- પદ્મરુચિ ભવિષ્યમાં શ્રી રામચંદ્રજી બન્યા અને વૃષભધ્વજ સુગ્રીવ બન્યા
એનું નામ પદ્મરુચિ હતું. મહાપુર નામના નગરમાં રહેવાવાળો એક ધાર્મિક શ્રાવક હતો. પરમાત્માનો અનન્ય ઉપાસક તો હતો જ, પણ એ અતિશય કરુણાવાળો હતો. કોઈ પણ દુઃખી જીવન જોઈને એનો અંતરાત્મા દુઃખથી સંવેદિત થઈ જતો. એના દુઃખને દૂર કરે તો એને આનંદ આનંદ થઈ જતો.
એ દિવસે એ વનનિકુંજમાં ફરવા માટે નીકળ્યો હતો. પ્રકૃતિની શોભા જોઈને ચિત્તમાં આનંદના અંકુર ફૂટી નીકળ્યા હતા. એ સમયે એણે એક બળદને જોયો. એના શ્વાસોશ્વાસની ગતિ તીવ્ર બની રહી હતી. એના ચહેરા ઉપર જાણે વેદના લીંપાયેલી હતી. પદ્મરુચિ તરત જ એ બળદની પાસે જઈને બેસી ગયા. તરત જ નવકાર મંત્ર બોલવા લાગ્યો. નવકાર મંત્રના પ્રભાવથી એના વિચારોમાં પવિત્રતા આવે છે. એની વિચારધારા શાંત અને સ્વસ્થ બને છે. પરિણામે એ મરીને રાજાની પટરાણીની કુક્ષીમાં રાજકુમાર તરીકે ઉત્પન્ન થાય છે. એની છાતીમાં વૃષભ-બળદનું ચિહ્ન છે. રાજારાણીએ એનું નામ વૃષભધ્વજ જાહેર કર્યું. તે ગુરુના આશ્રમમાં રહીને શસ્ત્રવિદ્યામાં પારંગત થયો. એક દિવસ પેલા જંગલ પાસેથી પસાર થઈ રહ્યો છે. અચાનક એક વૃક્ષની નીચે એ બેઠો. વનનિકુંજની શોભા જોઈ રહ્યો હતો ત્યારે એને આ બધી પ્રકૃતિની સાથે આત્મીયતાનો ભાવ જાગ્યો. એને વિચાર આવે છે કે મારું સ્થાન આ જ છે. આવો વિચાર ચાલી રહ્યો છે ત્યારે એને જાતિસ્મરણ જ્ઞાન થાય છે.
જાતિસ્મરણ જ્ઞાન એટલે એને પોતાના પૂર્વભવોનું જ્ઞાન થાય. એણે જોયું કે પોતે બળદ હતો. આ જ જગ્યાએ પોતાનું આયુષ્ય સમાપ્ત થયેલું. પોતાની બાજુમાં આ એક માણસ બેઠો છે એ કોણ છે? એ મને કંઈક સંભળાવી રહ્યો છે. જોકે, એ શબ્દો પકડી શકતો નથી, પણ એના કારણે મારા મનના વિચારો તો સાર જ બન્યા છે. આ માણસ કોણ હશે? એને મારે શોધવો ક્યાં? મારા ઉપકારી છે, એના કારણે જ આજે હું રાજકુમાર બન્યો છું.
નિષ્ઠાપૂર્વક વિચાર કરવામાં આવે તો સમસ્યાનું સમાધાન અવશ્ય મળ્યા વગર રહેતું નથી.
અહીં એક મંદિર તાત્કાલિક બનાવું. એમાં એક સરસ ચિત્રપટ કરાવું. એમાં બળદનું ચિત્ર હોય, બાજુમાં કોઈ માણસ બેઠો હોય. એક માણસને ત્યાં નિયુક્ત કરવો કે જે આવનારા માણસોની નોંધ રાખે. બળદની બાજુમાં બેઠેલો માણસ આવશે તે આ ચિત્ર વિશે વિશેષ જાણકારી લેવાની એને ઉત્કંઠા થશે જ.
