આદ્યશક્તિ, મહાશક્તિ, મહામાયા જગદંબા સ્વરૂપ મા શ્રી જનકનંદિનીનો મહિમા અપરંપાર છે. સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત આદ્યશક્તિનો ધર્મના રક્ષણઅર્થે અને દુષ્ટો તથા અસુરોના સંહારઅર્થે વિવિધ સ્વરૂપે પ્રાદુર્ભાવ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જાનકી અષ્ટમીએ માતા સીતાનું પ્રાગટ્ય થયું હતું. આ દિવસે માતા સીતા અને ભગવાન શ્રીરામનું પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ છે.
વાલ્મીકિ રામાયણ અનુસાર ત્રેતાયુગમાં રાક્ષસોનો ત્રાસ વધી ગયો હતો, રાક્ષસ ઋષિઓના યજ્ઞકાર્યમાં વિઘ્ન નાખતા હતા ને ઋષિઓના શરીરમાંથી રક્ત કાઢી તેમને ત્રાસ આપતા ત્યારે પરશુરામે રાક્ષસોને આવું કૃત્ય કરતા અટકાવવા પ્રયત્ન કર્યા. તેમણે ઋષિઓના રક્તનો એક ઘડો ભર્યો અને આ ઘડો જમીનની અંદર દાટી દીધો. ત્યારબાદ બધા જ ઋષિઓએ દૈવીય શક્તિના પ્રાગટ્ય માટે ઘોર તપસ્યા કરી અને સમયાંતરે ઘડામાં એક બાળકીના રૂપે દૈવીય શક્તિનું પ્રાગટ્ય થયું. જ્યારે રાજા જનક એક મહાયજ્ઞનું આયોજન કરતા હતા અને તે માટે હળથી જમીન ખેડી રહ્યા હતા ત્યારે જમીનમાંથી એક માટીનો ઘડો નીકળ્યો અને તે ઘડામાંથી એક બાળકી નીકળી. જેનું નામ જનક રાજાએ જાનકી રાખ્યું, ત્યારબાદ સીતાજી, વૈદેહી, ભૂમિજા જેવાં નામોથી ઓળખાયાં. સીતામાં ધરતીના જેવી સ્થિરતા, સહનશીલતા અને ક્ષમાશીલતા છે.
પૃથ્વીમાંથી તેમનું પ્રાગટ્ય થયું હોવાથી તે ધરતીપુત્રી પણ કહેવાય છે અને એટલે જ જાનકીજીના વ્યક્તિત્વમાં ધરતીસમાન સહનશીલતાનાં દર્શન થાય છે. કોઈ દૈવીય શક્તિનું અવતરણ થાય છે ત્યારે તેની પાછળ કોઈ મહાન ઉદ્દેશ્ય જોડાયેલો હોય છે. સીતાજીનું અવતરણ પણ અન્ય અવતારી દેવીઓની જેમ એક મહાન કાર્યને પાર પાડવા માટે થયું હતું. આસુરી શક્તિના ધ્વંશ માટે અને સાત્ત્વિક શક્તિના સંવર્ધન માટે થયું હતું.
