપત્નીનું નામ સુયશા હતું. બંને ધર્મપરાયણ હતા. એમને એક દીકરો હતો. એનું નામ એમણે સુવ્રત રાખેલું. સુવ્રત નાની ઉંમરથી વ્રતો તરફ રુચિવાળો બને છે. વ્રતધારી મહાત્માઓનાં દર્શન કરે છે ત્યારે એને આનંદ આનંદ થઈ જાય છે. જે દિવસે વ્રતધારી મહાત્માનાં દર્શન ન થાય ત્યારે એ ભગવાનની પાસે જઈને વિનંતિ કરે છે કે હે ભગવાન, આજે મને વ્રતધારી મહાત્માનાં દર્શન ન થયાં. આજનો દિવસ મારો વ્યર્થ ગયો.
માતા- પિતાની સેવા શુશ્રૂષા કરવામાં એ ક્યારેય પણ કચાશ રાખતો નહીં. માતા-પિતાના ઉપકારને એ સતત સ્મરણમાં રાખતો ને એના આધારે જ પોતાની દરેક પ્રવૃત્તિ કરતો.
સુદર્શનનગરમાં એ સમયે કોઈ ગુરુ ભગવંત ચાતુર્માસ કરવા પધારેલા. ગુરુ ભગવંત જ્ઞાની હતા. એમની વાણીમાં તાકાત હતી. એમની બધી વાતો તર્કબદ્ધ રહેતી. સાંભળનારાના અંતરમાં ઊતરી જતી. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે એમના દ્વારા સહજ રીતે શબ્દો બોલાતા હોય, પણ શ્રોતાઓને તો એમ જ લાગે કે આ તો માત્ર મને જ ઉદ્દેશીને આ બધું કહેવાય છે અને એની અસર પણ ઘણી થતી હોય છે.
સુવ્રત રોજ એમનાં પ્રવચનો સાંભળતો. મહાત્માના શબ્દો એના અંતરને જાણે ઝંઝોળતા હોય એવો અનુભવ થતો. શબ્દે શબ્દે એના હૃદયના તાર રણઝણી ઊઠતા. એના અંતરમાંથી એક અવાજ ઊઠતો- અરે સુવ્રત, તારું નામ સુવ્રત છે, પણ વ્રત ક્યાં છે? તારી દરેક પ્રવૃત્તિ અવ્રતમય છે. તારા નામની સાર્થકતા શું? જો તારે તારા નામને સાર્થક કરવાનો જ વિચાર હોય તો વ્રતનો ભાવ કેળવવો પડશે.
એને આવો વિચાર આવ્યો અને એને સાર્થક કરવા માટે એણે સંયમ ગ્રહણ કરવાનો વિચાર કરેલો. બસ, હવે મારે સંયમજીવનનો સ્વીકાર કરવો છે. એ તો પહોંચી ગયો ગુરુ ભગવંતની પાસે. એમની પાસે જઈને એણે વિનંતિ કરી, ભગવાન, હવે મારે આપની પાસે વ્રતો ગ્રહણ કરવાં છે. આપ મને ચારિત્ર આપો. મારે મારા નામને તો સાર્થક કરવું જ છે, પણ સાથે સાથે મારે તો મારા જીવનને પણ સાર્થક કરવાની હાર્દિક ભાવના છે. એટલે આ અસાર સંસારનાં બંધનો તોડીને મારે સંયમી બનવું છે. એણે માતા-પિતાને આ વાત સમજાવી. માતા-પિતા સમજદાર હતાં. એ સમજતો હતો કે સંસારત્યાગ સિવાય આત્મોદ્ધારનો બીજો કોઈ સાચો-સારો માર્ગ નથી. હવે ઉંમરના કારણે સંયમજીવન માટે અમારો દેહ અશક્ત છે, પણ સાચો માર્ગ તો આ જ છે.
માતા-પિતાએ પુત્રની ભાવનાનો આદર કર્યો. એમની સંમતિપૂર્વક સુવ્રતે દીક્ષા લીધી. હવે એ સુવ્રત મુનિ બન્યા. ગુરુની સેવા, શુશ્રૂષા અને વૈયાવચ્ચ કરવા સાથે એમણે જ્ઞાનાભ્યાસ કર્યો. સ્વ-પર શાસ્ત્રોમાં પારંગત બન્યા. હવે એમણે એકલા વિચરવાની ગુરુ પાસે અનુજ્ઞા માગી. ગુરુએ પણ એમને યોગ્ય જાણી અનુમતિ આપી.
