- એક વ્યક્તિ જે ભક્ત છે એ કોઈકનો ભક્ત નથી; ભક્તિ એક ગુણવત્તા છે. ભક્તિ એટલે અમુક પ્રકારનું એકતરફી ધ્યાન જે તમે સતત એક વસ્તુ તરફ કેન્દ્રિત છો
જો તમે તમારી જાતને એક મશીન તરીકે જુઓ તો તમારી પાસે મગજ છે, તમારી પાસે શરીર છે, તમારી પાસે બધું છે. તમે જેને `કૃપા’ કહો છો તે લ્યુબ્રિકેશન (ઊંજણ) છે. તમારી પાસે એક ઉત્તમ એન્જિન છે, પરંતુ લ્યુબ્રિકેશન વિના તમે વારેઘડીએ અટવાઈ જાવ છો. પૃથ્વી પર આવા કેટલાય લોકો છે – તેઓ બુદ્ધિશાળી છે, તેઓ સક્ષમ છે, પરંતુ તેમના જીવનના દરેક વળાંક પર તેઓ અટવાઈ જાય છે, કારણ કે ત્યાં કોઈ લ્યુબ્રિકેશન નથી. `કૃપા’ નામની આ વસ્તુ કેટલાક લોકોનાં જીવનમાં બધે જ વરસતી હોય એવું લાગે છે અને બીજા કોઈ માટે, દરેક બાબત એક સંઘર્ષ હોય છે.
આ કૃપા માટે ગ્રહણશીલ બની શકાય તે માટેનો – કે જેથી જીવનની પ્રક્રિયા સહજ બની જાય – સૌથી સહેલો રસ્તો ભક્તિ છે, પણ મન બહુ ચાલાક છે; તે પોતાની જાતને કોઈને અથવા કંઈ પણ માટે સમર્પિત કરી શકતું નથી. તમે ભક્તિનાં ગીતો ગાઈ શકો છો, પણ તમારી પોતાની ગણતરી હોય છે, `તે બધું ઠીક છે, પણ ભગવાને મારા માટે શું કર્યું છે?’ ગણતરી કરનારાં મન ભક્ત ન હોઈ શકે. ભક્ત બનવાનો પ્રયત્ન કરવો એ સમય અને જીવનનો વ્યય હશે. હું ઘણાંબધાં કહેવાતાં ભક્તિગીતો અને સંગીત સાંભળું છું. આ ખૂબ ગણતરીપૂર્વકનું છે; તેમાં કોઈ ભક્તિ નથી.
એક વ્યક્તિ જે ભક્ત છે એ કોઈકનો ભક્ત નથી; ભક્તિ એક ગુણવત્તા છે. ભક્તિ એટલે અમુક પ્રકારનું એકતરફી ધ્યાન જે તમે સતત એક વસ્તુ તરફ કેન્દ્રિત છો. એક વાર કોઈ વ્યક્તિ આવી થઈ જાય કે તેના વિચાર, ભાવના અને બધું જ એક દિશામાં હોય, તે વ્યક્તિ હવે સ્વાભાવિક રીતે જ કૃપાને પ્રાપ્ત કરશે; તે ગ્રહણશીલ બની જાય છે. મુદ્દો એ નથી કે તમે શેના માટે સમર્પિત છો અથવા તમે કોને સમર્પિત છો. `ના, મારે ભક્ત બનવું છે, પણ ભગવાન છે કે નહીં તેની મને શંકા છે.’ આ બધી વિચારશીલ મનની તકલીફો છે. તમારે જે જાણવાની જરૂર છે તે એ છે કે, ભગવાનનું અસ્તિત્વ નથી, પણ જ્યાં એક ભક્ત હોય ત્યાં ભગવાન હોય છે.
ભક્તિની શક્તિ એવી છે કે તે સર્જકનું સર્જન કરી શકે છે. જેને આપણે ભક્તિ તરીકે ઓળખીએ છીએ તેનું ઊંડાણ એટલું છે કે ઈશ્વરનું અસ્તિત્વ ન હોય તો પણ તે તેને અસ્તિત્વમાં લાવી શકે છે. ભક્તિને માત્ર ભાવનાત્મક અનુભવ તરીકે જાણવી એ એક વસ્તુ છે. ભક્તિને જીવનના એક અત્યંત શક્તિશાળી પરિમાણ તરીકે જાણવી એ જુદી વાત છે. ભક્તિને માત્ર એક ભાવના તરીકે જાણવું કદાચ તમારા જીવનને થોડું મધુર બનાવે; પરંતુ ભક્તિ તમારા જીવનને મધુર બનાવવા માટે નથી; ભક્તિનો હેતુ તમે જે રીતે છો તેને પૂરી રીતે તોડી નાખવાનો છે. ખાલી જરા સારું બનવું, એ ભક્તિનો આશય નથી; ભક્તિ એટલે વિસર્જન. જે પોતાની જાતને વિસર્જિત કરવા તૈયાર હોય તે જ સાચો ભક્ત બની શકે.