વિચારને અનુરૂપ કાર્ય તરત કરાવી દીધું. લોકો મંદિરમાં આવે અને દેવનાં દર્શન કરીને રવાના થાય. એક દિવસ પેલો પદ્મરુચિ પોતે ત્યાં આવ્યો. એણે મંદિર જોયું ને આશ્ચર્ય થયું. અંદર જઈને દેવનાં દર્શન કર્યાં. ચિત્ર જોયું. એ તો સ્તબ્ધ બની ગયો. જે વાતની મારા સિવાય કોઈને ખબર જ નથી એવું આ ચિત્ર ક્યાંથી આવ્યું?
પદ્મરુચિ વિચાર કરે છે, ચિત્રની સામે અપલક જોયા કરે છે. પેલો નિયુક્ત કરેલો માણસ એમની પાસે આવે છે, પૂછે છે, શું વિચાર કરો છો?
કંઈ નહીં, આ ચિત્ર ખૂબ સરસ છે. હું એ જોતો હતો. આમાં `સરસ’ જેવું શું છે? બળદ છે અને આ માણસ છે. હશે આ બળદનો માલિક. કદાચ આ બળદના માલિકે જ આ મંદિર બનાવ્યું હશે, બાકી તો આવા જંગલમાં આવું મંદિર શા માટે બનાવે?
પદ્મરુચિ કહે છે, આ મંદિર કોણે બનાવ્યું એ તો મને ખબર નથી, પણ આ માણસે તો નથી જ બનાવ્યું. એ હું ખાતરીપૂર્વક કહી શકું એમ છું.
આવું ખાતરીપૂર્વક આપ કેવી રીતે કહી શકો છો?
ખાતરીપૂર્વક હું એટલે કહું છું, કારણ કે જે આ માણસ છે તે હું પોતે જ છું અને મેં આ બનાવ્યું નથી. એમ એવી વાત છે? મને તો આવી વાત જાણીને નવાઈ લાગે છે.
એણે તરત જ રાજકુમારને સમાચાર પહોંચાડી દીધા. જે માણસની તમે તલાશ કરો છો એ માણસ મને મળી ગયો છે. એનું નામ પદ્મરુચિ છે. એનું ઠામઠેકાણું આ રીતનું છે.
રાજકુમારે પદ્મરુચિને શોધી કાઢ્યો. એને પોતાની પાસે બોલાવ્યો, કહ્યું, જે બળદને તમે બોધ આપેલો એ જ બળદનો જીવ હું પોતે છું અને પેલું મંદિર તમને શોધવા માટે મેં જ નિર્માણ કરાવેલું છે.
પદ્મરુચિ અને રાજકુમારની અમીટ મૈત્રી જામે છે. બેય જણા જાણે વર્ષોના મિત્રો ન હોય એવો એમનો સંબંધ છે. રાજકુમાર વૃષભધ્વજ રાજા બને છે અને પદ્મરુચિ એમનો મંત્રી બને છો.
એક વાર એક ઘટના બનેલી. મહાપુરની નજીકમાં જ એક ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાંનો રાજા સંગ્રામસિંહ હતો. એને લડાઈ કરવાનો અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવાનો ભારે શોખ હતો. સંગ્રામસિંહે જ્યારે પોતાના રાજ્ય ઉપર આક્રમણ કરવાનો વિચાર કર્યો ત્યારે મહામંત્રી પદ્મરુચિ અને રાજા વૃષભધ્વજે વિચાર કર્યો રાજાને જવાબ તો આપવો જ પડે, પણ અત્યારે આપણે જવાબ આપવાની યોગ્ય સ્થિતિમાં નથી. આપણું સૈન્ય પણ યુદ્ધ માટે તૈયાર નથી તો ઊભું રાખવા માટે વાટાઘાટમાં સમય વ્યય કરવો જોઈએ.
રાજા અને મંત્રી વિચારણા કરે છે. રાજાની તો એક જ વાત છે- ક્ષત્રિયનો બચ્ચો યુદ્ધથી ગભરાય નહીં. સામે મંત્રી પણ તૈયાર છે. રાજ્યનો નાશ કરવાની મારી કોઈ તૈયારી નથી. આપણે યુદ્ધ કરવું જ છે, પણ વિજય મેળવવાની તૈયારી સાથે. હારવા માટે યુદ્ધ કરવાની મારી તૈયારી નથી. આપ રાજા છો આદેશ તો આપનો જ ચાલવાનો છે, પણ મારી વિનંતી છે આપ મને થોડો સમય આપો.