માતા સીતાના ઉજ્જવળ ચરિત્રનો મૂળ આધાર તેમનો અટલ `પતિવ્રતા’ ધર્મ છે. વનગમન, વનવાસ, રાવણ દ્વારા અપહરણ, અગ્નિપરીક્ષા, રામ દ્વારા ત્યાગ વગેરે પ્રસંગોમાં તેના પાતિવ્રત્યની કસોટી થાય છે. સીતાના ચરિત્રમાં નારીસુલભ વૃત્તિઓ પણ જણાય છે. સુવર્ણમૃગ પ્રસંગમાં નારીસહજ સૌંદર્ય તરફનું આકર્ષણ પ્રબળ બન્યું છે. રાક્ષસીઓને દંડ ન દેવા હનુમાનને સમજાવતી સીતામાં નારીને યોગ્ય ક્ષમાશીલતા પ્રગટ થાય છે. સીતાજીનું હૃદય તો વાત્સલ્ય અને મમતાભર્યું છે. એમાં ક્યાંય કૃત્રિમ વ્યવહાર નથી. વનમાં પર્ણકુટિર આગળ રાવણનો સત્કાર કરતી અને ચિત્રકૂટમાં નાગરિકો સહિત ભરતના આગમન પર સૌની દિલથી સેવા કરતી સીતામાં `અતિથિ ધર્મ’ અને સેવાની ભાવના દેખાય છે જે સેવા, શીલ, સમર્પણ અને સહનશીલતાની ગુણસુગંધ ફેલાવે છે. રાવણ અને બીજા અનેક રાક્ષસોના ત્રાસથી આ ધરાને મુક્ત કરવા માટે દૈવીય શક્તિ દ્વારા આ પ્રકારે એક લીલા રચાઈ હતી અને આપણે સૌ જાણીએ છીએ કે સીતાના હરણ બાદ રાવણનો રામના હાથે નાશ થાય છે. આમ, સીતાજીને રાક્ષસકુળના નાશ માટે નિમિત્ત બનાવવામાં આવ્યાં હતાં. રાવણરાજનો નાશ અને રામરાજ્યની સ્થાપના એ માતા જાનકીના પ્રાગટ્ય વિના શક્ય ન હતું. રામાયણનો અને રામરાજ્યનો સંપૂર્ણ આધારસ્તંભ માતા જાનકી છે.
જાનકી એક આદર્શ પતિવ્રતા સ્ત્રી હતાં. તેમણે રામને રાજમહેલથી વનવાસ સુધીના દરેક કપરા પથ પર સહયોગિની બનીને સાથ આપ્યો. વીર, તેજસ્વી લવ-કુશને જન્મ આપીને સીતાજીએ એક આદર્શ માતાનું પણ કર્તવ્ય નિભાવ્યું. તદુપરાંત તે એક કર્તવ્યનિષ્ઠ રાજાનાં રાણી હતાં તેથી પ્રજાના હિત માટે તેમણે ક્યારેય સ્વનો વિચાર નહોતો કર્યો. રાજા રામને એક કાર્યનિષ્ઠ રાજા તરીકેની દરેક ફરજ બજાવવા માટે પથ પર સાથ આપ્યો. જાનકીએ પુત્રી, પત્ની, માતા અને રાજરાણીના દરેક કર્તવ્યને શ્રદ્ધાપૂર્વક નિભાવીને પોતાના આચરણ દ્વારા સંસારની નારીઓને આદર્શ જીવનશૈલીનો એક સંદેશ આપ્યો છે.
આવી ઉજ્જવળ નારીશક્તિ `નારાયણી’ દેવી બની શકે. સીતાના અગ્નિપ્રવેશ પ્રસંગે બ્રહ્માજી રામને કહે છે. સીતા લક્ષ્મીજી અને આપ વિષ્ણુ છો. ભાગવતમાં પણ લખ્યું છે કે રામ વિષ્ણુના અવતાર અને સીતા લક્ષ્મીનો અવતાર છે. પાછળથી લખાયેલાં રામાયણ જેવાં કે, અદ્ભુત રામાયણ, આનંદ રામાયણ, અધ્યાત્મ રામાયણ વગેરેમાં તે સ્પષ્ટ રીતે જાનકી માતાની આદ્યશક્તિ કે દેવી શક્તિ રૂપે પ્રતિષ્ઠા થઈ છે. આનંદ રામાયણમાં સીતાના અનેક જન્મો અને સ્વરૂપ બતાવ્યાં છે. વિશ્વભર નામના ઉપનિષદમાં `ઓમ્ નમ: સીતારામાભ્યામ્’ એ મંત્રનો મહિમા બતાવ્યો છે. `શુક સંહિતામાં’ વળી જણાવ્યું છે કે રાધા એ જ સીતા છે અને કૃષ્ણ એ જ રામ છે.
સીતાદેવી ઉપર પણ એક ઉપનિષદ લખાયું છે. ધરતી સ્વરૂપા સીતા પણ ધરતીની જેમ જ ઘણું ઘણું સહન કરીને આખા વિશ્વને ધારણ કરનારી, ટકાવનારી, જગદીશ્વરી બની રહે છે. માતા સીતાના ચરિત્ર પરથી કહેવાય છે `નારી તું નારાયણી’.