રાજકોટને સ્વચ્છ રાખવા માટે મ્યુનિ. કમિશનર આનંદ પટેલનો વધુ એક કડક નિર્ણય
રાજકોટને સ્વચ્છતા સર્વેક્ષણમાં મળેલી ધોબી પછડાટ બાદ મહાનગરપાલિકાએ બરોબરનો સબક લીધો છે. શહેરને સ્વચ્છ બનાવવા માટે જ્યા કંઇ પણ ત્રુટી રહી જતી હોય તે સુધારવાના અભિયાનના ભાગરૂપે કમિશનિર આનંદ પટેલે વધુ એક કડક નિર્ણય એ લીધો છે કે, હોકર્સ ઝોનમાં કોઇ ધંધાર્થી ગંદકી કરતા પકડાશે તો તેને ફાળવેલી જગ્યા કાયમ માટે રદ કરી નાખવામા આવશે.
શહેરના હોકર્સ ઝોનની અંદર અને આસપાસ શાકભાજી, અન્ય ગંદકી ઠલવાતી હોય આવા સ્થળે ઢોરનો ત્રાસ વધુ રહે છે. અન્ય ન્યૂસન્સ પણ રહેતુ હોવાથી મ્યુનિ. કમિશનર આનંદ પટેલે સફાઇની દ્રષ્ટિએ હોકર્સ ઝોન પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સ્ટાફને એવી કડક સુચના આપી છે કે, શહેરના તમામ હોકર્સ ઝોનમાં નિયમિત ચેકીંગ કરવુ. સાથે ફૂડ શાખાની ટીમને પણ આ આદેશ આપ્યો છે. હોકર્સ ઝોનમાં જો કોઇ ધંધાર્થી ગંદકી કરતા પકડાય તો તેને રોકડમાં દંડ નહીં પણ તેને ફાળવેલી જગ્યા જ કાયમ માટે રદ કરી નાખવા આદેશ કર્યો છે.
કચરો જાહેરમાં સળગાવનાર બે સફાકર્મી સસ્પેન્ડ
રાજકોટને ગોબરુ કરનારા સફાઇના દુશ્મનોને પકડીને દંડ કરવા માટે સીસીટીવી કેમેરાઓનો પણ સહારો લેવામા આવી રહ્યો છે. મનપાના કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં તેના માટે ખાસ સ્ટાફ ગોઠવાયેલો છે. સીસીટીવીમાં જાહેરમાં કચરો સળગાવનાર મનપાના જ બે કાયમી સફાઇ કામદારો પણ ઝપટે ચડી ગયા છે. વોર્ડ નંબર ૭/ક માં ફરજ બજાવતા કાયમી સફાઈ કામદાર નંદુબેન ખોડાભાઈ ધરણીયા અને રોયલ સિકયુરિટી સેર્વીશ એજન્સીના પાર્ટ-ટાઇમ સફાય કામદાર લક્ષ્મીબેન રવિભાઈ વાઘેલા જાહેરમાં કચરો સળગાવતા પકડાઇ જતા તેને સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે.
વધુ ૧૮ ‘થુંકણિયા’ CCTVમાં કેદ, ઇ-દંડ કરાયો
ચાલુ વાહને પાન-ફાકીની પીચકારી મારીને શહેરને ગંદુ કરનારાઓને પકડવા માટે સીસીટીવી કેમેરાનો સહારો લેવામા આવી રહ્યો છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ ૧૦૦૦ કેમેરા દ્વારા દિનભરમાં ૨૯૮૬ લોકેશન ચેક કરવામાં આવી રહ્યા છે. જેમા પાનની પીચકારી મારતા વધુ ૧૮ સ્વચ્છતાના દુશ્મનો પકડાયા હતા.