યે હિ સંસ્પર્શજા ભોગા દુ:ખયોનય એવ તે ।
આદ્યન્તવંત: કૌંતેય ન તેષુ રમતે બુધ: ॥ 5-22 ॥
અર્થ : હે કૌંતેય, ઇન્દ્રિયો અને વિષયોના સ્પર્શથી ઉત્પન્ન થયેલા જે ભોગો છે તે સર્વ ઉત્પત્તિ અને નાશને વશ હોવાથી દુ:ખના કારણરૂપ છે, એટલા માટે જ્ઞાનીજનો તેમાં પ્રીતિ રાખતા નથી.
ઇન્દ્રિયો અને વિષયોના સ્પર્શથી ઉત્પન્ન થયેલા ભોગો એવા ભોગ છે જે વારંવાર ઉત્પન્ન થનાર અને નાશ પામનાર છે, આવા ભોગો આપણને સુખ આપે છે, મોજ પણ અપાવે છે, પણ આ મોજ કે આનંદ શાશ્વત સ્વરૂપનાં ન હોવાથી તે દુખનાં કારણ બને છે તેથી જ જે જ્ઞાનીજનો છે, બુદ્ધિશાળી છે તેવા લોકો આવા ભોગો તરફ પ્રેમભાવ અથવા તો લગાવ રાખતા નથી. એ વાત તો ખૂબ જ સ્વાભાવિક અને સ્પષ્ટ છે કે જે સુખ કે આનંદ લાંબો સમય તમને સાથ ન આપે તેની પાછળ ઘેલા થવાથી આપણને મળેલો મનુષ્યનો મહામૂલો અવતાર પણ વ્યર્થ જાય છે. આત્માનું કલ્યાણ સાધવા માટે મનુષ્ય રૂપી અવતાર જ એકમાત્ર સાધન છે અને તેથી જ આવો અવતાર આપણે ક્ષણિક અથવા તો ટૂંકા ગાળાના આનંદ આપનારા ભોગો પાછળ ગુમાવવો જોઈએ નહીં. જે સુખ કે ભોગ વારેવારે ઉત્પન્ન થાય છે અને વારેવારે નાશ પામે છે તે જીવન માટે કંઈ જ મહત્ત્વ ધરાવતાં નથી અને ઉલટાનું દુ:ખ જ આપે છે. ભગવાને એટલા માટે જ કહ્યું છે કે જે જ્ઞાનીજનો છે તે આવા ઇન્દ્રિયો મારફતે મેળવવાનાં સુખ કે ભોગો પ્રત્યે પ્રીતિ કે પ્રેમ રાખતા નથી તેવી જ રીતે સંસારના તમામ મનુષ્યો પણ આમાંથી બોધપાઠ લઈ શરીરની ઇન્દ્રિયો દ્વારા મેળવાતાં કે અનુભવાતાં સુખ પાછળ ઘેલા થવાને બદલે માત્ર અને માત્ર ઈશ્વર તરફ જ ધ્યાન આપે તો તેમનો મોક્ષ અચૂક થઈ શકશે અને કદાચ વારેવારે ધરતી પર અવતાર પણ લેવો નહીં પડે. આમ, અહીંયાં ભગવાને વારેવારે જન્મતાં અને નાશ પામતાં સુખ કે ભોગોનો ત્યાગ કરવા બાબતે ગુપ્ત રીતે સૂચન કરેલું છે.
શકનૌતીહૈવ ય: સોઢું પ્રાકશરીરર્વિમોક્ષણાત ।
કામક્રોધોદ્ર્વં વેગં સ યુક્ત: સ સુખી નર: ।। 5/23 ।।
અર્થ : શરીરનો નાશ થવા પહેલાં જે મનુષ્ય કામ અને ક્રોધથી ઉત્પન્ન થયેલા વેગને સહન કરી શકે છે તે મનુષ્ય આ લોકમાં યોગી છે અને તે સાચો સુખી છે.
મનુષ્યનો દેહ નાશવંત છે એટલે તેનો નાશ થવાનું તો નક્કી જ છે. જે મનુષ્ય પોતાના દેહનો નાશ થાય તે પહેલાં મનુષ્યની પોતાની કામવાસના કે ક્રોધથી ઉત્પન્ન થતા વેગને કે આવેગને તે સહન કરી શકે છે, વેઠી શકે છે તે આ લોકમાં યોગી કહેવાય છે અને તેથી જ તે મનુષ્ય અવતારના સાચા સુખને પામી શકે છે છે તેવું ભગવાને જણાવ્યું છે. અહીં બે બાબત મહત્ત્વની છે. કામ અને ક્રોધથી આવેગ ઉત્પન્ન થવા અને તેને વેઠી શકવા. આપણે કામ અને ક્રોધ દ્વારા ઉત્પન્ન થયેલા આવેગને સહન કરી શકીએ તો યોગી ગણાઇએ, પણ જો આપણે કામ અને ક્રોધને જ જો અંકુશિત કરી દઈએ તો તેમાંથી કોઇ આવેગ ઉત્પન્ન જ નહીં થાય. અરે, કદાચ થશે તો ઘણી ઓછી માત્રામાં ઉત્પન્ન થશે જે વેઠવાનું અઘરું હશે નહીં. એક ધ્યાન ખેંચે તેવી બાબત એ પણ છે કે કામ અને ક્રોધ બંને કદાચ એકબીજાના પૂરક પણ છે. કામના અને ક્રોધ બંનેથી આપણાં મન અને બુદ્ધિને દૂર જ રાખીએ. તે છતાં પણ જો તેના થકી જે કંઈ આવેગ પ્રગટે તેને પણ વેઠી લેવા પણ તૈયાર થઇએ તો પછી આપણે યોગી બની જઈશું.