એમણે પોતાના જીવનમાં સમતાને ઘણું મહત્ત્વ આપેલું. વાતવાતમાં આપણું મન રાગ-દ્વેષ કરવા લાગતું હોય છે. કોઈ પણ અનુકૂળ પરિસ્થિતિ આપણી સામે આવે ત્યારે રાગ થાય અને જ્યારે પણ પ્રતિકૂળ સ્થિતિ આપણા જીવનમાં આવે એટલે તરત જ દ્વેષભાવના-નફરત જેવા ભાવો થવાના, પણ આ મહાત્માને આવી કોઈ અસર ન થાય, કારણ કે મહાત્માનો બે વાતનો વિચાર હતો- એ સમજતા હતા કે જો હું સમતાને ગુમાવીશ તો મારો સમાધિભાવ ટકશે નહીં અને બીજી વાત એ સંયમજીવનમાં સમાધિભાવને બાદ કરવામાં આવે તો તમે ગમે એટલી આરાધના કે સાધના કરો એનો કોઈ હલ હોતો નથી. એટલે વિપરીત સંયોગોમાં ખાસ સમાધિભાવ ટકાવવા માટે મારે ખાસ પ્રયત્ન કરવો પડશે.
એમણે સમાધિભાવને આત્મસાત્ કરવામાં સારી સફળતા મેળવી. જોકે, આના માટે સંપૂર્ણ સકારાત્મક બનવાની જરૂર પડતી હોય છે. વિકટ પરિસ્થિતિ પણ અનુકૂળ બનાવવા માટે વિચારધારા જ તો કામમાં આવતી હોય છે.
પણ સાચા માર્ગથી વિચલિત કરવામાં ઘણાને રસ હોય છે. બનેલું એવું કે દેવોના રાજા ઈન્દ્ર મહારાજે પોતાની સભામાં જાહેરાત કરી કે આ સુવ્રત મુનિની સમતા અજોડ છે. કોઈ પણ માણસ એમની સમતાને ખંડિત કરી ન શકે અને મનુષ્ય જ નહીં શક્તિશાળી દેવની પણ તાકાત નથી. આ રીતની એમણે અનુમોદના કરી. હવે આમાં કેવું હોય કે કેટલાને તો ઈન્દ્ર મહારાજની વાતમાં કોઈ સંદેહ જ ન થાય, પણ કેટલાક એવા પણ હોય કે જેમણે પોતાના જીવનમાં શંકાને જ મહત્ત્વ આપેલું હોય, આવા બે દેવો ભેગા થઈ ગયા અને પોતાના વિચારોની આપ-લે કરવા લાગ્યા. ઈન્દ્ર રાજા છે એ વાત સાચી, પણ એમની બધી વાતોનો સ્વીકાર જ કરવાનો! અરે, ચાલો આપણે બેય એમની પાસે જઈને ચકાસણી કરીએ. તો બેય જણા મનુષ્યનું રૂપ લઈને રસ્તાની વચ્ચે જ ચોકો જમાવીને બેસી ગયા છે.
એ મહાત્મા અહીં આવે એટલે તરત જ એમની સેવામાં લાગી જવાનું. જોઈએ એ કેટલી ટક્કર લઈ શકે છે? પેલા બેય દેવોના મનની આવી જ સ્થિતિ હતી. પેલા મહાત્માના આવવાની પ્રતીક્ષા જ કરી રહ્યા હતા. એ આવ્યા એટલે એમની સામે વાઘ બનીને ગયા. એમને નખ માર્યા પણ પેલા મહાત્મા શાંત ઊભા રહ્યા.
જંગલી માણસનું રૂપ લઈને એમની સાથે અભદ્ર વ્યવહાર કરવાનો પ્રયત્ન કરી જોયો તો એમાં પણ એ સફળ થયા નહીં. એમની સાથે ઝઘડો કરવાનો પ્રયાસ પણ કરી જોયો, પણ આમને તો જાણે કે બોલતા આવડે છે કે નહીં? એ જ સમજાતું નથી. એમની સામે ગમે તેવા આક્ષેપો કર્યા તોય એનો કોઈ જવાબ આપવાની તૈયારી બતાવી નહીં. એમના ચહેરાનો ભાવ એવો ને એવો જ રહ્યો. એ વિચાર કરે છે કે આ માણસ કેવો છે? આટલું કર્યા પછી પણ આમનું લોહી ગરમ થતું નથી. એમનું સંવેદનાતંત્ર કમજોર છે કે શું?