રાજા પણ વિચાર કરે છે, મહામંત્રીની વાતમાં તથ્ય તો છે જ, ભલે થોડો સમય પસાર કરે શું ફરક પડવાનો છે. એમણે કહ્યું બોલો, તમારે કેટલો સમય જોઈએ? મારે માત્ર છ માસ જોઈએ. વધારે સમયની જરૂર નથી. એટલામાં તો હું બધી રીતે સક્ષમ થઈ જઈશ.
એણે પોતાના સૈન્યની કવાયત કરવાની ચાલુ કરી દીધી. સામેના રાજાની સાથે મૈત્રી માટેનાં દ્વાર પણ ખોલી નાંખ્યાં. એણે સંગ્રામસિંહને કહેવડાવ્યું આપ અમારા અતિથિ બનો. અમે આપનો ઉચિત સત્કાર કરીશું. અમારી પાસેથી આપની શું અપેક્ષા છે? આપ જણાવો તો અમે એ વિષયમાં આગળ વિચારી શકીએ.
સંગ્રામસિંહના મોંમાં પાણી આવી ગયાં. વગર મહેનતે વિજય મળતો હોય તો લડીને-કાપાકાપી કરીને શા માટે આપણો સૈન્યનો નાશ કરવો?
પદ્મરુચિને સમય પસાર કરવો છે. પોતાના સૈન્યનો પરિચય પણ બતાવવો છે. રોજ સૈન્યમાં વધારો કર્યા કરતો હોય છે. પેલો વિચાર કરે છે આટલું મોટું સૈન્ય છે? રોજ નવા નવા સૈનિકો ક્યાંથી લાવે છે? આપણને મળતા નથી.
સંગ્રામસિંહ દ્વિધામાં છે. આની સાથે યુદ્ધ કરાય કે સમાધાન કરાય. પદ્મરુચિ વિચક્ષણ છે. એની દ્વિધાનો ભરપૂર ફાયદો ઉઠાવવાના પ્રયત્નોમાં સફળતા મળે છે. એકસાથે બે મોરચા સંભાળવામાં પોતાની બુદ્ધિપ્રગલ્ભતા બતાવે છે. બે માસમાં એણે પોતાના સૈન્યમાં ચાર ગણા સૈનિકો વધારી દીધા છે. શસ્ત્ર સરંજામનો પુરવઠો જરૂર કરતાં વધારે એકઠો કરી દીધો છે. નવા ભરતી થયેલા સૈનિકોને વ્યવસ્થિત રીતે સામનો કરવાની સિસ્ટમ સમજાવી દીધી છે. હવે એને લાગે છે યુદ્ધ માટેનો સમય મારા માટે યોગ્ય છે. એણે એક દિવસ અચાનક જ યુદ્ધ માટેનું એલાન જારી કરી દીધું.
સંગ્રામસિંહે માનેલું કે હવે આ લોકો યુદ્ધ કરવાનો વિચાર કરશે નહીં, કારણ કે યુયુત્સુ (યુદ્ધ કરવાની ઇચ્છા) એની જ શાંત થઈ જાય જ્યારે પરિસ્થિતિ કંઈક અલગ બની. પદ્મરુચિને તૈયારી માટે સમયની જરૂર હતી. જેવી તૈયારીઓ થઈ ગઈ કે એણે સામો છાપો મારી દીધો.
સંગ્રામસિંહ ઊંઘતો ઝડપાયો.
એણે આક્રમણ ખાળવાનો પ્રયાસ કર્યો, પણ એને લાગ્યું આપણે ફાવીએ એમ નથી એટલે લાગ જોઈને એ ત્યાંથી પોતાના પ્રદેશ તરફ ભાગી ગયો.પદ્મરુચિને એની પાછળ જવાનું પસંદ પડ્યું નહીં.
પદ્મરુચિ ને વૃષભધ્વજની મૈત્રી અખંડ ચાલી છે. એ ભવમાં તો હતી જ પણ એના પછીના ભવમાં પણ એવી જ અકબંધ હતી.
જૈન રામાયણ કહે છે, પદ્મરુચિ ભવિષ્યમાં શ્રી રામચંદ્રજી બન્યા છે અને વૃષભધ્વજ સુગ્રીવ બન્યા છે.
જીવનાં અંજળ ક્યારે કેવા સ્વરૂપે બંધાય છે એ આપણે જાણી શકતા નથી, એટલા જ માટે સહુ સાથે આપણા સંબંધો મીઠાશવાળા જ રાખવા. કડવાશને કાઢવી જરૂરી છે.