બંને દેવો વિચાર કરે છે- આપણા આ બધાય પ્લાન એમણે ખોટા પાડ્યા તો હવે એક બીજો પ્લાન બનાવીએ એમાં એ શું કરે છે એ જોઇએ. સામાન્ય રીતે માણસ કઠોરતાની સામે તો અડીખમ ઊભો રહેતો હોય, પણ કોમળતાની સામે માણસ ઝૂકી જતો હોય છે. હવે એ પ્રયોગ કરીએ.
મહાત્મા આત્મસાધનામાં મસ્ત હતા. એ સમયે ષોડ્શી કન્યાના રૂપે ત્યાં આવ્યા. બંને રૂપરૂપના અંબાર જેવી. એકને જુઓ ને બીજીને ભૂલો એવી. એના દરેક અંગો સપ્રમાણ અને ઘાટીલા. પગથી માથા સુધી માત્ર સૌંદર્યનાં જ દર્શન થાય. રૂપ અને લાવણ્યમાં એના કરતાં વધારે સારીની કોઈ કલ્પના પણ તમને કરી શકો નહીં.
બંને કુંવારી કન્યાઓએ જાણે મહાત્માને જોયા પછી એમની સેવાના ભાવ જાગ્યા હોય એમ એમના પગ દબાવવાની કોશિશ કરવા લાગી. મહાત્મા તરત જ ખસી ગયા. એમને ધર્મલાભ આશિષ આપીને સમજાવી અમારો સ્પર્શ ન કરાય દૂરથી જ વંદન કરવાં જોઈએ. અમારે વિજાતીયનો સ્પર્શ વર્જ્ય છે.
બેય જણીઓ મુનિની પ્રશંસા કરવા લાગી. આપ તો કેવા મહાન છો. આજે અમારાં તો જાણે કે ભાગ્ય ખીલી ઊઠ્યાં. એમના સ્વરોની મધુરતા પણ અજબ હતી. જાણે સાકર કે દ્રાક્ષની મધુરતા, પણ આ બેયના કંઠમાધુર્યની સામે ફીકી પડે. આપણા જેવાની સામે આવે તો આપણે સાંભળવાનું ગમે, પણ આ તો મહાત્મા સામા હતા. એમને કોઈ અસર જ નહીં. એ તો તરત જ પાછા પોતાના ધ્યાનમાં વ્યસ્ત થઈ ગયા. મહાત્માને આઠ ઉપવાસનું પારણું કરવાનો પ્રસંગ હતો.
કોઈ વટેમાર્ગુ ત્યાં થઈને પસાર થઈ રહ્યા હતા. એમને સરસ મજાના લાડવા ભોજન કરવા માટે આપ્યા. પેલા મહાત્માને જોઈ લાડવામાંથી થોડા પેલા મહાત્માને આપ્યા. લાડવામાં માદક પદાર્થો ભેળવેલા હતા. પેલી બેય સખીઓ એમની સામે હોવા છતાં એમના માટે કોઈ જ ભાવ વિકૃતિનો જણાયો નહીં ત્યારે એમણે પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું. એમને કહ્યું, આપને વિચલિત કરવા માટે અમે ઘણા પ્રયત્નો કર્યા, પણ અમારો એક પણ પ્રયત્ન કારગત ન નિવડ્યો. આપ આટલી વિકટ પરિસ્થિતિમાં પણ આટલા સમાધિભાવમાં રહી શક્યા, ખરેખર આપ ધન્યવાદને પાત્ર છો.
આટલું કહી વારંવાર વંદન કરીને એ પોતાના સ્થાને ગયા. એ મહાત્મા સમાધિભાવની સ્થિરતાના કારણે સકળ કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં ગયા. આપણે પણ નક્કી કરીએ કે વિચલિત કરે એવી પરિસ્થિતિમાં હું મારા ચિત્તને સ્થિર રાખવા પ્રયત્ન કરીશ. કોઈ મારા ભૂંડા માટે પ્રયત્ન કરે તો એ સફળ થાય એવું હું વિચારું? જો ના તો મારે મારો સમાધિભાવ શા માટે તોડવો?